UNમાં મૃત્યુદંડ પર રોક લગાવવાનો પ્રસ્તાવ પસાર, ભારત-અમેરિકા સહિત 33 દેશોનો વિરોધ

સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ફાંસીની સજા પર રોક લગાવવાના પ્રસ્તાવ પર થયેલા મતદાનમાં ભારતે વિરોધમાં મત આપ્યો છે. ભારતની સાથે અમેરિકા, ચીન અને પાકિસ્તાન સહિત કુલ 33 દેશોએ પ્રસ્તાવનો વિરોધ કર્યો હતો. બીજી તરફ, 133 દેશોએ પ્રસ્તાવના સમર્થનમાં મત આપ્યો હતો. જ્યારે 16 દેશ મતદાનથી દૂર રહ્યા હતા. જોકે, વિરોધ છતાં બહુમતીના સમર્થનથી પ્રસ્તાવ પસાર થઈ ગયો હતો.
મૃત્યુદંડની સજા આપવા રોક લગાવવા અને ધીમે-ધીમે આ સજા નાબૂદ કરવાની દિશામાં આગળ વધવાના હેતુથી મેક્સિકોએ સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં આ પ્રસ્તાવ રજૂ કર્યો હતો. સંયુક્ત રાષ્ટ્રના કુલ 193 સભ્ય દેશોમાંથી 133 દેશોએ તેનું સમર્થન કર્યું હતું. જ્યારે 33 દેશોએ વિરોધ નોંધાવ્યો હતો અને 16 દેશોએ મતદાનમાં ભાગ લીધો નહોતો.
ભારતની સાથે આ દેશોએ કર્યો વિરોધ
ભારત ઉપરાંત અમેરિકા, ચીન, પાકિસ્તાન, જાપાન, ઈરાન, ઇરાક, સાઉદી અરેબિયા, ઇજિપ્ત, બહેરીન, કુવૈત, માલદીવ, ઓમાન અને કતાર સહિતના દેશોએ પ્રસ્તાવની વિરુદ્ધ મતદાન કર્યું હતું. પ્રસ્તાવમાં દરેક દેશના પોતાના કાયદા બનાવવાના અને સજા નક્કી કરવાના અધિકારને સ્વીકારવામાં આવ્યો હતો. સાથે જ તમામ દેશોને ફાંસીની સજા પર રોક લગાવવા અપીલ કરવામાં આવી હતી. જે દેશોમાં મૃત્યુદંડ નાબૂદ થઈ ચૂક્યો છે, તેમને ફરીથી આ સજા લાગુ ન કરવા પણ કહેવામાં આવ્યું હતું.
સગીર અને ગર્ભવતી મહિલાઓને મૃત્યુદંડ ન આપવાની અપીલ
પ્રસ્તાવમાં 18 વર્ષથી ઓછી ઉંમરે ગુનો કરનાર વ્યક્તિને મૃત્યુદંડ ન આપવાની ભલામણ કરવામાં આવી હતી. ગુનો કરતી વખતે વ્યક્તિની ઉંમર 18 વર્ષથી ઓછી હતી કે નહીં તે નક્કી કરવું શક્ય ન હોય, તો પણ તેને મૃત્યુદંડ ન આપવાની અપીલ કરાઈ હતી. આ ઉપરાંત ગર્ભવતી મહિલાઓ, માનસિક અથવા બૌદ્ધિક દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિઓ અને વૃદ્ધોને પણ મૃત્યુદંડમાંથી મુક્તિ આપવાની વાત કરવામાં આવી હતી. પ્રસ્તાવમાં મૃત્યુદંડ આપી શકાય તેવા ગુનાઓની સંખ્યા ઘટાડવા અને અમુક ગુનાઓમાં ફરજિયાત મૃત્યુદંડની જોગવાઈ દૂર કરવાની પણ અપીલ કરવામાં આવી હતી.
2025માં ફાંસીની ઘટનાઓ વધવા અંગે ચિંતા
પ્રસ્તાવમાં વિશ્વભરમાં મૃત્યુદંડના સતત ઉપયોગ અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. તેમાં જણાવાયું હતું કે અનેક દેશો મૃત્યુદંડનો ઉપયોગ મર્યાદિત કરવાની દિશામાં આગળ વધી રહ્યા છે, તેમ છતાં વર્ષ 2025માં નોંધાયેલી ફાંસીની ઘટનાઓમાં મોટો વધારો થયો હતો. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને તમામ દેશોને મૃત્યુદંડનો ઉપયોગ ક્રમશઃ ઘટાડવા અને ફાંસી પર રોક લગાવવા અપીલ કરવામાં આવી હતી.









