US-ઈરાનના ભારે તણાવ વચ્ચે BIG NEWS: સોમવાર સુધીમાં પૂર્ણ થઈ શકે છે સમજૂતી, ટ્રમ્પે કર્યો દાવો
અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા ભારે તણાવ વચ્ચે પ્રમુખ ડોનાલ્ડ ટ

અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા ભારે તણાવ વચ્ચે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે રવિવારે એક અત્યંત મહત્ત્વનું નિવેદન આપ્યું છે. ટ્રમ્પે દાવો કર્યો છે કે ઈરાન સાથેની સમજૂતી સોમવાર સુધીમાં પૂર્ણ થવાની શક્યતા છે. રવિવારે ફોક્સ ન્યૂઝ સાથેની વાતચીતમાં ટ્રમ્પે જણાવ્યું હતું કે તેહરાન અત્યારે વાટાઘાટો કરી રહ્યું છે અને સોમવાર સુધીમાં પરિણામ આવી શકે છે.
ઈરાનના વાટાઘાટકારોને મર્યાદિત માફી આપવામાં આવી: ટ્રમ્પ
આ સંવેદનશીલ મંત્રણાઓ અંગે ટ્રમ્પે વધુમાં ખુલાસો કરતા કહ્યું હતું કે, 'ઈરાની પક્ષના વાટાઘાટકારોને મર્યાદિત માફી આપવામાં આવી છે. આવતીકાલ સુધીમાં ઈરાન સાથે સમજૂતી શક્ય છે અને તેહરાન (ઈરાન સરકાર) વાટાઘાટો કરી રહ્યું છે. જો તેહરાન કોઈ કરાર કરવા તૈયાર નહીં થાય તો હું આદર્શ રીતે ઈરાની ઓઇલ પર કબજો કરી લઈશ.'
અલ્ટીમેટમ અને યુદ્ધ જેવી સ્થિતિ
ટ્રમ્પે અગાઉ ચેતવણી આપી હતી કે જો મંગળવાર સુધીમાં 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ' ખોલવામાં નહીં આવે તો ઈરાનના પાવર પ્લાન્ટ્સ પર હુમલો કરવામાં આવશે. તેમણે 48 કલાકનું અલ્ટીમેટમ આપતા કહ્યું હતું કે, જો સમજૂતી નહીં થાય તો ઈરાન પર "નરક જેવો પ્રકોપ વરસશે."
બીજી તરફ, ઈરાને આ અલ્ટીમેટમને ફગાવી દીધું છે અને તેને ટ્રમ્પની "નિરાશા અને ગભરામણ" ગણાવી છે. ઈરાની સૈન્ય અધિકારીઓએ ચેતવણી આપી છે કે કોઈપણ કાર્યવાહી આ પ્રદેશને અમેરિકા અને ઈઝરાયલ માટે "નરક" બનાવી દેશે.








