કિમ જોંન અને પુતિન વચ્ચે થઈ સિક્રેટ ડીલ, US સહિતના દેશનું ટેન્શન વધ્યું
24 વર્ષમાં પ્રથમ વખત ઉત્તર કોરિયાના પ્રવાસે પહોંચેલા રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કિમ જોંગ ઉન સાથે એક ઐતિ

24 વર્ષમાં પ્રથમ વખત ઉત્તર કોરિયાના પ્રવાસે પહોંચેલા રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કિમ જોંગ ઉન સાથે એક ઐતિહાસિક કરાર કર્યો છે. આ કરાર હેઠળ બંને દેશ યુદ્ધની સ્થિતિમાં એકબીજાને સૈન્ય મદદ કરશે.
ઉત્તર કોરિયાની સત્તાવાર ન્યૂઝ એજન્સીએ ગુરુવારે પોતાના નેતા કિમ જોંગ ઉન અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે બુધવારે પ્યોંગયાંગમાં થયેલા વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી કરાર બાદ જાણકારી આપી કે ઉત્તર કોરિયા અથવા રશિયામાં કોઈપણ એક દેશ પર આક્રમણ થશે અને જો તેને યુદ્ધની સ્થિતિમાં ધકેલવામાં આવશે તો બીજો દેશ તેને સૈન્ય સહાય પૂરી પાડશે.
રશિયા-યુક્રેન યુદ્ધમાં ઉત્તર કોરિયા પોતાની ભૂમિકા વધારશે?
જોકે, હજુ સુધી એ સ્પષ્ટ કરવામાં નથી આવ્યું કે, જો રશિયા અથવા ઉત્તર કોરિયા પર હુમલો થાય છે તો બંને એકબીજાને કયા પ્રકારની મદદ કરશે. શું બંને દેશ એક-બીજાની યુદ્ધમાં પોતાના સૈનિકોને લડવા માટે મોકલશે અથવા આ મદદ માત્ર હથિયાર-સૈન્ય સામગ્રી પહોંચાડવા સુધી સીમિત હશે. આ ઉપરાંત જો યુક્રેનમાં ચાલી રહેલું યુદ્ધ વધે તો શું તેમાં પણ ઉત્તર કોરિયા પોતાની ભૂમિકા વધારશે?
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉને આ કરારને બંને દેશો વચ્ચેના સંબંધોમાં વધુ સારા પરિવર્તનનું પગલું ગણાવ્યું છે જે સુરક્ષા, વેપાર, રોકાણ, સંસ્કૃતિ અને માનવતાવાદી સહાય જેવા તમામ પાસાઓને સામેલ કરશે.
અમેરિકાને આ વાતનો છે ડર
રશિયા અને ઉત્તર કોરિયા વચ્ચેનો આ કરાર એવા સમયે થયો છે જ્યારે અમેરિકા અને તેના સહયોગી દેશોએ યુક્રેન યુદ્ધમાં ઉત્તર કોરિયા દ્વારા રશિયાને હથિયાર અને દારૂગોળો પૂરો પાડવા પર ઊંડી ચિંતા વ્યક્ત કરી છે. અમેરિકાને એ પણ ડર છે કે રશિયાની આર્થિક અને ટેકનિકલ મદદથી ઉત્તર કોરિયા તેના પરમાણુ હથિયારો અને મિસાઈલ પ્રોગ્રામને ઝડપથી વધારી શકે છે.
અમેરિકાનું કહેવું છે કે, ઉત્તર કોરિયા રશિયા પાસેથી આર્થિક મદદ અને ટેક્નોલોજી ટ્રાન્સફરના બદલામાં મોસ્કોને યુક્રેનમાં પોતાના યુદ્ધ માટે ખૂબ જ જરૂરી હથિયારો પૂરા પાડે છે, જે કિમના પરમાણુ હથિયારો અને મિસાઈલ પ્રોગ્રામથી ઉભા થયેલા જોખમમાં વધારો કરી શકે છે.








