VIDEO: 1987 પછીનું સૌથી મોટું વાવાઝોડું: 'ટાયફૂન બાવી'ને પગલે ત્રણ દેશો હાઈ એલર્ટ પર
Typhoon Bavi Pacific Ocean 2026 : પ્રશાંત મહાસાગરમાંથી ઉદ્ભવેલું ફ્રાન્સ દેશના કદ જેટલું મહાવિનાશકારી વાવાઝોડું 'ટાયફૂન બાવી' તાઇવાન, ચીન અને જાપાન તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે. 200 કિલોમીટર પ્રતિ કલાકની પ્રચંડ ઝડપ ધરાવતા આ તોફાનને પગલે ત્રણેય દેશોમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તંત્ર દ્વારા આ વાવાઝોડાને છેલ્લા ઘણા વર્ષોનું સૌથી શક્તિશાળી તોફાન ગણાવીને સ્થાનિક નાગરિકોને જરૂરી ચીજવસ્તુઓનો સ્ટોક કરી લેવા અને કટોકટીની સ્થિતિ માટે તૈયાર રહેવા અપીલ કરવામાં આવી છે.
વર્ષ 1987 પછીનું સૌથી મોટું વાવાઝોડું: ચીન-જાપાનમાં કટોકટી જેવી સ્થિતિ
હાલમાં આ ટાયફૂન તેના સૌથી પહોળા બિંદુએ આશરે 1000 કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલું છે, જે ફ્રાન્સ દેશની કુલ પહોળાઈ બરાબર છે. તાઇવાનના હવામાન વિભાગના અધિકારી જેસન ચાંગના જણાવ્યા અનુસાર, કદની દ્રષ્ટિએ આ વર્ષ 1987 પછી તાઇવાન સાથે ટકરાનારું સૌથી મોટું વાવાઝોડું છે. હવામાન કેન્દ્રના પૂર્વાનુમાન મુજબ, આ તોફાન શનિવાર સાંજ સુધીમાં ચીનના પૂર્વી ફુજિયાન પ્રાંતના દરિયાકાંઠે ત્રાટકશે. તાઇવાનના રાષ્ટ્રપ્રમુખ લાઈ ચિંગ-તે ફેસબુક પર વીડિયો શેર કરીને જનતાને 3 દિવસ ચાલે તેવી 'ઇમરજન્સી ગ્રેબ બેગ' તૈયાર રાખવા જણાવ્યું છે. બીજી તરફ, જાપાનની હવામાન એજન્સીએ પણ ઓકિનાવા પ્રાંતમાં પૂર અને ભૂસ્ખલનની ચેતવણી આપીને હાઈ એલર્ટ જાહેર કર્યું છે.
ક્લાઇમેટ ચેન્જ અને 'અલ નીનો' ની અસર
વૈજ્ઞાનિકોના મતે, આ વર્ષે 'અલ નીનો' ની અસરને કારણે સમુદ્રનું તાપમાન વધ્યું છે, જેથી આવા વિનાશકારી ટાયફૂન વધુ વારંવાર અને ઘાતક સ્વરૂપમાં આવી રહ્યા છે. એક્યુવેધરના અહેવાલ મુજબ, જો ટાયફૂન બાવી આ જ ગતિ જાળવી રાખશે તો તે એશિયા-પેસિફિક ક્ષેત્રમાં વર્ષ 2024માં આવેલા 'સુપર ટાયફૂન કોંગ-રે' પછીનું સૌથી શક્તિશાળી તોફાન બની જશે. ઇમ્પેરિયલ કોલેજ લંડનના વૈજ્ઞાનિક જિયાંગબો ફેંગે ચેતવણી આપી છે કે આ તોફાને પ્રશાંત મહાસાગરના ગરમ પાણીમાંથી અઢળક ઉર્જા અને ભેજ મેળવ્યો હોવાથી દરિયાકાંઠાના વિસ્તારોમાં તે ભારે તબાહી મચાવી શકે છે.
શું ભારત પર થશે આ વાવાઝોડાની અસર?
Projected ટ્રેક મુજબ, ટાયફૂન બાવીની ભારત પર કોઈ સીધી અસર થવાની આશંકા નથી. આ મહાતોફાન ઉત્તર-પશ્ચિમ દિશા તરફ આગળ વધી રહ્યું હોવાથી ભારતના કોઈ દરિયાકાંઠાના વિસ્તારને જોખમ નથી. જો કે, પરોક્ષ અસર રૂપે આ વાવાઝોડાના વિશાળ ઘેરાવાના કારણે ફિલિપિન્સ અને દક્ષિણ-ચીન સાગરમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસું (Habagat) અત્યંત તીવ્ર બન્યું છે અને ત્યાં ભારે પૂરનું એલર્ટ છે. આ સ્થિતિ ભારતીય સિસ્ટમમાંથી ભેજને દૂર ખેંચી શકે છે.

