કોંગોમાં ઈબોલાનો કહોર: મૃત્યુઆંક ૨,૦૦૦ને પાર, અત્યાર સુધીનો સૌથી ઝડપથી ફેલાતો રોગચાળો જાહેર

ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોમાં ઈબોલા રોગચાળો ભયાનક સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. સરકારી આંકડા અનુસાર, અત્યાર સુધીમાં ઈબોલાના કારણે ૨,૦૦૦થી વધુ લોકોના મોત થયા છે અને ૪,૩૦૦થી વધુ કન્ફર્મ કેસ નોંધાયા છે. આ ઈબોલા વાયરસના ઈતિહાસમાં અત્યાર સુધીનો સૌથી ઝડપથી ફેલાતો રોગચાળો બની ગયો છે.
દરમિયાન, સરકારી માહિતી અનુસાર લગભગ ૭૦૪ દર્દીઓ હાલમાં હોસ્પિટલમાં આઈસોલેશન હેઠળ સારવાર હેઠળ છે.
કેમ આટલી ઝડપથી ફેલાઈ રહ્યો છે વાયરસ?
દુર્લભ બુંડીબુગ્યો વાયરસ:
આ વખતે ઈબોલાનો ફેલાવો 'બુંડીબુગ્યો' નામના દુર્લભ વાયરસ સ્ટ્રેન દ્વારા થઈ રહ્યો છે. આ વાયરસ માટે હાલમાં કોઈ માન્ય રસી કે ચોક્કસ સારવાર ઉપલબ્ધ નથી, જેના કારણે સંક્રમણ પર કાબૂ મેળવવો મુશ્કેલ બની રહ્યો છે.
વિલંબથી થયેલી ઓળખ:
પ્રાપ્ત અહેવાલો મુજબ, આ વાયરસ વાસ્તવમાં ફેબ્રુઆરી મહિનાથી જ ફેલાઈ રહ્યો હતો, પરંતુ તેની સત્તાવાર જાહેરાત મે મહિનામાં થઈ હતી. ઓળખ કરવામાં થયેલા આ વિલંબને કારણે વાયરસને ફેલાવાનો મોટો સમય મળી ગયો.
ભૌગોલિક અને તબીબી પડકારો:
આ રોગચાળો કોંગોના અત્યંત અંતરિયાળ અને અશાંત વિસ્તારોમાં ફેલાયો છે. ત્યાં પૂરતી આરોગ્ય સુવિધાઓનો અભાવ અને અસુરક્ષિત માહોલના કારણે દર્દીઓની ટ્રેસિંગ કરવામાં મોટી મુશ્કેલીઓ પડી રહી છે.
કોંગોમાં ૧૭મો ઈબોલા રોગચાળો
વર્ષ ૧૯૭૬માં ઈબોલા નદી કિનારે પ્રથમ વખત વાયરસ મળી આવ્યા બાદ કોંગોમાં આ ૧૭મો ઈબોલા રોગચાળો છે. આરોગ્ય અધિકારીઓ હાલમાં સર્વેલન્સ, દર્દીઓને અલગ રાખવા અને સમુદાયના સહયોગથી રોગચાળાને કાબૂમાં લેવાનો પ્રયાસ કરી રહ્યા છે.

