Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : NASA's Parker Probe sets record for fastest space travel, approaches the Sun

કશ્મીરથી કન્યાકુમારી ફક્ત 19 સેકન્ડમાં... NASAના પાર્કર પ્રોબે અંતરિક્ષ પ્રવાસની અતિ તીવ્ર ગતિનો રેકોર્ડ બનાવ્યો, સૂર્યની નજીક પહોંચ્યું

Timeછેલ્લું અપડેટ : 24 Sept 2025
લાઇવ ટીવીGoogle News
કશ્મીરથી કન્યાકુમારી ફક્ત 19 સેકન્ડમાં... NASAના પાર્કર પ્રોબે અંતરિક્ષ પ્રવાસની અતિ તીવ્ર ગતિનો રેકોર્ડ બનાવ્યો, સૂર્યની નજીક પહોંચ્યું
સોર્સ : gstv

વોશિંગ્ટન/મુંબઇ : અમેરિકાની અંતરિક્ષ સંશોધન સંસ્થા નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન(નાસા)ના પાર્કર  સોલાર પ્રોબ(પીએસપી) અવકાશયાને તેની  અતિ પ્રચંડ  ગતિ (6,87,000 કિલોમીટર : પ્રતિ કલાક)  નો  અત્યારસુધીનો  વિશિષ્ટ રેકોર્ડ કર્યો છે.  પાર્કર  સોલા પ્રોબે 2025 ની 15 સપ્ટેમ્બરે સૂર્યની કલ્પનાતીત કહી શકાય તેવી ઉકળતી સપાટીથી સૌથી નજીક જવાનો ૨૫મો પ્રયાસ પૂરો કર્યો છે. 

App Store

હાલ પાર્કર સોલાર પ્રોબ અવકાશયાન સૂર્યની સપાટીથી ફક્ત 62  લાખ કિલોમીટરના  અંતરે પહોંચી ગયું છે. આટલું અંતર અત્યારસુધીનું સૌથી નજીકનું અંતર છે.  

પાર્કર સોલાર પ્રોબ અવકાશયાને તેનીસૂર્યની સપાટી નજીક જવાની યાત્રા દરમિયાન 2025 ની 18 ,મી સપ્ટેમ્બરે 6,87,000  કિલોમીટર(પ્રતિ કલાક)ની અતિ અતિ તીવ્ર ગતિનો રેકોર્ડ કર્યો છે.વિશ્વના કોઇ દેશના અવકાશયાને આટલી તીવ્ર ગતિએ પ્રવાસ નથી કર્યો. ખુદ પાર્કર સોલર પ્રોબની પણ અત્યારસુધીની આ સૌથી તીવ્ર ગતિ છે. 

આટલી અતિ અતિ તીવ્ર  ઝડપે તો પાર્કર સોલાર પ્રોબ ભારતના કશ્મીરથી કન્યાકુમારી ફક્ત 19  સેકન્ડ્ઝમાં જ પહોંચી જાય. કશ્મીરથી કન્યાકુમારીનું રસ્તા દ્વારા અંતર 3676 કિલોમીટર છે, જે લગભગ 61 કલાકમાં પૂરું થાય છે. આ ગણતરીએ પાર્કર સોલાર પ્રોબ અવકાશયાન અફાટ,અનંત બ્રહ્માંડમાં  કેટલી પ્રચંડ ગતિએ પ્રવાસ કરે છે  ખ્યાલ આવે છે.  

નાસાનું  પાર્કર  સોલાર પ્રોબ 2018 ની 12 ઓગસ્ટે સૂર્યના કોરોના (સૂર્યની બાહ્ય કિનારીને કોરોના કહેવાય છે) ના સંશોધનાત્મક અભ્યાસ માટે રવાના થયું છે. સૂર્યની સપાટીનું તાપમાન 6000  કેલ્વિન છે, જ્યારે તેની બાહ્ય કિનારી(કોરોના) નું તાપમાન  10 થી 20 લાખ  કેલ્વીન જેટલું અતિ અતિ ઉકળતું હોય છે. 

વિશ્વભરના ખગોળશાસ્ત્રીઓ આ  રહસ્ય શોધવા સતત પ્રયાસ કરી રહ્યા છે. નાસાએ આ જ રહસ્યનો તાગ મેળવવા પાર્કર સોલાર અવકાશયાન સૂર્ય ભણી રવાના કર્યું છે 

હજી 2025 ની 16  જૂને આ જ પાર્કર સોલાર પ્રોબ સૂર્યની સપાટીથી સૌથી નજીકના એટલે કે ફક્ત 61 લાખ કિલોમીટરના અંતરે પહોંચી ગયું છે. 

નાસાની જોહ્નસ હોપકિન્સ એપ્લાઇડ લેબોરેટરી(એપીએલ : મેરીલેન્ડ) )નાં સૂત્રોએ એવી માહિતી આપી છે કે અમને 2025 ની 18 મી સપ્ટેમ્બરે પાર્કર સોલાર પ્રોબ દ્વારા એવો બેકન ટોન(અવકાશયાન દ્વારામળતો રેડિયો ફ્રિક્વન્સી સંદેશો) મળ્યો છે કે તેની તમામ સિસ્ટમ્સ સાચી અને સારી રીતે કાર્ય કરે છે.થોડા દિવસ પહેલાં અવકાશયાનનો પૃથ્વી સાથેનો સંપર્ક તૂટી ગયો હતો. 

સૂર્યની સપાટીથી  હજી પણ વધુ નજીક જવા પ્રયાસ 

આ જ સંદેશા સાથે એવી સચોટ માહિતી પણ મળી છે કે અમારા  પાર્કર સોલાર પ્રોબ અવકાશયાને 10  થી 18 , સપ્ટેમ્બર દરમિયાન 678000 કિલોમીટર(પ્રતિ કલાક)ની અતિ પ્રચંડ ગતિએ પ્રવાસ કર્યો છે. અમારું પાર્કર સોલાર પ્રોબ સૂર્યની સપાટીથી  હજી પણ વધુ નજીક જવા પ્રયાસ કરશે. એટલે કે અવકાશયાન 2026 અને શક્ય હશે તો ભવિષ્યમાં પણ વધુ સમય સુધી કાર્યરત રહીને સૂર્યની કોરોનાનાં રહસ્ય સહિત તેનાં અકળ રહસ્યોનો તાગ મેળવવા પ્રયાસ કરશે. 

હજી  થોડા સમય પહેલાં જ    પાર્કર સોલર પ્રોબ (પી.એસ.બી.) અવકાશયાનને સૂર્યની અત્યારસુધીની સૌથી નજીકના અંતરની ઇમેજીસ (છબી) મેળવવામાં ઉજળી સફળતા  મળી  છે. પાર્કર સોલાર પ્રોબે સૂર્યની આ ઇમેજીસ  ફક્ત 38  લાખ માઇલ(6115507.2  કિલોમીટર)ના અંતરેથી લીધી છે. 

સૂર્યની સૌથી નજીકના અંતરની આ ઇમેજીસ પાર્કર સોલાર પ્રોબના વાઇડ-- ફિલ્ડ ઇમજેર ફોર સોલાર પ્રોબ(ડબલ્યુ.આઇ.એસ.પી.આર.) નામના વૈજ્ઞાનિક ઉપકરણે લીધી છે. 

વિશ્વના કોઇ દેશના સૂર્યના સંશોધનાત્મક અભ્યાસ માટેનાં અવકાશયાને  હજી સુધી  સૂર્યની આટલા નજીકના અંતરેથી ઇમેજીસ નથી લીધી.

નાસાના  વિજ્ઞાનીઓએ ખુશી વ્યક્ત કરતાં કહ્યું  છે કે  સૂર્યની આ ઇમેજીસમાં સૌર પવનો, સૂર્યની વિરાટ થાળી   પરથી    ફેંકાતાં   વિદ્યુતભારવાહી પદાર્થકણોનો વિશાળ પ્રવાહ, સૂર્યની બહારની કિનારી(જેને ખગોળશાસ્ત્રની ભાષામાં કોરોના કહેવાય છે) , સૂર્યમાંથી બહાર ફેંકાતો  વિદ્યુતચુંબકીય પ્રવાહ , કોરોનલ માસ ઇજેક્શન(સીએમઇએસ)  વગેરે હિસ્સા અને પ્રક્રિયા  બહુ જ સ્પષ્ટતાથી જોઇ શકાય છે.  પૃથ્વીને પ્રચંડ થપાટ મારતાં  સૂર્યમાંથી  ફેંકાતા સૌર પવનો અને   સૌર જ્વાળાઓને અમે પહેલી જ વખત નજરોનજર જોઇ --અનુભવી શકીએ છીએ.