મિડ ટર્મ ચૂંટણીમાં પરાજય, ટ્રમ્પ-વેન્સ વચ્ચે સર્જાઈ તિરાડ

અમેરિકામાં હાલમાં જ સંપન્ન થયેલી મિડટર્મ ચૂંટણીના પરિણામોએ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમની રિપબ્લિકન પાર્ટીને મોટો ઝટકો આપ્યો છે. ડેમોક્રેટિક પાર્ટીએ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ અને સેનેટ બંનેમાં બહુમતી હાંસલ કરી લીધી છે. આ હારના કારણે વોશિંગ્ટનનું પાવર બેલેન્સ તો બદલાયું જ છે, સાથે જ વ્હાઇટ હાઉસની અંદર પ્રમુખ ટ્રમ્પ અને ઉપપ્રમુખ જેડી વેન્સ વચ્ચેના મતભેદો પણ ખુલીને સામે આવ્યા છે.
કોંગ્રેસના બંને સદનોમાં રિપબ્લિકન પાર્ટીની હાર
ચૂંટણી પરિણામો અનુસાર, રિપબ્લિકન પાર્ટીએ કોંગ્રેસના બંને સદનોમાં પોતાની બહુમતી ગુમાવી દીધી છે. 435 બેઠકો ધરાવતી પ્રતિનિધિ સભામાં ડેમોક્રેટ્સને 228 અને રિપલિકન્સને 139 બેઠકો મળી છે (બહુમતી માટે 218 બેઠકો જરૂરી છે). આ ઉપરાંત, 100 સભ્યોવાળી સેનેટમાં પણ ડેમોક્રેટ્સે 54 બેઠકો સાથે બહુમતી મેળવી છે, જ્યારે રિપબ્લિકન પાર્ટીને 44 બેઠકો જ મળી છે. આ પરિણામોથી ટ્રમ્પ માટે પોતાના નીતિગત એજન્ડાને આગળ વધારવા મુશ્કેલ બનશે.
ઈરાન વિરુદ્ધનું સૈન્ય અભિયાન પરાજયનું મુખ્ય કારણ?
ઉપપ્રમુખ જેડી વેન્સએ સોશિયલ મીડિયા પર એક લાંબી પોસ્ટ લખીને ઈરાન વિરુદ્ધના અલોકપ્રિય સૈન્ય અભિયાનને રિપબ્લિકન પાર્ટીની હારનું મુખ્ય કારણ ગણાવ્યું છે. તેમણે કહ્યું કે સેનેટમાં 6 વર્ષ માટે બહુમતી ગુમાવવી એ આ યુદ્ધનું પરિણામ છે. એક સર્વે મુજબ, આશરે 10માંથી 6 મતદાતાઓએ ઈરાન સામેની સૈન્ય કાર્યવાહીને ખોટો નિર્ણય ગણાવ્યો હતો. જોકે, ટ્રમ્પે હજુ પણ આ સૈન્ય કાર્યવાહીનો બચાવ કર્યો છે, જેના કારણે બંને નેતાઓના વલણમાં સ્પષ્ટ તફાવત જોવા મળ્યો છે.
ટ્રમ્પે વેન્સના નિવેદનને ગણાવ્યું સારું
જેડી વેન્સના આ નિવેદન બાદ પ્રમુખ ટ્રમ્પે જણાવ્યું કે તેમણે વેન્સ સાથે વાતચીત કરી છે. ટ્રમ્પે વેન્સની પોસ્ટને સારી ગણાવતા કહ્યું કે, 'હું તેમની ભાવનાઓ સમજુ છું.' જોકે, ટ્રમ્પે એ વાત સ્વીકારી કે તેમને અગાઉથી જ ખ્યાલ હતો કે ઈરાન યુદ્ધની અસર ચૂંટણી પર પડશે, છતાં તેમણે સૈન્ય કાર્યવાહીને યોગ્ય ઠેરવી હતી. ભલે ટ્રમ્પે આને ખુલ્લો વિવાદ ગણવાનું ટાળ્યું હોય, પરંતુ બંને ટોચના નેતાઓ વચ્ચેની રણનીતિક અસહમતિ હવે જગજાહેર થઈ ગઈ છે.
ગવર્નરની ચૂંટણીમાં પણ ડેમોક્રેટ્સ આગળ
દેશના 36 રાજ્યોમાં યોજાયેલી ગવર્નરની ચૂંટણીમાંથી 34ના પરિણામો આવી ગયા છે, જેમાં 22 બેઠકો પર ડેમોક્રેટિક ઉમેદવારો અને 12 બેઠકો પર રિપબ્લિકન ઉમેદવારોએ વિજય મેળવ્યો છે. આ તમામ પરિણામોએ ટ્રમ્પની મુશ્કેલીઓમાં વધારો કર્યો છે અને હવે જોવાનું એ રહેશે કે રિપબ્લિકન પાર્ટી આ હારમાંથી શું બોધપાઠ લે છે.








