ન્યૂઝીલેન્ડની પ્રથમ ઈનિંગ 368 રનમાં સમેટાઈ,બુમરાહની 4 વિકેટ

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે વેલિંગ્ટનના બેસિન રિઝર્વ ખાતે રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ મેચના બીજા દિવસે (20 નવેમ્બર) ન્યૂઝીલેન્ડની પ્રથમ ઈનિંગ 368 રનમાં સમેટાઈ ગઈ છે. શરૂઆતમાં 70 રનમાં 5 વિકેટ ગુમાવ્યા બાદ કીવી ટીમે જોરદાર પુનરાગમન કર્યું હતું, અને હવે ભારતીય બેટ્સમેનો મેદાનમાં ઉતરશે.
પડિક્કલની ભૂલ ભારે પડી: હેનરી નિકોલ્સ 175* રને અણનમ
ભારત સામેની ટેસ્ટમાં 102 રને દેવદત્ત પડિક્કલે હેનરી નિકોલ્સનો કેચ છોડ્યો હતો, જેનાથી ઋષભ પંત અને શુભમન ગિલ નારાજ થયા હતા. 70/5 પર મુશ્કેલીમાં મુકાયેલા ન્યુઝીલેન્ડને નિકોલ્સ અને ગ્લેન ફિલિપ્સે સંભાળ્યું. પ્રથમ દિવસે 243/5 બાદ હવે હેનરી નિકોલ્સ 175* રને અણનમ રહ્યો અને ન્યૂઝીલેન્ડની ટીમ 368 રનમાં ઓલઆઉટ થઈ.
નિકોલ્સના અણનમ 175 અને ફિલિપ્સની સદી
પ્રથમ દિવસે શાનદાર બેટિંગ કરનાર હેનરી નિકોલ્સ અને ગ્લેન ફિલિપ્સે બીજા દિવસે પણ પોતાની લય જાળવી રાખી હતી. ગ્લેન ફિલિપ્સે ટેસ્ટ કારકિર્દીની બીજી સદી પૂર્ણ કરતાં 216 બોલમાં 14 ચોગ્ગાની મદદથી 118 રન બનાવ્યા હતા અને આકાશ દીપના બોલ પર બોલ્ડ થયો હતો. ફિલિપ્સ અને નિકોલ્સ વચ્ચે છઠ્ઠી વિકેટ માટે 216 રનની મહત્વપૂર્ણ ભાગીદારી નોંધાઈ હતી.
બીજા છેડે હેનરી નિકોલ્સ અંત સુધી અણનમ રહ્યો હતો. તેણે 335 બોલમાં 21 ચોગ્ગા સાથે 175* રનની મક્કમ ઈનિંગ્સ રમી હતી. આ તેનું ટેસ્ટ કારકિર્દીનું 12મું અને આ મેદાન પર પાંચમું સદી હતું.
પૂંછડિયા બેટ્સમેનો ઝડપથી આઉટ, બુમરાહના 4 શિકાર
ફિલિપ્સના આઉટ થયા બાદ ન્યૂઝીલેન્ડના બાકીના બેટ્સમેનો લાંબો સમય ટકી શક્યા નહોતા. નાથન સ્મિથ (14) પ્રસિદ્ધ કૃષ્ણાનો શિકાર બન્યો, જ્યારે કાઈલ જેમિસન (11) ને આકાશ દીપે આઉટ કર્યો. મેટ હેનરી (1) ને જસપ્રીત બુમરાહે LBW કર્યો અને આખરી વિકેટ જેકબ ડફી (4) ના રૂપમાં પડી, જેને અંશુલ કંબોજે આઉટ કર્યો.
ભારતીય બોલિંગમાં જસપ્રીત બુમરાહે સૌથી વધુ 4 વિકેટ ઝડપી હતી. આકાશ દીપે 3 વિકેટ, અંશુલ કંબોજે 2 વિકેટ અને પ્રસિદ્ધ કૃષ્ણાએ 1 વિકેટ મેળવી હતી.
બંને ટીમોનો રેકોર્ડ અને પ્લેઈંગ-11
ટેસ્ટ ઈતિહાસમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે અત્યાર સુધીમાં કુલ 65 મેચ રમાઈ છે, જેમાં ભારતે ૨૨ અને ન્યૂઝીલેન્ડે 16 મેચ જીતી છે, જ્યારે 27 મેચ ડ્રો રહી છે.
ભારતની પ્લેઈંગ-11: યશસ્વી જાયસ્વાલ, કેએલ રાહુલ, દેવદત્ત પડિક્કલ, શુભમન ગિલ (કેપ્ટન), ઋષભ પંત (વિકેટકીપર), ધ્રુવ જુરેલ, વોશિંગ્ટન સુંદર, આકાશ દીપ, પ્રસિદ્ધ કૃષ્ણા, અંશુલ કંબોજ અને જસપ્રીત બુમરાહ.
ન્યૂઝીલેન્ડની પ્લેઈંગ-11: ટોમ લાથમ (કેપ્ટન), ડેવોન કોનવે, હેનરી નિકોલ્સ, રચિન રવિન્દ્ર, ડેરિલ મિચેલ, ટોમ બ્લંડેલ (વિકેટકીપર), ગ્લેન ફિલિપ્સ, નાથન સ્મિથ, મેટ હેનરી, કાઈલ જેમિસન અને જેકબ ડફી.










