Video: પૂર્વીય બલ્ગેરિયાના A1 હાઈવે પર ગાઢ ધુમ્મસ વચ્ચે 50 વાહનોની ભીષણ ટક્કર: 11 લોકોના મોત, 50થી વધુ ઈજાગ્રસ્ત

પૂર્વીય બલ્ગેરિયામાં મંગળવારે ગાઢ ધુમ્મસના કારણે હાઈવે પર એક દર્દનાક માર્ગ અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં આશરે 50 વાહનો એકબીજા સાથે ધડાકાભેર અથડાયા હતા, જેમાં ઓછામાં ઓછા 11 લોકોએ જીવ ગુમાવ્યો છે અને લગભગ 50 લોકો ઘાયલ થયા છે. વડાપ્રધાન રુમેન રાદેવે આ ભયાવહ ઘટના અંગે માહિતી આપતા તેને એક અત્યંત મોટી દુર્ઘટના ગણાવી છે.
A1 હાઈવે પર વાહનોના ઢગલા અને બચાવ કામગીરી
આ ભીષણ અકસ્માત રાજધાની સોફિયાને પૂર્વીય શહેર બર્ગાસ સાથે જોડતા મુખ્ય A1 હાઈવે પર બન્યો હતો. ઘટનાની માહિતી મળતા જ પોલીસ, ફાયર બ્રિગેડ અને એમ્બ્યુલન્સની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. સ્થાનિક મીડિયામાં સામે આવેલા દ્રશ્યો અનુસાર હાઈવેની છ લેન પર કાર અને ટ્રકોના ઢગલા જોવા મળ્યા હતા. અનેક વાહનો ગંભીર રીતે ક્ષતિગ્રસ્ત થઈ ગયા હતા, કેટલાક વાહનો પલટી ખાઈ ગયા હતા અને અમુક રોડની સાઈડમાં નીચે ઉતરી ગયા હતા.
ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર
બલ્ગેરિયાના ગૃહ મંત્રાલયે આપેલી વિગતો અનુસાર અકસ્માતમાં ઘવાયેલા 50 લોકોને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. રાહત અને બચાવ દળના જવાનો ઘટનાસ્થળે ઈજાગ્રસ્તોને મદદ પહોંચાડવા અને પરિસ્થિતિ નિયંત્રણમાં લેવા માટે સતત કામે લાગ્યા હતા.
વડાપ્રધાન દ્વારા વિમાન તૈનાત કરવાનો આદેશ
યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયેનની બલ્ગેરિયા મુલાકાત દરમિયાન વડાપ્રધાન રુમેન રાદેવે એક નિવેદન જારી કરીને આ ઘટનાને મોટી માનવ ત્રાસદી ગણાવી હતી. તેમણે જણાવ્યું હતું કે ગંભીર રીતે ઘવાયેલા લોકોને ઝડપથી હોસ્પિટલ પહોંચાડવા માટે વિશેષ વિમાનો પણ તૈનાત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત વડાપ્રધાને જાતે ઘટનાસ્થળની મુલાકાત લેવાની યોજના પણ જાહેર કરી છે.
ગાઢ ધુમ્મસ બન્યું અકસ્માતનું પ્રાથમિક કારણ
આ ભયાનક અકસ્માત પાછળના ચોક્કસ કારણો અંગે હજુ સુધી કોઈ વિસ્તૃત સત્તાવાર અહેવાલ બહાર આવ્યો નથી. જોકે પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે દુર્ઘટના સમયે હાઈવેના તે ભાગમાં અત્યંત ગાઢ ધુમ્મસ છવાયેલું હતું, જેના કારણે વિઝિબિલિટી ઘટી જતાં વાહનો એકબીજા સાથે અથડાઈ ગયા હતા.










