પેટ્રોલિયમ બાદ સાઉદી અરેબિયાને મળ્યો 'સફેદ સોના'નો ખજાનો, ટૂંક સમયમાં કોમર્શિયલ પાયલોટ પ્રોજેક્ટ શરૂ
દુનિયા સાઉદી અરેબિયાને તેના વિશાળ તેલ ભંડાર અને કુદરતી ગેસ માટે જાણે છે. પરંતુ હવે આ દેશને જેકપ

દુનિયા સાઉદી અરેબિયાને તેના વિશાળ તેલ ભંડાર અને કુદરતી ગેસ માટે જાણે છે. પરંતુ હવે આ દેશને જેકપોટ લાગ્યો છે. હકીકતમાં સાઉદી અરેબિયાના દરિયાઈ વિસ્તારમાં લિથિયમનો ભંડાર મળી આવ્યો છે. અહેવાલો અનુસાર, સાઉદી અરેબિયાની સરકારી પેટ્રોલિયમ અને કુદરતી ગેસ કંપની 'અરામકો'એ તેલ ક્ષેત્રના પાઇલટ પ્રોજેક્ટના ભાગ રૂપે લિથિયમ કાઢવાનું શરૂ કર્યું છે.
લિથિયમના ખાણકામ માટે કોમર્શિયલ પાયલોટ પ્રોજેક્ટ
સાઉદી અરેબિયાના ખાણકામ બાબતોના નાયબ મંત્રી ખાલિદ-બિન-સાલેહ-અલ-મુદૈફરે જાહેરાત કરી છે કે, રાજ્ય લિથિયમના સીધા ખાણકામને પ્રોત્સાહન આપવા માટે ટૂંક સમયમાં કોમર્શિયલ પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરશે. આ પ્રોજેક્ટની જવાબદારી કિંગ અબ્દુલ્લા યુનિવર્સિટી ફોર સાયન્સ એન્ડ ટેકનોલોજીને આપવામાં આવી છે. અહીં તમને જણાવી દઈએ કે, સાઉદી અરેબિયા ઈલેક્ટ્રોનિક કારનું હબ બનવા માંગે છે, તેથી આ દેશ દર વર્ષે આ ક્ષેત્રમાં અબજો રૂપિયાનો ખર્ચ કરી રહ્યો છે. આ દરમિયાન લિથિયમનો ભંડાર મળવો સાઉદી અરેબિયા માટે એક મોટા સમાચાર છે.
સાઉદી અરેબિયાને લિથિયમની વધતી કિંમતનો લાભ મળશે
તેલ અને કુદરતી ગેસના ભંડાર પર નિર્ભર રહેતું સાઉદી અરેબિયા હવે પોતાની અર્થવ્યવસ્થાને વેગ આપવા માટે ઊર્જાના વૈકલ્પિક સ્ત્રોતો પર પણ ધ્યાન આપી રહ્યો છે. દરિયાઈ વિસ્તારોમાંથી લિથિયમ કાઢવાની પરંપરાગત પદ્ધતિ માટે ઊંચો ખર્ચ કરવો પડે છે. જો વિશ્વભરમાં લિથિયમની કિંમતોમાં વધારો થાય છે તો સાઉદી અરેબિયાને તેનો લાભ મળી શકે છે. સાઉદી અરેબિયાના મંત્રીનું કહેવું છે કે, લિથિયમ કાઢવા માટે નવી ટેક્નોલોજીની શોધ કરવામાં આવી છે અને આ પ્રોજેક્ટ ભવિષ્યમાં પણ ચાલુ રહેશે.
લિથિયમ કેમ મહત્ત્વનું છે?
ભવિષ્યની ઉર્જાની જરૂરિયાતોને પહોંચી વળવા માટે લિથિયમને એક મહત્ત્વપૂર્ણ સ્ત્રોત માનવામાં આવે છે. હકીકતમાં અશ્મિભૂત ઇંધણના સ્ત્રોતો ઝડપથી ઘટી રહ્યા છે, તેથી વૈજ્ઞાનિકો વૈકલ્પિક ઉર્જા સ્ત્રોતો તરફ વધુને વધુ ધ્યાન આપી રહ્યા છે. જેમાં લિથિયમની માંગ સૌથી વધુ છે. લિથિયમને સફેદ સોનું અથવા તો આધુનિક તેલ પણ કહેવામાં આવે છે. તેનો ઉપયોગ ઈલેક્ટ્રિક વાહનોની બેટરીથી લઈને મોબાઈલ, લેપટોપ સુધીની દરેક ઇલેક્ટ્રોનિક વસ્તુ બનાવવામાં થાય છે. તેની ઉપયોગીતાને કારણે સમગ્ર વિશ્વમાં તેની માંગ વધી રહી છે. તે હવે વિશ્વભરમાં ઊર્જાના નંબર વન સ્ત્રોત તરીકે તેલ અને અન્ય પરંપરાગત અશ્મિભૂત ઇંધણની જગ્યા લઇ શકે છે.
વર્ષ 2050 સુધીમાં લિથિયમની માંગમાં 500 ટકાનો વધારો થશે
લિથિયમની વધતી માંગને કારણે તેની કિંમતોમાં પણ ઝડપથી વધારો થઇ રહ્યો છે. એક અહેવાલ અનુસાર, વૈશ્વિક બજારમાં એક ટન લિથિયમની કિંમત લગભગ 57.36 લાખ રૂપિયા છે. વિશ્વ બેંકના અનુમાન મુજબ, વર્ષ 2050 સુધીમાં લિથિયમની વૈશ્વિક માંગમાં 500 ટકાનો વધારો થશે. આ સંદર્ભમાં સાઉદી અરેબિયામાં લિથિયમ ભંડારની શોધ તેની અર્થવ્યવસ્થા માટે એક મોટો સંકેત છે.








