કાટમાળમાંથી રોશની: યુદ્ધગ્રસ્ત ગાઝામાં 60 વર્ષના એન્જિનિયરે ભંગારમાંથી બનાવી પવનચક્કી, વિસ્થાપિતો માટે બની આશાનું કિરણ

કાટમાળમાંથી રોશની: યુદ્ધગ્રસ્ત ગાઝામાં 60 વર્ષના એન્જિનિયરે ભંગારમાંથી બનાવી પવનચક્કી, વિસ્થાપિતો માટે બની આશાનું કિરણ
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

ચારેબાજુ વિનાશ અને નિરાશા વ્યાપેલી હોય એવા માહોલમાં પણ ઘણીવાર માનવીય હિંમત અને બુદ્ધિ નવો રસ્તો શોધી જ લેતી હોય છે. આવું જ કંઈક યુદ્ધગ્રસ્ત ગાઝામાં જોવા મળી રહ્યું છે, જ્યાં બોમ્બમારાથી સર્જાયેલા કાટમાળ અને ભંગારમાંથી એક આશાનું કિરણ પેદા થયું છે. અહીંના એક એન્જિનિયરે સાબિત કર્યું છે કે જો મક્કમ ઈચ્છાશક્તિ હોય તો ભંગારમાંથી પણ રોશની સર્જી શકાય છે. ગાઝાના ખાન યુનિસ અને અલ-મવાસી (Al-Mawasi)માં હજારો વિસ્થાપિતો શિબિરોમાં જીવી રહ્યા છે. જીવનની મૂળભૂત જરૂરતો પણ માંડ પૂરી થતી હોય એવા સ્થળે એક એન્જિનિયરે કાટમાળ અને ભંગારમાંથી વિન્ડ ટર્બાઇન એટલે કે પવનચક્કીઓ બનાવી કાઢી છે, જે લોકોને વીજળી પૂરી પાડી રહી છે.

60 વર્ષના કમાલે કમાલ કર્યો

આ કમાલ 60 વર્ષના કમાલ અલ-દબારી (જે સ્થાનિકોમાં અબુ અયમાન તરીકે પણ ઓળખાય છે) નામના એન્જિનિયરિંગના પૂર્વ વિદ્યાર્થીએ કર્યો છે. 7 ઓક્ટોબર, 2023 ના રોજ શરૂ થયેલા યુદ્ધને હવે 3 વર્ષ વીતી ગયા છે. વર્લ્ડ બેંકના ડેટા મુજબ, એપ્રિલ 2026 સુધીમાં ગાઝાની 90 ટકાથી વધુ વીજ ઉત્પાદન અને વિતરણ ક્ષમતા નાશ પામી હતી. રસ્તા પર ઈઝરાયલનું કડક નિયંત્રણ હોવાથી રાહત સામગ્રી અને વેપારી પુરવઠો બહુ ઓછી માત્રામાં ગાઝા પહોંચે છે, જેનાથી જીવનજરૂરી વસ્તુઓના ભાવો આસમાને પહોંચ્યા છે.

જાહેરાત

પવન ઊર્જાનો ઉપયોગ કરવાનો વિચાર કેમ આવ્યો?

વીજળી મેળવવા માટે અગાઉ કમાલ સોલર પેનલ વાપરતા હતા અને સૂર્યની દિશા પ્રમાણે તેને વારંવાર ફેરવતા રહેતા હતા. પરંતુ હવે એક સોલર પેનલની કિંમત ઓછામાં ઓછી 15000 શેકેલ (અંદાજે 5000 ડોલર) થઈ ગઈ છે, જે ગાઝાના મોટાભાગના લોકો માટે ખરીદવી અશક્ય છે. છેલ્લા 3 વર્ષથી કોઈ કામ કે આવક ન હોવાથી કમાલને પવન ઊર્જાનો ઉપયોગ કરવાનો વિચાર આવ્યો.

નાની શોધ હજારો માટે જીવનરક્ષક બની

તેમણે કાટમાળમાંથી જૂના વાયરો, ધાતુના ટુકડા અને સામાન્ય ઓજારો ભેગા કર્યા. પવનચક્કીના પાંખિયાં (બ્લેડ્સ) પાણીની જૂની ટાંકીઓને કાપીને બનાવ્યા. વીજળી ઉત્પન્ન કરવા માટે જૂના સ્કૂટરની મોટરનો ઉપયોગ કર્યો. પવનથી આ પાંખિયાં ફરે છે, ત્યારે મોટર ચાલે છે અને વીજળી પેદા થાય છે.

આ નાનકડી શોધે તંબુઓમાં રહેતા પરિવારો માટે મોટી સુવિધા ઊભી કરી છે. પવનચક્કીથી મળતી વીજળીનો ઉપયોગ ફોન ચાર્જ કરવા, લાઈટ અને પંખા ચલાવવા માટે થાય છે. ગાઝામાં દવાઓ અને આરોગ્ય સુવિધાઓ મળવી મુશ્કેલ છે, એવામાં આ વીજળી તબીબી સાધનો ચલાવવામાં પણ જીવનરક્ષક સાબિત થઈ રહી છે. બાળકોને શ્વાસ લેવા માટે નેબ્યુલાઇઝરની (દવા શ્વાસમાં લેવા માટે વપરાતું ઉપકરણ) જરૂર પડે ત્યારે પણ આ વીજળી જ કામ આવે છે.

મુશ્કેલ સમયમાં ટકી રહેવાની હિંમત

યુદ્ધ દરમિયાન ગાઝાના લગભગ તમામ રહેવાસીઓ ઓછામાં ઓછા એક વખત વિસ્થાપિત થયા છે. હાલમાં ઈઝરાયલ અડધાથી વધુ પ્રદેશ પર નિયંત્રણ ધરાવે છે. મોટા ભાગના લોકો હવે હમાસના શાસન હેઠળના નાના વિસ્તારોમાં રહે છે. અછતના સમયમાં કમાલ અલ-દબારી દ્વારા થયેલી આ શોધ અત્યંત કીમતી સાબિત થઈ છે, કેમ કે આ પવનચક્કી માત્ર વીજળી જ નથી આપતી, પણ લોકોને પોતાના ઘરે પાછા ફરવાની અને આ મુશ્કેલ સમયમાં ટકી રહેવાની હિંમત પણ પૂરી પાડી રહી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત