મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

ચીને NASA સહિત ખાનગી સેટેલાઇટ ઓપરેટર્સને આપી ચેતવણી, પહેલી વખત આવું બન્યું

ચાઇના નેશનલ સ્પેસ એડમિનિસ્ટ્રેશન (CNSA)એ એક અભૂતપૂર્વ પગલાં

ચીને NASA સહિત ખાનગી સેટેલાઇટ ઓપરેટર્સને આપી ચેતવણી, પહેલી વખત આવું બન્યું

ચાઇના નેશનલ સ્પેસ એડમિનિસ્ટ્રેશન (CNSA)એ એક અભૂતપૂર્વ પગલાંમાં ઉપગ્રહો વચ્ચેની સંભવિત ટક્કરને ટાળવા માટે અમેરિકન અંતરિક્ષ સંસ્થા NASAનો સંપર્ક કરવામાં આવ્યો હતો. CNSA દ્વારા એક સાદા ઇમેઇલ મેસેજ દ્વારા નાસાને જણાવવામાં આવ્યું હતું કે, "અમે તમને સલાહ આપીએ છીએ કે તમે સ્થિર રહેજો અમે જરૂરી પગલાં લઇશું." ચીને નાસાને સંદેશો પાઠવી પરોક્ષ રીતે સ્વીકાર્યું છે કે, પૃથ્વીના પ્રદક્ષિણા પથની સુરક્ષા મામલે તે ગંભીર છે. 

ચીને અમેરિકાની અવકાશ સંસ્થા NASAને સંદેશો મોકલીને અંતરિક્ષમાં પરસ્પર સહકાર સાધવાની જરૂરિયાત પર ચીન દ્વારા પરોક્ષ રીતે ભાર મુકવામાં આવ્યો છે. આ સંદેશ દર્શાવે છે કે, ચીનનો અભિગમ અંતરિક્ષ મુત્સદ્દીગીરીમા બદલાઇ રહ્યો છે. આ પ્રદક્ષિણા પથ પર કલાકે 18,000 માઇલની ઝડપે ઉપગ્રહો ફરતાં હોય ત્યારે સાવ નાની વસ્તુ પણ આ ઝડપે અન્ય કોઇ ચીજને અથડાઇ તો ભારે વિનાશ વેરી શકે છે. આવી અથડામણને પગલે અંતરિક્ષમાં ભંગાર સર્જાય તો તેને કારણે અંતરિક્ષમાં હાથ ધરાતી કામગીરી વધારે સંકુલ બની રહે. આવી અથડામણ ટાળવાની દિશામાં ચીનની આ પહેલ મહત્વપૂર્ણ છે.

NASA સહિત ખાનગી સેટેલાઈટ ઓપરેટર્સને પણ સંદેશો

રસપ્રદ બાબત એ છે કે, ચીને NASAના વિજ્ઞાાનીઓને જ નહીં પણ પશ્ચિમના દેશોના ખાનગી સેટેલાઇટ ઓપરેટર્સને પણ આવા સંજોગોમાં સંપર્ક સાધવાની શરૂઆત કરી છે. વન વેબ અને સ્પેસએક્સ જેવી કંપનીઓને પણ ચીની કંપનીઓ તરફથી તેમના ફલાઇટ પથની ચર્ચા કરવા માટે સંદેશા વ્યવહાર કરવામાં આવે છે. આ પરસ્પર સંદેશા વ્યવહાર દર્શાવે છે કે,

અંતરિક્ષ સુરક્ષા અને સહકારના ક્ષેત્રમાં ભવિષ્યમાં ખાનગી કંપનીઓ મહત્વની ભૂમિકાઓ ભજવશે. 

ખાનગી કંપનીઓ અબજો ડોલર્સ અંતરિક્ષ ટેકનોલોજી વિકસાવવા માટે ખર્ચી તેમના સેટેલાઇટને અંતરિક્ષમાં મોકલતી હોય ત્યારે તેમને પણ આવી અથડામણોમાં થનારાં સંભવિત નુકશાનને ટાળવામાં રસ હોય તે સ્વાભાવિક છે. સ્પેસ એક્સના સ્ટારલિન્ક અને એમેઝોનના કુઇપેર પ્રોજેક્ટસમાં મોટાં સેટેલાઇટ નેટવર્ક્સ છે જે દર્શાવે છે કે અંતરિક્ષમાં સુરક્ષા જાળવવાની રીતરસમો નક્કી કરવામાં તેમની ભૂમિકા મહત્વની બની રહેશે. વધુને વધુ કંપનીઓ આ ક્ષેત્રમાં પ્રવેશી રહી હોવાથી આ મુદ્દે નક્કર માપદંડો નિશ્ચિત કરવાનું કામ વધારે મહત્વપૂર્ણ બની રહેશે.

પહેલી વખત આમ બન્યું

આ સંજોગોમાં ચીને સેટેલાઇટ્સની સંભવિત ટક્કરને ટાળવા નાસાને ઇમેઇલ મોકલી તેનું મહત્વ ખૂબ છે. અત્યાર સુધી ચીનનો આવી બાબતે સંપર્ક કરવામાં આવતો તો તેઓ કશો પ્રતિભાવ આપતાં જ નહોતાં. જેના કારણે બંને પક્ષો તેમની રીતે અંતરિક્ષમાં પગલાં ભરે તો મોટું જોખમ રહેતું હતું. ચીને આ મામલે ખુલ્લો અભિગમ અપનાવી અંતરિક્ષમાં સુરક્ષાના મહત્વને સ્વીકાર્યું છે. ચીનના ઇમેઇલ મોકલવાના વ્યૂહાત્મક પગલાંનું મહત્વ ઘણું છે. ચીને પણ અંતરિક્ષમાં નોંધપાત્ર મૂડીરોકાણ કર્યું હોઇ તેના રક્ષણ માટે પણ આવું પગલું જરૂરી બની ગયું છે. ચીન હજી બીજા હજારો ઉપગ્રહો અંતરિક્ષમાં મુકવાની તૈયારીઓ કરી રહ્યું હોઇ તેમની સલામતિ માટે સુરક્ષિત પ્રદક્ષિણા પથ પૂર્વશરત બની રહે તેમ છે. ચીને આ રીતે સંવાદ શરૂ કરી પોતાના હિતોની સુરક્ષા સાધવા સાથે અંતરિક્ષ સુરક્ષાના મામલે પોતાનો અભિગમ પણ સ્પષ્ટ કરી દીધો છે. સવાલ એ છે કે ચીનના આ પગલાંને નક્કર સ્વરૂપ આપી આ મામલે આંતરરાષ્ટ્રીય સહકાર સાધવાની દિશામાં વિવિધ દેશો કેવી ભૂમિકા લેશે. અંતરિક્ષમાં ભાવિ પેઢીઓ માટે સુરક્ષિત પ્રદક્ષિણા પથ સ્થાપવો હોય તો આ મામલે  સહકાર સાધવાની તાતી જરૂરિયાત છે.

આ સમાચાર શેર કરો