"PM મોદીને મળ્યા બાદ મારી કિસ્મત ચમકી ગઈ", ધમાકેદાર ફોર્મમાં પરત ફરેલા સૂર્યકુમાર યાદવ હવે ટીમ ઈન્ડિયામાં કમબેક માટે તૈયાર

સૂર્યકુમાર યાદવ 6 નવેમ્બરના રોજ પોતાના પરિવાર સાથે વડાપ્રધાન મોદીને મળ્યા હતા. દેશની રાજધાનીમાં યોજાયેલા સમારોહ દરમિયાન વર્લ્ડ ચેમ્પિયન ભારતીય કેપ્ટને જણાવ્યું હતું કે મોદીજીને મળ્યા બાદ તેમનું નસીબ ચમકી ગયું અને તેમણે રન બનાવવાનું શરૂ કરી દીધું. સૂર્યકુમાર યાદવને સમારોહમાં આઉટસ્ટેન્ડિંગ અચીવમેન્ટ ઍવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
સૂર્યાના કહેવા મુજબ, તેમને બિલકુલ અંદાજ નહોતો કે પીએમ મોદી તેમની સાથે આટલો સમય વિતાવશે. બંને વચ્ચે લગભગ 40-45 મિનિટ સુધી વાતચીત થઈ હતી.
"મને લાગે છે કે તે મુલાકાત મારા માટે ઘણી લકી રહી. મેં ત્યારબાદ ફરીથી રન બનાવવાનું શરૂ કરી દીધું. તે ખૂબ જ સુંદર મુલાકાત હતી. અમને લાગ્યું હતું કે વડાપ્રધાન માત્ર પાંચ કે 10 મિનિટ આપશે, પરંતુ તેમણે મને અને મારા પરિવારને લગભગ 40-45 મિનિટનો સમય આપ્યો. આ ખૂબ જ સુંદર ક્ષણ હતી. મેં તેમને પૂછ્યું કે તેઓ તમામ પરિસ્થિતિઓને કેવી રીતે સંભાળે છે. અમે ક્રિકેટ રમીએ છીએ અને ઘણીવાર દબાણ અનુભવીએ છીએ, પરંતુ હું જાણવા માંગતો હતો કે જ્યારે તેઓ આટલી બધી જવાબદારીઓ સંભાળે છે ત્યારે પોતે દબાણનો સામનો કેવી રીતે કરે છે. તેમણે મારા તમામ પ્રશ્નોના ખૂબ જ સારા જવાબ આપ્યા. આ એકદમ હળવી-ફુલ્કી અને સારી વાતચીત રહી."
સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં સૂર્યકુમારની બેસ્ટ બેટિંગ
સૂર્યકુમાર યાદવે સૈયદ મુશ્તાક અલી ટ્રોફી 2026-27માં મુંબઈની કેપ્ટનશીપ કરતાં પોતાના જૂના અંદાજમાં બેટિંગ કરી છે. તેમણે 14 નવેમ્બરના રોજ હૈદરાબાદ સામે માત્ર 21 બોલમાં અણનમ 60 રન ફટકારી દીધા હતા. તેની આ ઇનિંગમાં છ ચોગ્ગા અને પાંચ છગ્ગા સામેલ હતા. ત્યારબાદ ગુજરાત સામે માત્ર 29 બોલમાં 82 રનની વિસ્ફોટક ઇનિંગ રમી હતી. ગોવા સામેના આગામી મુકાબલામાં પણ તેમણે 12 બોલમાં 25 રન બનાવ્યા હતા. તેની ઇનિંગમાં ત્રણ છગ્ગા સામેલ રહ્યા હતા. મુંબઈએ આ મુકાબલો 18 રનથી જીત્યો હતો.
IPLમાં ખરાબ પ્રદર્શન બાદ ગઈ હતી કેપ્ટનશીપ
સૂર્યકુમાર યાદવ માટે ગત આઈપીએલ (IPL) સીઝન અપેક્ષા મુજબની રહી નહોતી, તેમણે 13 ઇનિંગ્સમાં માત્ર 269 રન બનાવ્યા હતા. તેમના આ પ્રદર્શનને ભારતીય ટી20 ટીમની કેપ્ટનશીપમાં ફેરફાર થવાનું એક કારણ માનવામાં આવ્યું હતું. જૂનમાં પસંદગીકારોએ શ્રેયસ અય્યરને ભારતના ટી-20 કેપ્ટન નિયુક્ત કર્યા હતા. સૂર્યાની કેપ્ટનશીપમાં ભારતે 2026 ટી-20 વિશ્વ કપનું સફળતાપૂર્વક રક્ષણ કર્યું હતું અને સતત બીજી વખત ખિતાબ જીતનારી પ્રથમ ટીમ બની હતી. આ ટૂર્નામેન્ટમાં સૂર્યકુમારે નવ ઇનિંગ્સમાં 242 રન બનાવ્યા હતા. અમેરિકા સામે તેમની 84 રનની મેચ વિનિંગ ઇનિંગ પણ ઘણી મહત્વપૂર્ણ રહી હતી.








