IND vs NZ / પહેલી ઈનિંગમાં યશસ્વી જયસ્વાલ સદી ચૂક્યો, પરંતુ ગૌતમ ગંભીરને પાછળ છોડી દીધો

યશસ્વી જયસ્વાલ ન્યુઝીલેન્ડ સામેની પહેલી ટેસ્ટમાં સદી ન ફટકારી શક્યો, પરંતુ તેણે ખાસ રેન્કિંગમાં પોતાના જ હેડ કોચ ગૌતમ ગંભીરને પાછળ છોડી દીધો છે. ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચેની પહેલી ટેસ્ટ વેલિંગ્ટનમાં રમાઈ રહી છે. ટોસ હારીને પહેલા બેટિંગ કરવા આવેલા ન્યુઝીલેન્ડે પ્રથમ ઈનિંગમાં 368 રન બનાવ્યા હતા. એક સમયે ન્યુઝીલેન્ડે 70 રન બનાવીને 5 વિકેટ ગુમાવી દીધી હતી, ત્યારે હેનરી નિકલ્સ અને ગ્લેન ફિલિપ્સની બેવડી સદીની પાર્ટનરશિપે ટીમને મુશ્કેલીમાંથી બહાર કાઢીને ન્યુઝીલેન્ડને મોટા સ્કોર તરફ પણ દોરી. ફિલિપ્સે 118 રન બનાવ્યા, જ્યારે નિકલ્સ 175 રન બનાવીને અણનમ રહ્યો. ન્યુઝીલેન્ડને જવાબ આપતા, યશસ્વી જયસ્વાલ અને કેએલ રાહુલે ભારતને ધમાકેદાર શરૂઆત અપાવી, પ્રથમ વિકેટ માટે 130 રન ઉમેર્યા. જયસ્વાલે 85 રન બનાવ્યા, તે 15 રનથી સદી ચૂકી ગયો. મેટ હેનરીએ તેને પવેલિયન પાછો મોકલ્યો.
યશસ્વી જયસ્વાલે ગંભીરને પાછળ છોડી દીધો
SENA દેશો એટલે કે સાઉથ આફ્રિકા, ઈંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયામાં યશસ્વી જયસ્વાલનો આ આઠમો 50થી વધુનો સ્કોર હતો. તેણે આ દેશોમાં ભારતીય ઓપનર તરીકે સૌથી વધુ 50 પ્લસ સ્કોર માટે ગૌતમ ગંભીરને પાછળ છોડી દીધો. SENA દેશોમાં ગંભીરના સાત 50 પ્લસ સ્કોર છે. જયસ્વાલ હવે મુરલી વિજય, વીરેન્દ્ર સેહવાગ, કેએલ રાહુલ અને સુનીલ ગાવસ્કર જેવા સ્ટાર ખેલાડીઓથી પાછળ છે. SENA દેશોમાં ભારતીય ઓપનર દ્વારા સૌથી વધુ 50 પ્લસ સ્કોરનો રેકોર્ડ ગાવસ્કરના નામે છે, જેમાં 19 50 પ્લસ સ્કોર છે.
SENA ટેસ્ટમાં સૌથી વધુ 50+ સ્કોર ધરાવતા ભારતીય ઓપનર્સ
- 19 - સુનિલ ગાવસ્કર
- 12 - કેએલ રાહુલ*
- 10 - વીરેન્દ્ર સેહવાગ
- 9 - મુરલી વિજય
- 8 - યશસ્વી જયસ્વાલ*
- 7 - ગૌતમ ગંભીર
SENA દેશોમાં જયસ્વાલના આઠ 50 પ્લસ સ્કોરમાં પર્થમાં ઓસ્ટ્રેલિયા સામે 161 રનની ઈનિંગનો સમાવેશ થાય છે. તેણે મેલબર્નમાં 82 અને 84 રન પણ બનાવ્યા. તેણે લીડ્સમાં ઈંગ્લેન્ડ સામે સદી ફટકારી 101 રન બનાવ્યા હતા. બર્મિંગહામમાં 87, માન્ચેસ્ટરમાં 58 અને ઓવલમાં 118 રનનો રેકોર્ડ તેના નામે છે. જયસ્વાલે હવે વેલિંગ્ટનમાં 85 રન બનાવ્યા છે. જયસ્વાલની SENA દેશોમાં છેલ્લી પરીક્ષા હજુ સાઉથ આફ્રિકામાં રમવાની બાકી છે.









