મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

ત્રણ વર્ષના તાલિબાની શાસન બાદ અફઘાનિસ્તાનમાં મહિલાઓ-બાળકોની સ્થિતિમાં કેટલો બદલાવ આવ્યો?

ભારતના પાડોશી દેશ અફઘાનિસ્તાનમાં તાલિબાને ફરી

ત્રણ વર્ષના તાલિબાની શાસન બાદ અફઘાનિસ્તાનમાં મહિલાઓ-બાળકોની સ્થિતિમાં કેટલો બદલાવ આવ્યો?

ભારતના પાડોશી દેશ અફઘાનિસ્તાનમાં તાલિબાને ફરીથી સત્તા પ્રાપ્ત કર્યાને ત્રણ વર્ષ પૂરા થઈ રહ્યા છે. તાલિબાને સત્તામાં આવ્યા બાદ ઘણાં વચનો આપ્યા હતા અને દાવો કર્યો હતો કે આ વખતે તેમનું શાસન પહેલી વખત કરતા અલગ હશે. પરંતુ વાસ્તવિકતા શું છે? ચાલો જાણીએ...

હાલમાં અફઘાનિસ્તાનની અર્થવ્યવસ્થા સંઘર્ષમાંથી પસાર થઇ રહી છે, ઈન્ફ્રાસ્ટ્રક્ચર પડી ભાંગી રહ્યું છે અને ગરીબી લોકોના જીવ લઇ રહી છે. પરંતુ આનાથી તાલિબાનને કોઈ ફરક પડતો નથી. તેમના પહેલા નિયમની જેમ આ વખતે પણ તાલિબાન શાસનમાં લોકોને કોરડા મારવાની અને પથ્થરમારો કરીને મૃત્યુદંડ આપવાની સજા અપાઈ રહી છે, મહિલાઓને શાળા, કોલેજમાં અને કામ પર જવામાં રોકવામાં આવે છે. તાલિબાન સત્તામાં આવ્યા બાદ મહિલાઓ માટે એકલા મુસાફરી કરવી અને જાહેર સ્થળોએ અન્ય મહિલાઓ સાથે જવું મુશ્કેલ બની ગયું છે. તેમને માથાથી પગ સુધી બુરખો પહેરવો પડે છે. જો તેમની સાથે કોઈ પુરુષ હોય તો જ તે બહાર જઈ શકે છે. જોકે, આ બધા નિયમો વિદેશી મહિલા પ્રવાસીઓને લાગુ પડતા નથી. મહિલા પ્રવાસીઓ સશસ્ત્ર તાલિબાન લડવૈયાઓ સાથે ફોટો પણ ખેંચાવતા હોય છે.

નવી વ્યુહનીતિ અપનાવી રહ્યું છે તાલિબાન

આ બધાથી દુનિયાનું ધ્યાન હટાવવા માટે તાલિબાન નવી વ્યુહનીતિ અપનાવી રહ્યા છે. તે 90ના દાયકાના ક્રૂર અફઘાનિસ્તાનના બદલે હવે 'સુંદર' અફઘાનિસ્તાન બતાવી રહ્યા છે. હકીકતમાં તાલિબાન અફઘાનિસ્તાનમાં પ્રવાસીઓને આકર્ષવા અને તેમની સંખ્યામાં વધારો કરવા માટે યુટ્યુબર્સ અને ટ્રાવેલ ઇન્ફ્લુએન્ઝરને આકર્ષી રહ્યા છે. તાલિબાન ટ્રાવેલ ઇન્ફ્લુએન્ઝરને 12 દિવસ માટે 1.5 લાખથી 13 લાખ સુધીના ટૂર પેકેજ પર 50% ડિસ્કાઉન્ટ ઓફર કરી રહ્યા છે. આ બધાની સાથે ટૂર ગાઈડ ફરજિયાત હોય છે. જેઓ તેમને શું કરવું, ક્યાં જવું ક્યાં નહીં તે કહેતા રહે છે. કઈ જગ્યાએ વીડિયો ઉતારવો કઈ જગ્યાએ નહિ. જેથી પ્રભાવિત થઇ અનેક યુટ્યુબર્સ અને ઇન્ફ્લુએન્ઝર તાલિબાન શાસનની પ્રશંસા કરતા વીડિયો સોશિયલ મીડિયા પર મૂકી રહ્યા છે. અને મોટા ભાગના વ્લોગરની સ્ટોરી પણ એક જેવી જ હોય છે. તમામ ઇન્ફ્લુએન્ઝર અફઘાનિસ્તાનને એક સુરક્ષિત સ્થળ તરીકે દર્શાવે છે અને તાલિબાનને આવકારદાયક ગણાવે છે. તે લોકોને અફઘાનિસ્તાન અંગે જે મીડિયામાં બતાવાઈ રહ્યું છે તેના પર વિશ્વાસ ન કરવાની અપીલ પણ કરે છે.

અફઘાનિસ્તાનમાં વિદેશી પ્રવાસીઓની સંખ્યામાં વધારો 

વર્ષ 2021માં તાલિબાને સત્તા પર આવ્યા બાદ અફઘાનિસ્તાનમાં વિદેશી પ્રવાસીઓની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે. તેની પાછળનું કારણ એ પણ હોઈ શકે કે, ઘણાં લોકો વિશ્વના અનોખા અને ખતરનાક સ્થળોની મુસાફરી કરવામાં રસ ધરાવતા હોય છે. વર્ષ 2021માં માત્ર 691 અને તે વધીને વર્ષ 2022માં 2,300 વિદેશી પ્રવાસીઓએ અફઘાનિસ્તાનની મુલાકાત લીધી હતી. જોકે, અમેરિકા સહિત વિશ્વના ઘણાં દેશોએ પોતાના નાગરિકોને અફઘાનિસ્તાન ન જવાની સલાહ આપી છે. અફઘાનિસ્તાનની એકમાત્ર ફાઈવ સ્ટાર હોટલ 'ધ સેરેના'માં ઘણાં મહિનાઓ પછી ફરી એકવાર વિદેશી મહિલાઓ માટે પોતાનું મહિલા સ્પા અને સલૂન ખોલ્યું છે.

અનેક હથકંડા અપનાવી રહ્યું છે તાલિબાન 

હકીકતમાં તાલિબાન આંતરરાષ્ટ્રીય માન્યતા મેળવવા માટે અનેક હથકંડા અપનાવી રહ્યા છે. નકારાત્મક ધારણાઓ અને પોતાની સામે લાગતા આરોપોનો સામનો કરવા માટે તાલિબાન સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ (અગાઉ ટ્વિટર), યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ પર પ્રોપોગેંડા ચલાવી રહ્યા છે. અફઘાનિસ્તાનના ઐતિહાસિક સુંદર સ્થળોની તસવીરો અને વીડિયો પોસ્ટ કરીને તાલિબાન કરી રહ્યા છે કે, તેમના સાશનમાં સ્થિરતા, શાંતિ અને જનજીવન સામાન્ય થઈ ગયું છે.

કોઈ મૂળભૂત બદલાવ આવ્યો નથી

અફઘાનિસ્તાનની સતા પર બેઠેલા તાલિબાની શાસનમાં કોઈ મૂળભૂત બદલાવ આવ્યો નથી, કે જેથી કહી શકાય કે અહીંના નાગરિકોના જીવનમાં બદલાવ આવ્યો હોય. તાલિબાન આવ્યા પછી પણ અફઘાનિસ્તાનની આર્થિક સ્થિતિ સુધરી નથી. તે હાલમાં કંગાળ થઈ ગયું છે. તો બીજી તરફ માનવ અધિકાર, મહિલા શિક્ષણ, લોકતંત્ર કે પછી રૂઢિવાદી ધાર્મિક કટ્ટરતા આ બધાં પાસાઓ પર તાલિબાન કોઈ પણ પરિવર્તન કરવામાં ઈચ્છુક નથી. 

આ સમાચાર શેર કરો