અમેરિકામાં પ્રમુખની ચૂંટણી પહેલા ટ્રમ્પ અને બાયડન વચ્ચે ડિબેટ, બંને નેતાઓએ હાથ પણ ના મિલાવ્યા
અમેરિકામાં નવેમ્બરમાં રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાવા જઈ રહી છે. ચૂંટણી પહેલા શુક્રવારે (28

અમેરિકામાં નવેમ્બરમાં રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાવા જઈ રહી છે. ચૂંટણી પહેલા શુક્રવારે (28 જૂન) અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાયડન અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે ડિબેટ શરૂ થઈ હતી. બંને નેતાઓ એકબીજા પર હાવી થતા જોવા મળ્યા હતા. એટલાન્ટામાં સીએનએન હેડક્વાર્ટરમાં ચર્ચા પહેલા બંને નેતાઓએ હાથ પણ મિલાવ્યા ન હતા. થોડા અંતરે ઉભા રહીને તેઓ અંદરોઅંદર દલીલ કરવા લાગ્યા. ટ્રમ્પ ઇઝરાયલ-હમાસ યુદ્ધને લઈને રાષ્ટ્રપતિ બાયડનને ઘેરી રહ્યા છે. ટ્રમ્પે ચર્ચા દરમિયાન નાટો અંગે પણ શંકા વ્યક્ત કરી હતી.
પ્રમુખપદની ચૂંટણી પહેલા આ ડિબેટનું આયોજન કરવામાં આવે છે. પરંતુ આ વખતે તે નિર્ધારિત સમય કરતા ઘણા મહિનાઓ પહેલા થઈ રહી છે. આ ચર્ચામાં ઈઝરાયેલ-હમાસ યુદ્ધ, રશિયા-યુક્રેન યુદ્ધ, ગર્ભપાત, બંદૂકની હિંસા, ટેક્સ, મોંઘવારી, બેરોજગારી, ક્લાઈમેટ ચેન્જ અને સ્થળાંતર જેવા મુદ્દા મહત્ત્વના છે.
બાયડન અને ટ્રમ્પે હાથ મિલાવ્યા ન હતા
આ પ્રેસિડેન્શીઅલ ડિબેટની શરૂઆતમાં જ બંને નેતાઓ સ્ટેજ પર પહોંચ્યા હતા. તેઓએ એકબીજા સાથે હાથ મિલાવ્યા ન હતા. બાયડને ટ્રમ્પને હેલો કહ્યું પરંતુ ટ્રમ્પે તેના પર કોઈ પ્રતિક્રિયા આપી ન હતી.
આ ચર્ચા અમેરિકામાં વધતી મોંઘવારીના મુદ્દાથી શરૂ થઈ હતી. બાયડને ટ્રમ્પ પર આરોપ લગાવ્યો હતો કે ટ્રમ્પે રાષ્ટ્રપતિ પદ છોડ્યા પછી તેમને વારસામાં એવી અર્થવ્યવસ્થા મળી હતી જે ખરાબ સ્થિતિમાં હતી. બાયડને કહ્યું કે તેણે મોટા પાયે નોકરીઓ ઊભી કરી અને દવાઓની વધતી કિંમતોને કાબૂમાં લીધી. તેના જવાબમાં ટ્રમ્પે કહ્યું કે બાયડન સરકારના શાસનમાં મોટી સંખ્યામાં ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ અમેરિકા આવ્યા છે.
ટ્રમ્પે પ્રથમ વર્ષમાં જ અફઘાનિસ્તાનમાંથી અમેરિકન સૈનિકોની વિદાયને લઈને બાયડન સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. ટ્રમ્પે કહ્યું કે બાયડનના કાર્યકાળ દરમિયાન અફઘાનિસ્તાનમાંથી અમેરિકી દળોની હકાલપટ્ટી શરમજનક હતી.
મારો પુત્ર લૂઝર નથી, તમે લૂઝર છો...
ટ્રમ્પ અને બાયડન વચ્ચેની આ ચર્ચા વધુને વધુ ઉગ્ર બની હતી. ટ્રમ્પે જો બાયડનના પુત્ર હન્ટર બાયડનને ફોજદારી કેસમાં દોષિત જાહેર કર્યા બાદ તેને નિશાન બનાવ્યો હતો. પરંતુ આના પર ગુસ્સે થઈને રાષ્ટ્રપતિ બાયડને કહ્યું કે મારો પુત્ર હારનાર કે લૂઝર નથી પરંતુ તમે હારેલા છો.
પોર્ન સ્ટાર મુદ્દે ઘેરાયા ટ્રમ્પ
જો બાયડને ટ્રમ્પની ગુનાહિત સજાનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. બાયડને ટ્રમ્પના ચારિત્ર્ય પર પણ સવાલ ઉઠાવ્યા હતા. તેમણે એડલ્ટ ફિલ્મ સ્ટાર સ્ટોર્મી ડેનિયલ્સનો પણ ઉલ્લેખ કર્યો હતો. જેના પર ટ્રમ્પ મંડરાતા જોવા મળ્યા હતા.
ચર્ચામાં બાયડનની જીભ લથડી
બાયડનના સ્વાસ્થ્યને લઈને હંમેશા પ્રશ્નો ઉભા થાય છે, જેનો મુદ્દો ટ્રમ્પ પણ ઉઠાવતા રહે છે. આજે ડિબેટમાં પણ તેમનો અવાજ ડચકા ખાતો જોવા મળ્યો હતો.
એકબીજાની યોગ્યતા પર પણ સવાલો ઉઠાવવામાં આવ્યા હતા
જ્યારે બાયડનને પૂછવામાં આવ્યું કે તેઓ બીજા કાર્યકાળમાં 86 વર્ષના થશે તો બાયડને કહ્યું કે ટ્રમ્પ મારાથી માત્ર 3 વર્ષ નાના છે અને મારા કરતા ઓછી લાયકાત ધરાવે છે. તેમણે મારા માટે શું છોડ્યું હતું, અને મેં કેટલું પરિવર્તન કર્યું તેનો રેકોર્ડ તમે જુઓ. જ્યારે ટ્રમ્પને તેમની ઉંમર વિશે પૂછવામાં આવ્યું તો 78 વર્ષીય પૂર્વ રાષ્ટ્રપતિએ કહ્યું કે તેમની તબિયત ઘણી સારી છે. હું ગોલ્ફ રમું છું, પણ બાયડન ગોલ્ફ રમી શકતા નથી. તેઓ બોલને 50 યાર્ડ પણ મોકલી શકતા નથી. ટ્રમ્પે દાવો કર્યો હતો કે તે 25 થી 30 વર્ષ પહેલા જેટલુ જ આજે પોતાને ફિટ અનુભવે છે.








