ધોનીથી પંત સુધી... આ છે દર સિઝનના સૌથી મોંઘા ખેલાડી; હવે IPL 2026 માટે કોના પર લાગશે મોટી બોલી?

IPL ઓક્શનમાં દર વર્ષે નનવા રેકોર્ડ બને છે અને ખેલાડીઓની કિંમતોમાં સતત વધારો થયો છે. 2025માં રિષભ પંતને 27 કરોડ રૂપિયા મળ્યા પછી હવે પ્રશ્ન એ ઉભો થાય છે કે શું IPL 2026માં 30 કરોડ રૂપિયાનો આંકડો પાર થશે? આ પ્રશ્નનો જવાબ તો હવે 16 ડિસેમ્બરના રોજ અબુ ધાબીમાં યોજાનાર મિની ઓક્શનમાં જ જાણવા મળશે, તે પહેલા ચાલો તમને 2008થી 2025 સુધીની દરેક સિઝનના સૌથી મોંઘા ખેલાડી અને તેમને કઈ ટીમે ખરીદ્યા હતા તેના વિશે જણાવીએ.
2008: એમએસ ધોની (CSK), 9.5 કરોડ રૂપિયા
પહેલી સિઝન અને પહેલી મોટી બોલી. ધોનીને ચેન્નાઈ સુપર કિંગ્સ દ્વારા 9.5 કરોડ રૂપિયામાં ખરીદવામાં આવ્યો હતો, જે સંકેત આપે છે કે ફ્રેન્ચાઈઝી નવા યુગમાં મોટા નામો પર ભારે દાવ લગાવશે. અહીંથી IPLની માર્કી પ્લેયર ઓક્શનની પરંપરાની શરૂઆત થઈ. જોકે, ધોનીએ તે પછી ક્યારેય ઓક્શનમાં ભાગ નહતો લીધો. તેને દર વખતે રિટેન કરવામાં આવ્યો છે.
2009: કેવિન પીટરસન (RCB), એન્ડ્રુ ફ્લિન્ટોફ (CSK), 9..8 કરોડ રૂપિયા
બીજી સિઝનમાં, ઈંગ્લિશ સુપરસ્ટાર પર પૈસાનો વરસાદ થયો. દિગ્ગજ કેવિન પીટરસન અને ફ્લિન્ટોફ બંને 9.8 કરોડ રૂપિયામાં વેચાયા, જે શરૂઆતના દિવસોમાં ખૂબ મોટી રકમ માનવામાં આવતી હતી. જ્યારે પીટરસન ચોગ્ગા અને છગ્ગા ફટકારવામાં માહેર હતો, ત્યારે ફ્લિન્ટોફને તે સમયે વિશ્વના બેસ્ટ ઓલરાઉન્ડરોમાંથી એક માનવામાં આવતો હતો.
2010: શેન બોન્ડ (KKR), કિરોન પોલાર્ડ (MI), 4.8 કરોડ રૂપિયા
આ વર્ષે ઓછી પર્સ લિમિટને કારણે પ્રમાણમાં ઓછી બોલી લાગી, પરંતુ બોન્ડ અને પોલાર્ડ બંને તેમની ટીમો માટે ગેમ ચેન્જર સાબિત થયા. પોલાર્ડની વિસ્ફોટક ઈનિંગ્સ મુંબઈને ફાઈનલમાં લઈ ગઈ, પરંતુ ટીમ હારી ગઈ હતી.
2011: ગૌતમ ગંભીર (KKR), 14.9 કરોડ રૂપિયા
IPL 2011માં ગંભીર 14.9 કરોડ રૂપિયામાં વેચાયો અને બાદમાં તેણે કોલકાતા નાઈટ રાઈડર્સને બે ટાઇટલ જીતાડ્યા. આ ઓક્શનને IPLમાં ખેલાડીઓની કિંમતના નવા યુગની શરૂઆત માનવામાં આવે છે, જેમાં પહેલીવાર 10 કરોડ રૂપિયાનો આંકડો પાર થયો.
2012: રવિન્દ્ર જાડેજા (CSK), 12.8 કરોડ રૂપિયા
ચેન્નાઈ સુપર કિંગ્સે ઓલરાઉન્ડર જાડેજા પર 12.8 કરોડ રૂપિયા ખર્ચ્યા. આ વર્ષ ઓલરાઉન્ડર્સના વધતા મહત્ત્વને પ્રતિબિંબિત કરે છે. જાડેજા આ પછી 13 સિઝન સુધી CSKનો અભિન્ન ભાગ રહ્યો, જેના કારણે ટીમને ઘણી ટાઈટલ મેચ જીતવામાં મદદ મળી.
2013: ગ્લેન મેક્સવેલ (MI), 6.3 કરોડ રૂપિયા
મુંબઈએ ધ બિગ શો તરીકે ઓળખાતા મેક્સવેલને 6.3 કરોડ રૂપિયામાં સાઈન કર્યો. મેક્સવેલને તે સમયે ફાસ્ટ ક્રિકેટમાં સૌથી મોટા હિટર્સમાંનો એક માનવામાં આવતો હતો. જોકે, તે તેની પ્રતિષ્ઠા પર ખરો ઉતરવામાં નિષ્ફળ ગયો હતો. આમ છતાં મુંબઈ તે વર્ષે ટાઈટલ જીતવામાં સફળ રહ્યું હતું.
2014: યુવરાજ સિંહ (RCB), 14 કરોડ રૂપિયા
યુવરાજ કેન્સરમાંથી સાજા થયા પછી ક્રિકેટમાં પાછો ફર્યો અને છવાઈ ગયો. તેના નામની તરત અસર જોવા મળી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે યુવરાજ પર 14 કરોડ રૂપિયા ખર્ચ્યા. જોકે, તે સિઝનમાં યુવરાજનું પ્રદર્શન સારું નહતું રહ્યું\. RCBએ તેને સિઝન પછી રિલીઝ કર્યો હતો.
2015: યુવરાજ સિંહ (DD), 16 કરોડ રૂપિયા
યુવરાજ સતત બીજા વર્ષે સૌથી મોંઘો ખેલાડી રહ્યો, આ વર્ષે તેને 2014 કરતાં પણ 2 કરોડ રૂપિયા વધુ મળ્યા હતા. તે સમયે આ ઓક્શનનો રેકોર્ડ હતો. દિલ્હીએ યુવરાજમાં વિશ્વાસ દર્શાવ્યો, પરંતુ યુવરાજ દિલ્હી માટે પણ કંઈ ખાસ ન કરી શક્યો.
2016: શેન વોટસન (RCB), 9.5 કરોડ રૂપિયા
RCBએ વોટસનમાં રોકાણ કર્યું અને તે ટીમ માટે બેટિંગમાં નહીં પરંતુ બોલિંગમાં ઉપયોગી ખેલાડી સાબિત થયો વોટસને 179 રન બનાવ્યા પરંતુ 20 વિકેટ લીધી. આમ છતાં RCBએ વોટસન પર વિશ્વાસ ગુમાવ્યો અને તેને આગામી સિઝન પહેલા રિલીઝ કરવામાં આવ્યો.
2017: બેન સ્ટોક્સ (RPS), 14.5 કરોડ રૂપિયા
સ્ટોક્સના આગમનથી વિદેશી ઓલરાઉન્ડર્સનું મૂલ્ય વધુ વધ્યું. આ બોલીથી અંગ્રેજી ખેલાડીઓના IPL વેલ્યુમાં કાયમી વધારો થયો. રાઈઝિંગ પુણે સુપરજાયન્ટ્સે સ્ટોક્સ પર વિશ્વાસ દર્શાવ્યો અને ઊંચી બોલી લગાવી. સ્ટોક્સે IPL 2017માં શાનદાર પ્રદર્શન કર્યું હતું, તેણે 316 રન બનાવ્યા હતા અને 12 વિકેટ લીધી હતી. આ સ્ટોક્સનો પહેલો IPL હતો.
2018: બેન સ્ટોક્સ (RR), 12.5 કરોડ રૂપિયા
બેન સ્ટોક્સ પણ યુવરાજની જેમ સતત 2 વર્ષ માટે સૌથી મોંઘો ખેલાડી બન્યો હતો. આ વખતે રાજસ્થાને સ્ટોક્સ પર વિશ્વાસ દર્શાવ્યો હતો. જોકે, ઓક્શનની કિંમત પાછલી વખત કરતા થોડી ઓછી હતી. રાજસ્થાનમાં સ્ટોક્સનું પ્રદર્શન ખાસ પ્રભાવશાળી નહતું અને તે ઈજાઓથી પણ પીડાતો હતો.
2019: જયદેવ ઉનડકટ (KXIP), વરુણ ચક્રવર્તી(RR), 8.4 કરોડ રૂપિયા
ફ્રેન્ચાઈઝીઓએ બે ભારતીય ખેલાડીઓ પર સમાન ઊંચી બોલી લગાવી હતી. આમાં એક મીડીયમ પેસર અને એક મિસ્ટ્રી સ્પિનરનો સમાવેશ થતો હતો. ઉનડકટ તે સમયે સ્થાનિક ક્રિકેટમાં સારું પ્રદર્શન કર્યું હતું. મિસ્ટ્રી સ્પિનર હોવાને કારણે વરુણ પર ઊંચી બોલી લાગી હતી.
2020: પેટ કમિન્સ (KKR), 15.5 કરોડ રૂપિયા
2020થી શરૂ કરીને ફ્રેન્ચાઈઝીઓએ ફાસ્ટ બોલર્સની માંગમાં વધારો જોયો. આ વલણ વધુ તીવ્ર બન્યું. 2020માં, કમિન્સને KKR દ્વારા રેકોર્ડ કિંમતે ખરીદવામાં આવ્યો હતો. કમિન્સનું પ્રદર્શન પણ ઉત્તમ રહ્યું હતું.
2021: ક્રિસ મોરિસ (RR), 16.25 કરોડ રૂપિયા
મોરિસે યુવરાજનો રેકોર્ડ તોડ્યો. ઓલરાઉન્ડર્સ હંમેશા ઊંચી કિંમત મેળવે છે અને મોરિસે તે સાબિત કર્યું. જોકે, તે રાજસ્થાન માટે અપેક્ષા મુજબ પ્રદર્શન કરવામાં નિષ્ફળ ગયો હતો. આ મોરિસનો છેલ્લો IPL સાબિત થયો હતો.
2022: ઈશાન કિશન (MI), 15.25 કરોડ રૂપિયા
ભારતીય વિકેટકીપર-બેટ્સમેન માટે એક મોટી બોલી લાગી હતી. ઈશાન તે સમયે ખૂબ જ લોકપ્રિય હતો અને સૌથી મોંઘો ખેલાડી બન્યો હતો. ફ્રેન્ચાઈઝીએ ઈશાનની સિક્સ હિટિંગ ક્ષમતા પર વિશ્વાસ મૂક્યો અને તેણે તે સાચું સાબિત કર્યું.
2023: સેમ કરન (PBKS), 18.5 કરોડ રૂપિયા
સેમ કરન ઐતિહાસિક કિંમતે વેચાયો. પંજાબની ટીમે ઈંગ્લિશ ઓલરાઉન્ડરમાં ફરીથી વિશ્વાસ મૂક્યો. તે 2022માં ઈંગ્લેન્ડની T20 વર્લ્ડ કપ ટીમનો ભાગ હતો અને તેને પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ પણ જાહેર કરવામાં આવ્યો હતો. આ સિઝનમાં તેને ટીમની કેપ્ટનશિપ પણ સોંપવામાં આવી હતી. જોકે, તેનું પ્રદર્શન નબળું રહ્યું હતું.
2024: મિશેલ સ્ટાર્ક (KKR), 24.75 કરોડ રૂપિયા
સ્ટાર્ક પર IPL ઈતિહાસમાં રેકોર્ડ બોલી લાગી હતી. આ હરાજીની અત્યાર સુધીની સૌથી મોટી રકમ હતી. આ સાથે 20 કરોડ આંકડોનો પહેલીવાર પાર થયો હતો. સ્ટાર્કે આ પસંદગીને યોગ્ય સાબિત કરી, કારણ કે KKR એ 2024માં IPL ટાઈટલ જીત્યું હતું. સ્ટાર્ક ક્વોલિફાયર અને ફાઈનલમાં પ્લેયર ઓફ ધ મેચ રહ્યો હતો.
2025: રિષભ પંત (LSG), 27 કરોડ રૂપિયા
લખનૌ સુપર જાયન્ટ્સે પંતને ખરીદીને ઈતિહાસ રચ્યો હતો. IPLમાં પહેલીવાર કોઈ ખેલાડીની કિંમત 25 કરોડને પાર કરીને 27 કરોડ સુધી પહોંચી ગઈ. આ સાથે તે IPL ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી છે.
IPL 2026માં સૌથી મોંઘો ખેલાડી કોણ હશે?
ઈતિહાસ દર્શાવે છે કે દર વખતે ઓલરાઉન્ડર ઊંચી કિંમતે વેચાય છે, પરંતુ ફાસ્ટ બોલરના ભાવ પણ વધ્યા છે. ફ્રેન્ચાઈઝીઓ ભારતીય સ્ટાર્સ પર પોતાના પૈસા ખર્ચ કરે છે કારણ કે પ્લેઈંગ ઈલેવનમાં માત્ર 4 વિદેશી ખેલાડીઓ જ પસંદ કરી શકાય છે. તો શું IPL 2026માં 30 કરોડનો આંકડો પર થશે? હાલમાં, 26 વર્ષીય ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર કેમેરોન ગ્રીનને આ ઓક્શનમાં ફેવરિટ માનવામાં આવે છે.

