NASA એ એકસાથે 3 વેધર મિશન્સ કર્યા લોન્ચ: સૂર્યના ફેરફારથી પૃથ્વી પર થતી અસરનો કરશે અભ્યાસ!

અમેરિકાની અંતરિક્ષ સંશોધન સંસ્થા નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશને (NASA) સૂર્યમાં થતા અકળ ફેરફારની અસરથી પૃથ્વીના વાતાવરણમાં કેવા કેવા ફેરફેર થાય છે તેના અભ્યાસ માટે 3 વેધર મિશન્સ (હવામાનની આગાહી માટેનાં અવકાશયાન) તરતાં મૂક્યાં છે.
આ ત્રણેય વેધર મિશન્સ સ્પેસ એક્સના ફાલ્કન 9 રોકેટ દ્વારા નાસાના કેનેડી સ્પેસ સેન્ટર(ફ્લોરિડા) પરથી બુધવારે સવારે 7 : 30 વાગે લોન્ચ કરાયા છે. નાસાનાં સૂત્રોએ એવી માહિતી આપી છે કે, આ ત્રણેય અવકાશયાન સંપૂર્ણ સલામતી સાથે સન-અર્થ લેગ્રેન્જ પોઇન્ટ તરફ ગતિ કરી રહ્યાં છે. સન-અર્થ લેગ્રેન્જ પોઇન્ટ પૃથ્વીથી 16 લાખ કિલોમીટર દૂરના અંતરે છે. ત્રણેય અવકાશયાન આ જ સન-અર્થ લેગ્રેન્જ પોઇન્ટ પર રહીને તેની સંશોધન કામગીરી કરશે.
શું છે આ મિશન્સના નામ?
આ ત્રણેય વેધર મિશન્સનાં નામ છે, નાસા ઇન્ટરસ્ટેલર મેપિંગ એન્ડ એક્સલેરેશન પ્રોબ, નાસા કેરુથર્સ જીઓકોરોના ઓબ્ઝર્વેટરી, સ્પેસ વેધર ફોલો ઓન લેગ્રેન્જ.
નાસાનાં સૂત્રોએ એવી માહિતી પણ આપી છે કે, દરેક અવકાશયાન સૂર્યમાંથી ફેંકાતા પવનો, સૌર જ્વાળા સહિત અન્ય ગતિવિધિ વિશે સંશોધન કરશે. આ ત્રણેય અવકાશયન દ્વારા જે સંશોધનાત્મક માહિતી મળશે તેના આધારે સૂર્યમાં થતા અકળ ફેરફારની અસર પૃથ્વી પરના વાતાવરણ અને જીવ સૃષ્ટિ પર કેવી અને કેટલી થશે તેની ઉપયોગી વિગતો જાણી શકાશે.
ઉપરાંત, સૌર જ્વાળાઓ અને સૌર પવનોની અસર સામે આકાશમાં તરતા સેટેલાઇટ્સ, સમાનવ અવકાશયાનમાંના અવકાશયાત્રીઓ, વિમાનમાંના પાયલોટ્સની સલામતી કઇ રીતે કરવી તેની વ્યવસ્થા થઇ શકશે.
સેટેલાઈટમાં દેખાયો એક નવો ટાપુ
થોડા દિવસ પહેલાં નાસાના એક સેટેલાઇટ દ્વારા મળેલી ઇમેજીસના અભ્યાસ દ્વારા જાણવા મળ્યું છે કે, હિમશીલા ઓગળવાથી અમેરિકાના અલાસ્કાના સમુદ્ર કિનારાથી દૂર એક નવો ટાપુ ઉપસી આવ્યો છે.

