મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

અમેરિકા -EU બાદ ભારતની વધુ એક ફ્રી ટ્રેડ ડિલ ફાઈનલ, ખાડી દેશોના સમૂહ સાથે બની સહમતિ

ભારત અને ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલ(GCC) વચ્ચેના આર્થિક સંબંધો હવે એક નવી ઊંચાઈ પર પહોંચવા જઈ રહ્યા છે. યુરોપ

અમેરિકા -EU બાદ ભારતની વધુ એક ફ્રી ટ્રેડ ડિલ ફાઈનલ, ખાડી દેશોના સમૂહ સાથે બની સહમતિ

ભારત અને ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલ(GCC) વચ્ચેના આર્થિક સંબંધો હવે એક નવી ઊંચાઈ પર પહોંચવા જઈ રહ્યા છે. યુરોપિયન યુનિયન અને અમેરિકા સાથેની મહત્ત્વપૂર્ણ ટ્રેડ ડીલ બાદ, હવે ભારત આ છ ખાડી દેશો સાથે મુક્ત વ્યાપાર સમજૂતી(FTA) કરવાની તૈયારીમાં છે. કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલે પુષ્ટિ કરી છે કે બંને પક્ષો વચ્ચે 'ટર્મ્સ ઓફ રેફરન્સ'(ToR) પર હસ્તાક્ષર થઈ ગયા છે, જેનો અર્થ છે કે હવે ઔપચારિક વાટાઘાટો માટેનો માર્ગ મોકળો બન્યો છે. આ સમજૂતીમાં યુનાઇટેડ આરબ એમિરેટ્સ(UAE), સાઉદી અરેબિયા, કતાર, કુવૈત, બહેરીન અને ઓમાન જેવા પ્રભાવશાળી દેશોનો સમાવેશ થાય છે.

વ્યાપારિક ગતિશીલતા અને ભારતને ફાયદો

આ સમજૂતી ભારત માટે વ્યૂહાત્મક અને આર્થિક બંને રીતે ગેમ-ચેન્જર સાબિત થઈ શકે તેમ છે. ભારત પોતાની ઊર્જા જરૂરિયાતો માટે મોટાભાગે સાઉદી અરેબિયા અને કતાર જેવા દેશો પર નિર્ભર છે, જ્યાંથી ક્રૂડ ઓઈલ અને નેચરલ ગેસની આયાત કરવામાં આવે છે. બીજી તરફ, ભારત આ દેશોમાં કિંમતી રત્નો, જ્વેલરી, મશીનરી, લોખંડ અને રસાયણોની નિકાસ કરે છે.

ભારત-GCC વચ્ચે મજબૂત બનતા સંબંધો

ભારત અને જીસીસી(GCC) દેશો વચ્ચેના વ્યાપારિક આંકડાઓ આર્થિક સંબંધોની મજબૂતી દર્શાવે છે. નાણાકીય વર્ષ 2024-25 દરમિયાન ભારતની ખાડી દેશોમાં નિકાસમાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી છે, જે હવે 57 અબજ ડોલર પર પહોંચી ગઈ છે. આ જ સમયગાળામાં આયાત ક્ષેત્રે પણ મોટો ઉછાળો આવ્યો છે, જેમાં 15.33%ના વધારા સાથે કુલ આયાત 121.7 અબજ ડોલર રહી છે. આ નવી મુક્ત વ્યાપાર સમજૂતીથી માત્ર વસ્તુઓના આદાન-પ્રદાનમાં જ નહીં, પરંતુ સેવાઓ અને રોકાણના ક્ષેત્રમાં પણ મોટા પાયે વૃદ્ધિ થવાની પ્રબળ સંભાવના છે, જેનાથી બંને પક્ષો માટે આર્થિક સમૃદ્ધિના નવા દ્વાર ખુલશે.

પ્રવાસી ભારતીયો માટે મહત્ત્વ

આર્થિક પાસાં ઉપરાંત, આ ડીલ માનવીય દ્રષ્ટિકોણથી પણ અત્યંત મહત્ત્વની છે. વિશ્વભરમાં વસતા અંદાજે 3.2 કરોડ પ્રવાસી ભારતીયોમાંથી લગભગ અડધા જેટલા લોકો ખાડી દેશોમાં વસવાટ કરે છે અને ત્યાં કામ કરે છે. આ સમજૂતીથી ત્યાં રહેતા ભારતીયો માટે રોજગારીની નવી તકો ઊભી થશે અને બંને પક્ષો વચ્ચે પરસ્પર વિશ્વાસ વધુ મજબૂત બનશે. અગાઉ 2006 અને 2008માં આ અંગે પ્રયાસો થયા હતા, પરંતુ હવે ત્રીજા રાઉન્ડની વાટાઘાટો સાથે ભારત એક મજબૂત આર્થિક ભાગીદારી તરફ આગળ વધી રહ્યું છે.

આ સમાચાર શેર કરો