‘તમે મને ધમકાવી ન શકો, પાછા હટી જાઓ’; UNમાં ભારે હોબાળો, અમેરિકા-ક્યુબા વચ્ચે તડાતડી

સંયુક્ત રાષ્ટ્ર (UN)ની મહાસભામાં અમેરિકા અને ક્યુબા વચ્ચેના તણાવનો નાટકીય દૃશ્ય જોવા મળ્યો હતો. અમેરિકી રાજદૂત માઇક વૉલ્ટઝ અને ક્યુબાના વિદેશમંત્રી બ્રૂનો રોડ્રિગ્ઝ પાહિલા વચ્ચે ઉગ્ર બોલાચાલી થતાં મહાસભાની કાર્યવાહી સ્થગિત કરવાની ફરજ પડી હતી. ક્યુબા પર અમેરિકાના આર્થિક અને વ્યાપારી પ્રતિબંધોની ચર્ચા દરમિયાન આ ઘટના બની હતી.
‘તમે જૂઠું બોલો છો’ કહી ક્યુબાના વિદેશમંત્રી પોડિયમ પાસે પહોંચ્યા
મંગળવારે બેઠક દરમિયાન અમેરિકી રાજદૂત માઇક વૉલ્ટઝ ક્યુબાની સરકારની ટીકા કરી રહ્યા હતા. તેમણે ક્યુબાના નેતાઓ પર દેશની સમસ્યાઓ માટે અન્ય દેશોને જવાબદાર ઠેરવવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે ક્યુબાના દિવંગત નેતા ફિડેલ કાસ્ટ્રોની રોલેક્સ ઘડિયાળ પહેરેલી તસવીર પણ દર્શાવી હતી. વૉલ્ટઝે દાવો કર્યો હતો કે ઘડિયાળની કિંમત સરેરાશ ક્યુબન નાગરિકની આશરે 55 વર્ષની કમાણી જેટલી છે. તેમણે ક્યુબાના વર્તમાન નેતૃત્વ પર પણ નિશાન સાધ્યું હતું. આ ટિપ્પણીઓથી નારાજ ક્યુબાના વિદેશમંત્રી બ્રૂનો રોડ્રિગ્ઝ પાહિલા પોડિયમ પાસે પહોંચ્યા અને અમેરિકી રાજદૂત પર જૂઠું બોલવાનો આરોપ લગાવ્યો. વૉલ્ટઝે તેમને પાછા જવા કહ્યું, ત્યારે પાહિલાએ જવાબ આપ્યો, “તમે મને ધમકાવી ન શકો.” ત્યારબાદ બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. અન્ય પ્રતિનિધિઓએ વચ્ચે પડી મામલો શાંત પાડ્યો હતો.
અમેરિકાના પ્રતિબંધોથી ક્યુબાની આરોગ્ય વ્યવસ્થા પર અસરનો આરોપ
ક્યુબાના વિદેશમંત્રીએ આરોપ લગાવ્યો કે અમેરિકા અન્ય દેશો પર દબાણ કરી રહ્યું છે, જેથી તેઓ ક્યુબા વિરુદ્ધના પ્રતિબંધોની નિંદા કરતા પ્રસ્તાવની વિરુદ્ધમાં મતદાન કરે. પાહિલાના જણાવ્યા અનુસાર, ઇંધણની આપૂર્તિ પરના પ્રતિબંધોની ક્યુબાની આરોગ્ય વ્યવસ્થા પર ગંભીર અસર થઈ છે. તેમણે દાવો કર્યો કે બાળમૃત્યુ દર બમણો થયો છે અને લાખો ક્યુબન નાગરિકોના જીવન સામે જોખમ ઊભું થયું છે. બીજી તરફ, અમેરિકી રાજદૂતે ક્યુબાની સરકારને ભ્રષ્ટ ગણાવી હતી અને દેશના નેતાઓની જીવનશૈલી પર સવાલો ઉઠાવ્યા હતા.
પ્રતિબંધો અંગેના પ્રસ્તાવ પર મતદાન બાકી
ક્યુબા પર અમેરિકાએ લાદેલા આર્થિક અને વ્યાપારી પ્રતિબંધો આધુનિક સમયમાં સૌથી લાંબા સમયથી અમલમાં રહેલા પ્રતિબંધોમાં ગણાય છે. આ પ્રતિબંધોની ચર્ચા માટે મહાસભાની બેઠક મળી હતી, પરંતુ બોલાચાલીના કારણે કાર્યવાહી ખોરવાઈ હતી. તે સમયે સંબંધિત પ્રસ્તાવ પર મતદાન થવાનું બાકી હતું.







