મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

ચીનની ઈ કોમર્સ કંપનીએ ભગવાન જગન્નાથનું કર્યું અપમાન, ફોટોવાળા ડોરમેટ વેચવા મુકતા લોકો લાલઘૂમ

ચીનની ઈ-કોમર્સ કંપની AliExpress એ બેશરમીની તમામ હદો વટાવતા હિન્દુ ધર્મ અને કરોડો ભક્તો

ચીનની ઈ કોમર્સ કંપનીએ ભગવાન જગન્નાથનું કર્યું અપમાન, ફોટોવાળા ડોરમેટ વેચવા મુકતા લોકો લાલઘૂમ

ચીનની ઈ-કોમર્સ કંપની AliExpress એ બેશરમીની તમામ હદો વટાવતા હિન્દુ ધર્મ અને કરોડો ભક્તોની શ્રદ્ધાને ઠેસ પહોંચાડી છે. ચીની કંપની તેના ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર ભગવાન જગન્નાથના ફોટાવાળા પગલુછણિયા વેચતા સમગ્ર ભારતમાં અને ખાસ કરીને ઓડિશાના લોકો ગુસ્સે ભરાયા છે. લોકો સોશિયલ મીડિયા પર પણ ઈ-કોમર્સ કંપની AliExpress નો ઉગ્ર વિરોધ કરી રહ્યા છે.

હિન્દુઓની ભાવનાને ઠેસ પહોંચાડી

જણાવી દઈએ કે આ ચોંકાવનારી ઘટના ત્યારે સામે આવી જ્યારે ચીનની ઈ-કોમર્સ કંપનીની વેબસાઇટ પર પગલુછણિયા(ડોરમેટ) પર ભગવાન જગન્નાથનો ચહેરો છપાયેલો જોવા મળ્યો. આ પ્રોડક્ટની જાહેરાતમાં એક વ્યક્તિને  પગ લૂછતી પણ બતાવી છે. આ ઉપરાંત, ડોરમેટની ખાસિયતમાં "ભેજ શોષક" અને " લપસતા અટકાવનાર" તરીકે દર્શાવેલ છે. જેનાથી ભક્તોના ગુસ્સામાં વધારો થયો છે. હિન્દુ ધર્મના લોકો કહે છે કે, આ ભાવનાઓને ઠેસ પહોંચાડવા માટે ઇરાદાપૂર્વકનું કૃત્ય છે.

શ્રદ્ધા પર સીધો હુમલો

શ્રીજગન્નાથ મંદિર વ્યવસ્થાપન સમિતિના ભૂતપૂર્વ સભ્ય માધવ પૂજાપાંડાએ આ કૃત્યની સખત નિંદા કરતા કહ્યું કે, આ આપણી શ્રદ્ધા પર સીધો હુમલો છે. મંદિર વહીવટીતંત્ર તેમજ રાજ્ય અને કેન્દ્ર સરકાર આ બાબતે તાત્કાલિક કડક પગલાં લે તેવી તેમણે માંગ કરી છે. તેમણે કહ્યું, "આ ફક્ત એક પ્રોડક્ટ વિશે નથી. મહાપ્રસાદ અને પતિતપાવન બાણા જેવા પવિત્ર શબ્દોનો પણ ઘણી વખત દુરુપયોગ થયો છે. મંદિરની પવિત્ર ઓળખને સુરક્ષિત રાખવા માટે કોપીરાઇટ કાયદાઓનો કડક અમલ કરવો જરૂરી છે."

#BoycottAliExpress ની માગ ઉઠી

સોશિયલ મીડિયા ઉપર લોકોનો આ કંપની ઉપર ગુસ્સો ફાટી નીકળ્યો છે. #RespectJagannath અને #BoycottAliExpress સાથે આ ઈ-કોમર્સ કંપની AliExpress પાસેથી માફી માંગવા અને ઉત્પાદનને તાત્કાલિક દૂર કરવાની માંગ કરી રહ્યા છે. લોકો કહે છે કે ભગવાન જગન્નાથ માત્ર એક દેવતા નથી પરંતુ ઓડિયા સંસ્કૃતિ અને ઓળખનું પ્રતીક છે, જેમનું આ રીતે અપમાન સહન કરવામાં આવશે નહીં.

આ સમાચાર શેર કરો