બાંગ્લાદેશ સળગી રહ્યું છે, વડાપ્રધાન રહેમાને ભારત પર રોષ ઠાલવ્યો

બાંગ્લાદેશ સળગી રહ્યું છે, વડાપ્રધાન રહેમાને ભારત પર  રોષ ઠાલવ્યો
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

બાંગ્લાદેશમાં શાંતિ સ્થાપવામાં નિષ્ફળ રહેલા વડાપ્રધાન તારિક રહેમાને હવે પોતાની નિષ્ફળતાનું ઠીકરું ભારત પર ફોડવાનો પ્રયાસ કર્યો છે. પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાના નામે ભારતને બદનામ કરવાની કોશિશ કરતા રહેમાને આરોપ લગાવ્યો છે કે, સત્તા પરથી બેદખલ થયેલી અવામી લીગ પાર્ટી સમગ્ર દેશમાં અશાંતિ અને હત્યાઓ કરાવી રહી છે. ભારતનું સીધું નામ લીધા વિના રહેમાને વિવાદિત નિવેદન આપ્યું હતું કે, આ તત્વો સરહદ પાર બેઠેલા પોતાના આકાઓને ખુશ કરવા માટે આ બધું કરી રહ્યા છે.

લાલમોનિરહાટની સભામાં જનતાને ઉશ્કેરવાનો પ્રયાસ

જાહેરાત

ભારતની સરહદને અડીને આવેલા ઉત્તર-પશ્ચિમી જિલ્લા લાલમોનિરહાટમાં એક જનસભાને સંબોધતા વડાપ્રધાન તારિક રહેમાને કે, ઓગસ્ટ 2024ના વિદ્રોહ બાદ દેશ છોડીને ભાગી ગયેલા અવામી લીગના નેતાઓ બાંગ્લાદેશ વિરુદ્ધ ષડયંત્ર રચી રહ્યા છે. તેમણે જનતાને ઉશ્કેરતા કે, જે દેશમાં તેઓ ભાગીને ગયા છે, ત્યાં તેમના આકાઓ બેઠા છે અને તેમના ઈશારે વિદ્યાર્થી આંદોલનથી મળેલા અધિકારોને નબળો પાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે. રહેમાને આક્રમક અંદાજમાં પૂછ્યું કે, શું તમે તેમને આતંકવાદની રાજનીતિ ફરી શરૂ કરવા દેશો? હવે બહુ થયું, આ હત્યારાઓને જડબાતોડ જવાબ આપવો પડશે.

હસીનાની વાપસીના નિર્ણયથી ભડકી હિંસા, 3,000 જવાનો તૈનાત

ઉલ્લેખનીય છે કે, શેખ હસીના ઓગસ્ટ 2024થી ભારતમાં આશ્રય લઈ રહ્યા છે, પરંતુ તેમણે આગામી ડિસેમ્બર મહિનામાં કોઈપણ ભોગે બાંગ્લાદેશ પરત ફરવાનો નિર્ણય કર્યો છે. આ જાહેરાત બાદ બાંગ્લાદેશમાં હિંસા ફાટી નીકળી છે. અવામી લીગ દ્વારા બોલાવવામાં આવેલા એક દિવસીય દેશવ્યાપી લૉકડાઉન દરમિયાન ઠેર-ઠેર તોડફોડ, આગના બનાવો અને દેશી બોમ્બ ધમાકા થયા હતા. પરિસ્થિતિ વણસતા વહીવટીતંત્રે 7 જિલ્લાઓમાં લગભગ 3,000 અર્ધલશ્કરી દળોના જવાનોને તૈનાત કરવા પડ્યા છે.

વાપસીની તૈયારી: શેખ હસીનાએ નવા પાસપોર્ટની માગ કરી

બીજી તરફ, બાંગ્લાદેશ પરત ફરવાના સંકેત આપતા પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાએ બાંગ્લાદેશ સરકાર પાસે નવો પાસપોર્ટ અને નેશનલ આઈડી કાર્ડ મેળવવા માટે કાયદાકીય પ્રક્રિયા તેજ કરી છે. તેમના વકીલોએ નવી દિલ્હી સ્થિત બાંગ્લાદેશ હાઈકમિશનનો બીજી વખત સંપર્ક સાધ્યો છે. હસીનાએ લંડન સ્થિત 'મેટ્રિક્સ ચેમ્બર્સ'ના બેરિસ્ટર સ્ટીવન પાઉલ્સ કેસીને પોતાના અધિકૃત પ્રતિનિધિ તરીકે અરજી જમા કરાવવા માટે નિયુક્ત કર્યા છે અને આ મામલે તાત્કાલિક કાર્યવાહી કરવાની માગ કરી છે.

ગોપાલગંજ બન્યું હિંસાનું એપીસેન્ટર, પોલીસ સ્ટેશન ફૂંકી મરાયું

ગુરુવારે અવામી લીગના લૉકડાઉન દરમિયાન સમગ્ર બાંગ્લાદેશમાં ભારે હિંસા જોવા મળી હતી, જેમાં પોલીસ સ્ટેશનો, સાંસદોના ઘરો અને બેંકોને નિશાન બનાવવામાં આવ્યા હતા. ખાસ કરીને ગોપાલગંજ જિલ્લો આ હિંસાનું મુખ્ય કેન્દ્ર બન્યો હતો, જ્યાં અવામી લીગના સમર્થકોએ એક પોલીસ સ્ટેશનમાં આગ ચાંપી દીધી હતી. આ ઉપરાંત બીએનપી (BNP) સાંસદોના નિવાસસ્થાનો પર હુમલા કરવામાં આવ્યા હતા અને ગ્રામીણ બેંકની કચેરીઓમાં ભારે તોડફોડ કરવામાં આવી હતી.

હાઈવે પર આગના બનાવો અને રેલવે-બસ સેવાઓ ઠપ

હિંસક પ્રદર્શનોને કારણે ગોપાલગંજ અને પડોશી મદારીપુર જિલ્લામાં વાહનવ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો હતો. પ્રદર્શનકારીઓએ ઢાકા-ખુલના અને ઢાકા-બારિસલ રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર વૃક્ષો કાપીને તથા ટાયરો સળગાવીને રસ્તા બ્લોક કરી દીધા હતા. સુરક્ષાના કારણોસર લાંબા અંતરની બસ સેવાઓ રદ કરવામાં આવી છે. આ ઉપરાંત પશ્ચિમ રેલવેએ રાજશાહી-ગોબરા તુંગીપારા એક્સપ્રેસ રૂટના કાલુખાલી-ગોબરા ખંડ પર ટ્રેન સેવા અસ્થાયી રૂપે સ્થગિત કરી દીધી છે, જેના કારણે સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે.

દેશી બોમ્બના ધમાકાથી ઢાકા ધણધણ્યું, 177 ચેકપોસ્ટ ઉભી કરાઈ

એક અહેવાલ પ્રમાણે, રાજધાની ઢાકામાં થયેલા શ્રેણીબદ્ધ દેશી બોમ્બ વિસ્ફોટોથી ભયનો માહોલ ફેલાયો છે. ખિલગાંવ ફ્લાયઓવર પરથી ફેંકાયેલા બોમ્બ વિસ્ફોટમાં 40 વર્ષીય મહિલા દુકાનદાર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા, જ્યારે ધોલૈરપાર અને હોસ્પિટલ બહાર થયેલા અન્ય ધમાકામાં 3 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. પોલીસે 2.29 કિલોગ્રામ દારૂગોળા સાથે ત્રણ શંકાસ્પદોની ધરપકડ કરી છે અને સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે ઢાકામાં સામાન્ય 30ને બદલે 177 ચેકપોસ્ટ ઉભી કરીને સઘન ચેકિંગ હાથ ધર્યું છે.

કાસિમપુર જેલ પર હુમલાની આશંકા, સેનાની મદદ મગાઈ

રાજકીય અસ્થિરતા અને હિંસા વચ્ચે ગાઝીપુર સ્થિત કાસિમપુર સેન્ટ્રલ જેલની સુરક્ષાને લઈને વહીવટીતંત્ર ચિંતિત બન્યું છે. કાસિમપુર સેન્ટ્રલ જેલ-2ના સિનિયર સુપ્રિન્ટેન્ડેન્ટે જેલ પરિસરની સુરક્ષા મજબૂત કરવા અને પેટ્રોલિંગ વધારવા માટે સેના અને પોલીસની મદદ માગી છે. આ જેલ સંકુલની ચાર જેલોમાં અનેક હાઈ-પ્રોફાઈલ આરોપીઓ અને રાજકીય કેદીઓ સહિત અંદાજે 12,000 કેદીઓ બંધ હોવાથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે તંત્ર એલર્ટ બન્યું છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત