પેટમાં હતું બાળકનું કંકાલ, પથ્થર બની ગયો ગર્ભ! 3 વર્ષ સુધી મહિલાને ન થઈ જાણ; ઓપરેશનમાં બહાર આવ્યું ‘સ્ટોન બેબી’

સોમાલીલેન્ડમાં ડોક્ટરોએ 42 વર્ષની મહિલાના પેટમાંથી કેલ્શિયમના કઠણ પડથી ઢંકાયેલો મૃત ગર્ભ બહાર કાઢ્યો. લગભગ ત્રણ વર્ષ સુધી મહિલાને તેની જાણ જ નહોતી. તબીબી વિજ્ઞાનમાં આ અત્યંત દુર્લભ સ્થિતિને ‘લિથોપેડિયન’ (Lithopedion) અથવા ‘સ્ટોન બેબી’ કહેવામાં આવે છે.
ક્યારેક શરીરમાં ગંભીર સમસ્યા હોવા છતાં તેના લક્ષણો લાંબા સમય સુધી સામાન્ય તકલીફ જેવા લાગે છે. સોમાલીલેન્ડની 42 વર્ષની એક મહિલા સાથે પણ આવું જ બન્યું હતું. લગભગ ત્રણ વર્ષથી તે પેટના નીચેના ભાગમાં દુખાવો અને ભારેપણું અનુભવતી હતી. શરૂઆતમાં તેને સામાન્ય સમસ્યા માનીને અવગણતી રહી, પરંતુ સમય જતાં તકલીફ વધતાં તેણે ડોક્ટરની સલાહ લીધી. તપાસ દરમિયાન જે હકીકત સામે આવી તેનાથી તબીબો પણ આશ્ચર્યચકિત થઈ ગયા.
મહિલાના પેટમાં લગભગ ત્રણ વર્ષથી એક મૃત ગર્ભ (Fetus) હાજર હતો, જેની આસપાસ કેલ્શિયમનું સખત પડ જામી જતાં તે પથ્થર જેવી રચનામાં ફેરવાઈ ગયો હતો.
ત્રણ વર્ષ પહેલાં ગર્ભાવસ્થાનાં લક્ષણો દેખાયાં હતાં
‘લાઇવ સાયન્સ’ (Live Science)માં પ્રકાશિત અહેવાલ અનુસાર, મહિલાને લગભગ ત્રણ વર્ષ પહેલાં ગર્ભવતી હોવા જેવા લક્ષણો અનુભવાયા હતા. તે સમયે તેનું પેટ વધવા લાગ્યું હતું અને તેને બાળકની હલચલ થતી હોય તેવી અનુભૂતિ પણ થતી હતી. જોકે, થોડા સમય પછી આ હલચલ બંધ થઈ ગઈ હતી. ધીમે ધીમે પેટનો આકાર પણ પહેલાં જેવો થવા લાગ્યો હતો.
મહિલાએ તે સમયે હોસ્પિટલમાં તપાસ કરાવી નહોતી. તેને લાગ્યું કે કદાચ ગર્ભાવસ્થા હવે રહી નથી. જોકે, તેના શરીરની અંદર શું થઈ રહ્યું હતું તેની તેને કોઈ જાણ નહોતી. ત્યારથી પેટના નીચેના ભાગમાં હળવો દુખાવો અને ભારેપણું રહેતું હતું. છેલ્લા કેટલાક મહિનામાં તકલીફ વધતાં તેણે ડોક્ટરનો સંપર્ક કર્યો.
અલ્ટ્રાસાઉન્ડમાં દેખાઈ અસામાન્ય રચના
હોસ્પિટલમાં તપાસ દરમિયાન ડોક્ટરોને મહિલાના પેટમાં નાભિની આસપાસ સુધી ફેલાયેલી સખત ગાંઠ જેવી રચના જણાઈ હતી. લોહીની તપાસમાં હળવી એનિમિયા (Anemia) એટલે કે લોહીની ઊણપ પણ સામે આવી હતી. જ્યારે મહિલાનો પ્રેગ્નન્સી ટેસ્ટ (Pregnancy Test) કરવામાં આવ્યો ત્યારે તેનું પરિણામ નેગેટિવ આવ્યું હતું.
ત્યારબાદ અલ્ટ્રાસાઉન્ડ (Ultrasound) કરવામાં આવ્યું. તેમાં મહિલાનું ગર્ભાશય ખાલી દેખાયું, પરંતુ પેટની અંદર એક અસામાન્ય અને સખત રચના જોવા મળી હતી. તેની સાચી સ્થિતિ જાણવા ડોક્ટરોએ સીટી સ્કેન (CT Scan) કરાવ્યું.
સીટી સ્કેનમાં દેખાઈ ખોપરી અને પાંસળીઓ
સીટી સ્કેનની 3D તસવીરોમાં પેટની અંદર મૃત ગર્ભની રચના સ્પષ્ટ જોવા મળી હતી. તેમાં ખોપરી, કરોડરજ્જુ, પાંસળીઓ તેમજ હાથ-પગનાં હાડકાં પણ દેખાતાં હતાં. આ સમગ્ર રચનાનું કદ લગભગ 18×12×10 સેન્ટિમીટર હતું.
ડોક્ટરોએ આ સ્થિતિને લિથોપેડિયન (Lithopedion) તરીકે ઓળખી હતી. સામાન્ય ભાષામાં તેને ‘સ્ટોન બેબી’ કહેવામાં આવે છે. આ સ્થિતિમાં મૃત ગર્ભની આસપાસ કેલ્શિયમનું પડ જામી જાય છે અને સમય જતાં તે પથ્થર જેવી સખત રચના બની જાય છે.
આખરે ગર્ભ પથ્થર જેવો કેવી રીતે બની જાય છે?
સામાન્ય રીતે ગર્ભનો વિકાસ ગર્ભાશયમાં થાય છે, પરંતુ કેટલાક દુર્લભ કિસ્સાઓમાં ગર્ભાશયની બહાર પેટની અંદર ગર્ભ વિકસવા લાગે છે. આ સ્થિતિને એબ્ડોમિનલ એક્ટોપિક પ્રેગ્નન્સી (Abdominal Ectopic Pregnancy) કહેવામાં આવે છે.
આવી ગર્ભાવસ્થામાં ગર્ભનો સામાન્ય વિકાસ મુશ્કેલ હોય છે અને ઘણી વખત ગર્ભનું મૃત્યુ થઈ જાય છે. ત્યારબાદ શરીર મૃત ગર્ભના પેશીઓને શોષવાનો પ્રયાસ કરે છે. પરંતુ ગર્ભનું કદ મોટું હોય અને શરીર તેને સંપૂર્ણપણે દૂર ન કરી શકે તો તેની આસપાસ કેલ્શિયમ જમા થવા લાગે છે. ધીમે ધીમે આ પડ સખત બનતાં ગર્ભ પથ્થર જેવી રચનામાં ફેરવાઈ જાય છે.
આ પ્રક્રિયાને શરીરની એક પ્રકારની રક્ષણાત્મક પ્રતિક્રિયા માનવામાં આવે છે, કારણ કે કેલ્શિયમનું પડ મૃત પેશીઓને આસપાસનાં અંગોથી અલગ રાખવામાં મદદ કરી શકે છે.
ઓપરેશન બાદ મહિલાની તબિયતમાં સુધારો
સીટી સ્કેનના રિપોર્ટ બાદ ડોક્ટરોએ મહિલાનું ઓપરેશન (Surgery) કરવાનો નિર્ણય લીધો હતો. સર્જરી દરમિયાન પેટની અંદર રહેલી કેલ્શિયમના સખત પડથી ઢંકાયેલી ગર્ભની રચનાને બહાર કાઢવામાં આવી હતી.
ઓપરેશનના બીજા દિવસે મહિલાને હળવો તાવ અને ઊલટી જેવી તકલીફ થઈ હતી. જોકે, સારવાર બાદ તેની સ્થિતિમાં સુધારો થયો અને તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. ત્યારબાદ લગભગ છ મહિના સુધી તેની તબિયત પર નજર રાખવામાં આવી હતી. આ સમયગાળામાં પેટનો દુખાવો સંપૂર્ણપણે દૂર થયો હતો અને તેની સ્થિતિ પણ સારી થઈ હતી.
દુનિયામાં અત્યાર સુધી માત્ર 330થી 340 કેસ નોંધાયા
લિથોપેડિયન તબીબી વિજ્ઞાનની અત્યંત દુર્લભ સ્થિતિ છે. ઉપલબ્ધ મેડિકલ રેકોર્ડ અનુસાર, આશરે 400 વર્ષના સમયગાળામાં દુનિયાભરમાં તેના માત્ર 330થી 340 જેટલા કેસ નોંધાયા છે. ઘણી વખત મહિલાઓને લાંબા સમય સુધી આ સ્થિતિની જાણ થતી નથી અને અન્ય કોઈ સમસ્યાની તપાસ દરમિયાન તેનો ખુલાસો થાય છે.
આ ઘટના ગર્ભાવસ્થા દરમિયાન સમયસર તબીબી તપાસ અને યોગ્ય સારવાર કેટલી જરૂરી છે તે દર્શાવે છે.











