લંડનમાં ભારતીય યુવકને આજીવન કેદની સજા ફટકારી, પત્નીની ચાકુ મારીને કરી હતી હત્યા
લંડનમાં એક ભારતીય યુવકને તેની પત્નીની હત્યા કરવા બદલ આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. પોલીસના

લંડનમાં એક ભારતીય યુવકને તેની પત્નીની હત્યા કરવા બદલ આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. પોલીસના જણાવ્યા મુજબ સાહિલ શર્મા નામના વ્યક્તિએ પોલીસને ફોન કરીને કહ્યું હતું કે, તેણે તેની પત્ની મહેક શર્માની તેમના ઘરમાં હત્યા કરી છે. માહિતી મળતા જ પોલીસ અધિકારીઓની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. જ્યાં મહેક શર્માને લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. જ્યાં હાજર ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી.
પોલીસે જણાવ્યું હતું કે મહેકના ગળા પર ચાકુથી અનેક વખત ઘા મારવામાં આવ્યા હતા. તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો હતો. 31 ઓક્ટોબર, 2023 ના રોજ, પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં જાણવા મળ્યું કે મહેકનું મૃત્યુ તેના ગળા પર છરીના ઘાને કારણે થયું હતું. આ વર્ષે 8 ફેબ્રુઆરીએ સાહિલે કિંગસ્ટન ક્રાઉન કોર્ટમાં મહેકની હત્યા કર્યાની કબૂલાત કરી હતી. જો કે તેણે આ હત્યા શા માટે કરી તે જણાવ્યું નથી.
સાહિલ શર્માએ આખા પરિવારને તબાહ કરી દીધો
લંડનની કોર્ટે સજા સંભળાવતી વખતે કહ્યું હતું કે, પેરોલ માટે અરજી કરતા પહેલા તેણે ઓછામાં ઓછી 15 વર્ષની સજા ભોગવવી પડશે. મેટ્રોપોલિટન પોલીસના સ્પેશિયાલિસ્ટ ક્રાઈમ કમાન્ડના ડિટેક્ટીવ ઈન્સ્પેક્ટર લૌરા સેમ્પલે કહ્યું: “આ ખૂબ જ દુ:ખદ કેસ છે. આમાં એક આખો પરિવાર બરબાદ થઈ ગયો છે. તેણીએ કહ્યું કે હું જાણું છું કે કોઈ પણ વસ્તુ મહેક શર્માને પાછી લાવી શકશે નહીં. પરંતુ મને આશા છે કે આ સજા તેના પરિવારને થોડી સાંત્વના આપી શકે છે.
મહેકની માતાએ જણાવ્યું હતું કે તેની પુત્રીની ઘાતકી હત્યા બાદ તે ખૂબ જ દુઃખી છે. તેણીએ કહ્યું કે હું સાવ ભાંગી ગઈ છું. સાહિલે માત્ર મહેકની હત્યા જ નથી કરી, તેણે મને પણ જીવતેજીવ મારી નાંખી છે.






