ડોનાલ્ડ ટ્રમ્પે મોટી રાહત આપી, ભારતને ચાબહાર બંદર પર યુએસ પ્રતિબંધોમાંથી છ મહિના માટે મળી મુક્તિ
રશિયામાં ક્રૂડ ઓઈલના કારણે ભારત અને અમેરિકાના સંબંધોમા

રશિયામાં ક્રૂડ ઓઈલના કારણે ભારત અને અમેરિકાના સંબંધોમાં તિરાડ પડી હતી, હવે આ તિરાડ દૂર થતી જોવા મળી છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતને મોટી રાહત આપી છે. વિદેશ મંત્રાલયે જાહેરાત કરી છે કે, અમેરિકાએ ઈરાનમાં ચાબહાર બંદર પ્રોજેક્ટ માટે પ્રતિબંધોમાંથી મળતી છૂટ લંબાવી દીધી છે. ભારતને ચાબહાર બંદર પર યુએસ પ્રતિબંધોમાંથી છ મહિના માટે મુક્તિ મળી છે.
ચાબહાર બંદર પર અમેરિકા દ્વારા મળતી છૂટ 27 ઓક્ટોબરના રોજ સમાપ્ત થઈ ગઈ હતી. ભારતે ચાબહાર બંદરનું સંચાલન કરવા માટે ઈરાન સાથે 10 વર્ષનો કરાર કર્યો હતો. જેના વિકાસ માટે ભારતે ભારે રોકાણ કર્યું છે. ભારતે મે, 2024માં ઈરાન સાથે 10 વર્ષનો કરાર કર્યો હતો, જેના હેઠળ ઇન્ડિયન પોર્ટ્સ ગ્લોબલ લિમિટેડ (IPGL)એ શાહિદ બેહેશ્તી ટર્મિનલનું સંચાલન સંભાળ્યું હતું. આ પહેલી વાર હતું જ્યારે ભારતે કોઈ વિદેશી બંદરનું સંચાલન સંભાળ્યું હોય. અગાઉ, 2016ના કરારને રિન્યૂ કરવામાં આવ્યો હતો.
ચાબહાર બંદર ભારત માટે મહત્ત્વપૂર્ણ
ચાબહાર બંદર ભારત માટે મહત્ત્વપૂર્ણ છે, કારણ કે તે પાકિસ્તાનને બાયપાસ કરીને અફઘાનિસ્તાન અને મધ્ય એશિયાને સીધો વેપાર માર્ગ પૂરો પાડે છે. ભારતે 2003માં આંતરરાષ્ટ્રીય ઉત્તર-દક્ષિણ પરિવહન કોરિડોર દ્વારા પ્રાદેશિક જોડાણને મજબૂત બનાવવા માટે આ પ્રોજેક્ટનો પ્રસ્તાવ મૂક્યો હતો.






