યુક્રેન પર હુમલો કરવા નીકળેલી રશિયન મિસાઇલ પહોંચી ગઈ પોલેન્ડ

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધની અસર હવે યુરોપના અન્ય દેશોની સુરક્ષા માટે પણ ચિંતાનો વિષય બની છે. 20 નવેમ્બર, 2026ના રોજ યુક્રેન પર રશિયાના મોટા હવાઈ હુમલા દરમિયાન રશિયાની KH-101 ક્રૂઝ મિસાઇલ (Cruise Missile) પોલેન્ડના હવાઈ ક્ષેત્રમાં પ્રવેશી ગઈ હતી. આ મિસાઇલ પોલેન્ડના ચ્મીએલેક (Chmielek) ગામ નજીક ખાબકી હતી. ઘટનાનો વિસ્ફોટ નજીકના દેખરેખ કેમેરામાં પણ કેદ થયો હતો. આ સ્થળ યુક્રેનની સરહદથી આશરે 46 કિલોમીટર દૂર હોવાનું અહેવાલમાં જણાવાયું છે.
પોલેન્ડના બે વિસ્તારોમાં સુરક્ષા એલર્ટ
મિસાઇલ હવાઈ ક્ષેત્રમાં પ્રવેશ્યા બાદ પોલેન્ડના સરકારી સુરક્ષા કેન્દ્રે લુબ્લિન અને પોડકાર્પાકી વિસ્તારોમાં એલર્ટ જાહેર કર્યું હતું. લોકોને સુરક્ષિત સ્થળે આશરો લેવા સૂચના આપવામાં આવી હતી. દેશની હવાઈ સંરક્ષણ વ્યવસ્થા (Air Defence System) સક્રિય કરવામાં આવી હતી. રેસઝો એરપોર્ટ પર પણ થોડા સમય માટે વિમાનોની અવરજવર અટકાવવામાં આવી હતી. જોકે, આ ઘટનામાં કોઈ જાનહાનિ કે મહત્ત્વપૂર્ણ માળખાકીય નુકસાન થયું ન હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું. સ્થિતિ સામાન્ય થતાં એલર્ટ પાછું ખેંચી લેવામાં આવ્યું હતું.
બે મિસાઇલ અને એક ડ્રોન પોલેન્ડમાં ખાબક્યાં
પોલેન્ડના સંરક્ષણ મંત્રી વ્લાદિસ્લાવ કોસિનિયાક-કામિશે જણાવ્યું હતું કે રશિયાના હુમલા દરમિયાન ત્રણ હવાઈ વસ્તુઓએ પોલેન્ડના હવાઈ ક્ષેત્રનું ઉલ્લંઘન કર્યું હતું. તેમાં બે મિસાઇલ અને એક જેટ એન્જિનથી ચાલતું ડ્રોન સામેલ હોવાનું જણાવાયું છે. આ ત્રણેય વસ્તુઓ અલગ-અલગ સ્થળોએ ખાબકી હતી. સૈન્યના રડારે કુલ 11 હવાઈ વસ્તુઓને સંભવિત જોખમ તરીકે ઓળખી હતી, જેમાંથી ત્રણ પોલેન્ડના હવાઈ ક્ષેત્રમાં પ્રવેશી હતી.
PM ડોનાલ્ડ ટસ્કે ગણાવી રશિયાની ઉશ્કેરણી
પોલેન્ડના વડાપ્રધાન ડોનાલ્ડ ટસ્કે આ ઘટનાને રશિયાની જાણીજોઈને કરવામાં આવેલી ઉશ્કેરણી (Provocation) હોવાની આશંકા વ્યક્ત કરી હતી. તેમણે સૈન્ય અને ગુપ્તચર વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. આ ઘટના એવા સમયે બની છે, જ્યારે યુક્રેનને સમર્થન આપતા દેશોનું સૈન્ય અભ્યાસ પોલેન્ડમાં ચાલી રહ્યું છે. નાટોના મહાસચિવ માર્ક રુટેએ પોલેન્ડના હવાઈ ક્ષેત્રના ઉલ્લંઘનને ગંભીર ગણાવ્યું હતું અને પોલેન્ડને સમર્થન આપવાની ખાતરી આપી હતી.
યુક્રેન પર રશિયાનો મોટો હુમલો
આ સમગ્ર ઘટના યુક્રેન પર રશિયાના મોટા હવાઈ હુમલા દરમિયાન બની હતી. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીના જણાવ્યા અનુસાર, રશિયાએ 400થી વધુ ડ્રોન અને 110થી વધુ મિસાઇલથી હુમલો કર્યો હતો. આ હુમલામાં ઓછામાં ઓછા આઠ લોકોનાં મોત થયાં હતાં અને બે ડઝનથી વધુ લોકો ઘાયલ થયા હતા. રહેણાંક ઇમારતો, તબીબી કેન્દ્રો અને વીજળીના માળખાંને પણ નુકસાન પહોંચ્યું હતું. આ ઘટનાએ ફરી એકવાર સ્પષ્ટ કર્યું છે કે રશિયા-યુક્રેન યુદ્ધની અસર બંને દેશોની સરહદો પૂરતી મર્યાદિત નથી. પોલેન્ડ નાટોનું સભ્ય હોવાથી તેના હવાઈ ક્ષેત્રમાં રશિયન મિસાઇલ પ્રવેશવાની ઘટનાએ યુરોપની સુરક્ષા અને નાટોની સૈન્ય તૈયારી અંગે નવી ચિંતા ઊભી કરી છે. હાલ પોલેન્ડમાં તપાસ ચાલી રહી છે અને રશિયા તરફથી આ ઘટના અંગે સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી.








