ઓસ્ટ્રેલિયા બાળકોને સોશિયલ મીડિયાથી દૂર રાખવા કાયદો લાવવાની તૈયારીમાં
ઓસ્ટ્રેલિયામાં હવે બાળકોના માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય પર વધતાં જોખમોને ધ

ઓસ્ટ્રેલિયામાં હવે બાળકોના માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય પર વધતાં જોખમોને ધ્યાનમાં લેતાં સોશિયલ મીડિયાનો વપરાશ ઘટાડવા મહત્ત્વનો નિર્ણય લીધો છે. જેના માટે ઓસ્ટ્રેલિયન સરકારે સોશિયલ મીડિયાના વપરાશ માટે બાળકોની લઘુતમ વયમર્યાદા નક્કી કરવાની યોજના બનાવી છે અને આ માટે તે કાયદો લાવવા પર ધ્યાન કેન્દ્રીત કરી રહી છે. હાલ, કોઈ ચોક્કસ વય જાહેર કરવામાં આવી નથી. પરંતુ 14થી 16 વર્ષની વયજૂથ ધરાવતા બાળકો પર આ પ્રતિબંધ લાદી શકે છે.
ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની અલબેનિસે જણાવ્યું હતું કે, ‘આ વર્ષે સોશિયલ મીડિયા પર લઘુતમ વયમર્યાદાનો કાયદો લાગુ કરતાં પહેલાં અમે ઉંમરનું વેરિફિકેશન કરતું ટ્રાયલ રજૂ કરીશું. હાલ, લઘુતમ વયમર્યાદા કરવામાં આવી નથી. પરંતુ તે 14થી 16 વર્ષ હોઈ શકે છે. હું બાળકોને તેમની ડિવાઈસ ઓફ કરીને મેદાનમાં રમતાં જોવા માગું છું. તેઓ સ્વિમિંગ પુલમાં તરે અને ટેનિસ કોર્ટમાં રમે તેવું ઈચ્છુ છું. તેઓ વાસ્તવમાં લોકો સાથે મળે, વાત કરે તે જરૂરી છે, આપણે સૌ જાણીએ છીએ કે, સોશિયલ મીડિયાથી સામાજિક નુકસાન થઈ રહ્યું છે.’
મોટાભાગના લોકો ઓસ્ટ્રેલિયાના પ્રયાસની તરફેણમાં
ઓસ્ટ્રેલિયાના આ પ્રયાસથી વિવિધ ટિપ્પણીઓ થઈ રહી છે. મોટાભાગના લોકો આ નિર્ણયની તરફેણમાં છે, પરંતુ અમુકે સંપૂર્ણપણે ઉપયોગ બંધ કરવાના બદલે વચ્ચેનો રસ્તો શોધવાનો સલાહ આપી રહી છે.
ઓસ્ટ્રેલિયામાં સોશિયલ મીડિયાનો ઉપયોગ કરનારામાં બાળકોની સંખ્યા
ઓસ્ટ્રેલિયામાં 26 મિલિયન લોકો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી રહી હોવાનું ટેક ઈન્ડસ્ટ્રીએ જણાવ્યું છે. જેમાં ત્રીજા ભાગના બાળકો યુટ્યુબ તથા ઈન્સ્ટાગ્રામનો ઉપયોગ કરે છે. સમાજ પર સોશિયલ મીડિયાની પડી રહેલી માઠી અસરોને ધ્યાનમાં લેતા ઓસ્ટ્રેલિયન સરકાર આ નિર્ણય લેવા જઈ રહી છે.
આ લોકોએ કર્યો વિરોધ
ઓસ્ટ્રેલિયાના ઈન્ટરનેટ રેગ્યુલેટરે ધ ઈસેફ્ટી કમિશનરે સરકારને ચેતવ્યા હતા કે, પ્રતિબંધ આધારિત વલણ યુવા લોકોની એક્સેસને મર્યાદિત કરી શકે છે. પ્રતિબંધોની પ્રતિકૂળ અસરો પણ ભોગવવી પડી શકે છે. ગેરકાયદે ચાલતી સર્વિસ વધી શકે છે. બીજી તરફ માનસિક આરોગ્યના નિષ્ણાતો, LGBTQIA+ અને અન્ય હાંસિયામાં ધકેલાઈ ગયેલા વર્ગે પણ આ પ્રતિબંધ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. જેના લીધે બાળકો પોતાને અસુરક્ષિત, અને વિશ્વથી અજાણ બની શકે છે.








