Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : 4 children trapped in car die in France, 55 drown in heat bath; Europe's worst heatwave of the century

ફ્રાન્સમાં કારમાં ફસાયેલા 4 બાળકોના મોત, ગરમીથી બચવા નહાવા પડેલા 55 ડૂબ્યાં; યુરોપમાં સદીનું સૌથી ભયાનક હિટવેવ

Timeછેલ્લું અપડેટ : 27 Jun 2026
લાઇવ ટીવીGoogle News
ફ્રાન્સમાં કારમાં ફસાયેલા 4 બાળકોના મોત, ગરમીથી બચવા નહાવા પડેલા 55 ડૂબ્યાં; યુરોપમાં સદીનું સૌથી ભયાનક હિટવેવ
સોર્સ : gstv

જે દેશો પોતાની ગુલાબી ઠંડી અને ખુશનુમા વાતાવરણ માટે દુનિયાભરમાં જાણીતા છે, તે યુરોપિયન દેશો અત્યારે ભઠ્ઠીની જેમ શેકાઈ રહ્યા છે. સમગ્ર યુરોપમાં અત્યારે સદીની સૌથી ભયાનક હિટવેવ ફરી વળ્યું છે. પરિસ્થિતિ એટલી હદે ગંભીર બની ગઈ છે કે ફ્રાન્સમાં ગરમીના કારણે 4 માસૂમ બાળકોના કરુણ મોત નીપજ્યા છે, જ્યારે ગરમીથી બચવા નદી-તળાવોમાં નહાવા પડેલા 55 થી વધુ લોકો ડૂબી ગયા છે. વૈજ્ઞાનિકોના મતે, ઇતિહાસમાં યુરોપનો આ સૌથી ગંભીર અને વ્યાપક હિટવેવ છે, જેમાં પ્રદેશના 850 મોટા શહેરોમાંથી અડધાથી વધુ શહેરો અભૂતપૂર્વ 'હીટ સ્ટ્રેસ' નો સામનો કરી રહ્યા છે.

App Store

ફ્રાન્સમાં પિતાની ભૂલથી કારમાં માસૂમ બાળકનું મોત
ફ્રાન્સમાં ગરમીના કારણે બાળકોના મોતના જે કિસ્સા સામે આવ્યા છે તે કોઈપણ માતા-પિતાની આંખોમાં આંસુ લાવી દે તેવા છે. માર્સેલીની એક હોસ્પિટલમાં 18 મહિનાના એક માસૂમ બાળકનું હાઈપરથર્મિયાના કારણે મોત થયું હતું. પોલીસના જણાવ્યા અનુસાર, ઓફિસે જતા પિતા પોતાના પુત્રને ડે-કેરમાં ડ્રોપ કરવાનું ભૂલી ગયા અને ભૂલથી તેને ધોમધખતા તડકામાં કારમાં જ બંધ મૂકીને જતા રહ્યા હતા. આ અઠવાડિયાની શરૂઆતમાં પેરિસના એક ઉપનગરમાં એક 3 વર્ષનો છોકરો રમત-રમતમાં કારની અંદર ચઢી ગયો હતો, પરંતુ ચાઈલ્ડ લોક એક્ટિવેટ થઈ જવાને કારણે તે અંદર જ ફસાઈ ગયો અને ગૂંગળામણથી તેનું મોત થઈ ગયું. આ સિવાય એક પાર્કિંગમાં પાર્ક કરેલી કારમાંથી 2 અને 4 વર્ષના બે સગા ભાઈ-બહેનોના મૃતદેહ મળી આવ્યા હતા.

બ્રિટન અને પેરિસમાં રેકોર્ડતોડ તાપમાન
બ્રિટનમાં હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું છે. બ્રિટનના સફોકમાં શુક્રવારે તાપમાન 37.3C નોંધાયું હતું, જે જૂન મહિનાનો અત્યાર સુધીનો સૌથી ગરમ દિવસ સાબિત થયો છે. જ્યારે પેરિસમાં બુધવારે પારો 40.9C ને પાર કરી ગયો હતો. ફ્રાન્સના ઇમરજન્સી ડોક્ટર્સ એસોસિએશનના વડા પેટ્રિક પેલોક્સે જણાવ્યું હતું કે, માત્ર પેરિસમાં જ 24 કલાકની અંદર ઇમરજન્સી હેલ્થ સર્વિસની દેખરેખ હેઠળ 55 લોકોના મોત થયા છે. સામાન્ય દિવસોમાં આ આંકડો 24 કલાકમાં માત્ર 3 કે 4 હોય છે.

હીટવેવથી પાવર ગ્રીડ ખોરવાઈ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નુકસાન
સ્થિતિ એટલી વણસી ગઈ છે કે પેરિસના પોલીસ વડાએ શેરીઓમાં દારૂ પીવા પર પ્રતિબંધ મૂકવો પડ્યો છે જેથી હોસ્પિટલો પરનો બોજ ઘટાડી શકાય. લંડન એમ્બ્યુલન્સ સર્વિસે પણ ઇતિહાસના સૌથી વધુ જીવલેણ ઇમરજન્સી કોલ્સ એટેન્ડ કર્યા છે. બ્રિટનમાં ગરમીના કારણે એર કંડિશનર અને ફેનનો વપરાશ એટલો વધી ગયો છે કે પાવર ગ્રીડ ખોરવાઈ જવાની ચેતવણી આપવામાં આવી છે. જર્મનીમાં તો ગરમીના કારણે હાઈવેના રોડ ફાટી ગયા છે, જ્યારે ઓસ્ટ્રિયામાં રેલવે ટ્રેક ગરમીથી પીગળીને વળી જવાનો ખતરો પેદા થયો છે.

ગ્લોબલ વોર્મિંગ સામે ગંભીર ચેતવણી
વર્લ્ડ મીટીરોલોજીકલ ઓર્ગેનાઈઝેશનના ક્લાઈમેટ ઇન્ફોર્મેશન ચીફ જોન કેનેડીએ ચેતવણી આપી છે કે, વર્ષ 1976 ના હિટવેવ પછીના છેલ્લા 50 વર્ષોમાં યુરોપનું તાપમાન આશરે 2C વધી ગયું છે. ગ્લોબલ વોર્મિંગના કારણે ભવિષ્યમાં આવી હિટવેવ વધુ વારંવાર, લાંબા સમય માટે અને વધુ તીવ્રતા સાથે આવશે. આ ભયાનક હિટવેવ એ વાતનો પુરાવો છે કે પ્રકૃતિ હવે મનુષ્યની ભૂલોનો હિસાબ માંગી રહી છે. ગ્રીનહાઉસ ગેસોનું ઉત્સર્જન ઘટાડવામાં જો અત્યારે પણ વિશ્વના દેશો નિષ્ફળ જશે, તો શું આગામી સમયમાં પૃથ્વી માનવજાતના રહેવા લાયક રહેશે ખરી?