ભીના મેદાને બગાડી કાનપુર ટેસ્ટ મેચની રમત, જાણો ભારતના કયા સ્ટેડિયમમાં છે બેસ્ટ ડ્રેનેજ સિસ્ટમ
કાનપુરના ગ્રીન પાર્કમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બીજી

કાનપુરના ગ્રીન પાર્કમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બીજી ટેસ્ટ રમાઈ રહી છે. મેચના ત્રણ દિવસ પૂર્ણ થયા છે, પરંતુ રમત માત્ર એક દિવસ માટે જ રમાઈ છે. બાકીના બે દિવસ વરસાદ ખાબક્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે, મેચના ત્રીજા દિવસે જરાય વરસાદ ન હતો, પરંતુ ભીના આઉટફિલ્ડને કારણે મેચ શરૂ થઈ શકી ન હતી. વરસાદના કારણે ગ્રીન પાર્કની ડ્રેનેજ વ્યવસ્થા પર અનેક સવાલો ઉઠી રહ્યા છે. ઘણા લોકો સોશિયલ મીડિયા પર દાવો કરી રહ્યા છે કે, ગ્રીન પાર્કના જૂના સ્ટેડિયમમાં ડ્રેનેજની કોઈ વ્યવસ્થા નથી, જેના કારણે વરસાદી પાણીનો નિકાલ થઈ શકતો નથી. તો આ ચાલો જાણીએ કે ભારતના કયા સ્ટેડિયમમાં સૌથી સારી ડ્રેનેજ સિસ્ટમ છે.
બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી પાસે છે બેસ્ટ ડ્રેનેજ સિસ્ટમ?
સોશિયલ મીડિયા પર એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ભારતના બેંગલુરુમાં સ્થિત એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં બેસ્ટ ડ્રેનેજ સિસ્ટમ છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં એમ. ચિન્નાસ્વામીની ડ્રેનેજ સિસ્ટમનો નમૂનો બતાવવામાં આવી રહ્યો છે.
વીડિયોમાં જોઈ શકાય છે કે, પહેલા સ્ટેડિયમમાં પાણી રેડવામાં આવે છે અને પછી થોડીવાર રાહ જોવામાં આવે છે. થોડીવાર પછી પાણી લગભગ સંપૂર્ણપણે ગાયબ થઈ જાય છે. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં આવું પહેલીવાર જોવા મળ્યું નથી, પરંતુ આ પહેલા પણ જોવા મળ્યું છે. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં IPL 2024ની મેચ દરમિયાન વરસાદ પડ્યો હતો, ત્યારબાદ પણ એક એવું જ દ્રશ્ય જોવા મળ્યું હતું, જ્યાં આંખો સામેથી પાણી ગાયબ થઈ ગયું હતું.
ટેસ્ટ રદ થયા બાદ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ડ્રેનેજ સિસ્ટમ બનાવવામાં આવી હતી
ઉલ્લેખનીય છે કે, 2015માં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાયેલી ટેસ્ટ રદ કરવામાં આવી હતી. 81 ઓવરની રમત બાદ વરસાદના કારણે મેચ ફરી શરૂ થઈ શકી ન હતી. ત્યારબાદ આખરે મેચ રદ્દ કરવી પડી હતી. અહેવાલો અનુસાર, આ ટેસ્ટ રદ્દ થયા પછી, 2016 અને 2017ની વચ્ચે 7 મહિનાની અંદર, કર્ણાટક સ્ટેટ ક્રિકેટ એસોસિએશને સ્ટેડિયમમાં સબ એર સિસ્ટમ ઇન્સ્ટોલ કરી. આ સિસ્ટમ સ્ટેડિયમ માટે વરદાન બની હતી. રિપોર્ટ્સ અનુસાર, આ સિસ્ટમ લગાવવા પાછળ લગભગ 4.5 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો.






