મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

ચીનમાં જન્મદરમાં નોંધપાત્ર ઘટાડો, વસતી વિષયક કટોકટી સર્જાઈ ; હજારો કિંડરગાર્ટન્સ બંધ કરાયા

ચીનમાં જન્મદરમાં નોંધપાત્ર ઘટાડો થતા તીવ્ર વસતી વિષયક કટોકટી સર્જાઈ છે જેના પરિ

ચીનમાં જન્મદરમાં નોંધપાત્ર ઘટાડો, વસતી વિષયક કટોકટી સર્જાઈ ; હજારો કિંડરગાર્ટન્સ બંધ કરાયા

ચીનમાં જન્મદરમાં નોંધપાત્ર ઘટાડો થતા તીવ્ર વસતી વિષયક કટોકટી સર્જાઈ છે જેના પરિણામે હજારો કિન્ડરગાર્ટન્સ બંધ કરી દેવાની ફરજ પડી છે. ચીનના શિક્ષણ મંત્રાલયે આપેલી જાણકારી મુજબ 2023માં ચીનમાં 14808 કિન્ડરગાર્ટન્સ ઓછા થઈને કુલ સંખ્યા 274400 જેટલી થઈ હતી જે સતત બીજા વર્ષે ઘટાડો થયો હોવાનું સૂચવે છે. કિન્ડરગાર્ટનમાં ગયે વર્ષે 53 લાખ ઓછા બાળકોએ પ્રવેશ મેળવતા 11.55 ટકાનો ઘટાડો થયો હતો. પ્રાથમિક શાળાઓમાં પણ 3.8 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો.

સરકારે વસતી વધારવા લગ્ન પ્રક્રિયા સરળ અને છૂટાછેડાની પ્રક્રિયા વિકટ કરવાની યોજના બનાવી
જન્મદરની કટોકટી ચીનના ભાવિ આર્થિક વિકાસને પણ જોખમમાં મુકી રહી છે. 2023માં ચીનની વસતી સતત બીજા વર્ષે ઘટીને 1.4 અબજ રહી હતી જે વીસ લાખનો ઘટાડો સૂચવે છે. આ ઘટાડાને કારણે ભારત ચીનને ઓળંગીને વિશ્વની સૌથી વસતી ધરાવતો દેશ બની ગયું હતું.

ઉપરાંત ચીનમાં વયસ્કોની વસતી વધતા તે બીજી કટોકટીનો પણ સામનો કરી રહ્યું છે. 2023 સુધીમાં 30કરોડ ચીની નાગરિકો 60 વર્ષથી વધુ વયના હતા. એક અનુમાન મુજબ આ સંખ્યા 2050 સુધીમાં 50 કરોડની થતા દેશના અર્થતંત્ર પર દબાણ વધી શકે છે.

કિન્ડરગાર્ટન વરિષ્ઠ નાગરિકોની સંભાળના કેન્દ્રો બની ગયા

દાયકાઓથી ચાલેલી અને છેક 2016માં હળવી કરાયેલી વન-ચાઈલ્ડ પોલીસી આ વસતી વિષયક કટોકટી માટે જવાબદાર હોવાનું માનવામાં આવે છે. હવે પોલીસીમાં ત્રણ બાળકોની મંજૂરી હોવા છતાં અનેક યુગલો વધતા ખર્ચને કારણે વધુ બાળકોને જન્મ આપવાનું ટાળે છે.

ઉપરાંત વયસ્કોની સંભાળની વધતી માગને કારણે અનેક કિન્ડરગાર્ટન વરિષ્ઠ નાગરિકોની સંભાળના કેન્દ્રો બની ગયા છે.

સમસ્યાના ઉકેલ માટે ચીને નિવૃત્તિ વયમાં વધારો કર્યો છે અને વયસ્કોની સંભાળનો બોજ ઓછો કરવાની વ્યૂહરચના વિચારી છે. નિષ્ણાંતોએ ત્રણ વર્ષથી ઓછી વયના બાળકો સામેલ કરીને તેમજ સંભાળ અને શિક્ષણ સેવાનો સમન્વય કરવાની ભલામણ કરી છે.

આવા ફેરફારો છતાં સરકાર વસતીમાં થતા ઘટાડાને રોકવા અને યુવા વસતીમાં વધારો કરવા મુખ્યત્વે લગ્ન યંત્રણા સહેલી કરીને અને છૂટાછેડા પ્રક્રિયા મુશ્કેલ કરીને પારિવારીક સ્થિરતાને પ્રોત્સાહન આપવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.

આ સમાચાર શેર કરો