IND vs WI / બીજી ટેસ્ટમાં કાળી પટ્ટી બાંધીને રમવા ઉતરી વેસ્ટ ઈન્ડિઝની ટીમ, ચેમ્પિયન ક્રિકેટર સાથે છે કનેક્શન

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ટેસ્ટ સિરીઝની બીજી અને છેલ્લી મેચ શુક્રવાર, 10 ઓક્ટોબરના રોજ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે શરૂ થઈ છે. ભારતીય કેપ્ટન શુભમન ગિલે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો, એટલે કે વેસ્ટ ઈન્ડિઝની પહેલા બોલિંગ કરી રહી છે. શુભમન ગિલે ટેસ્ટ ક્રિકેટમાં પહેલીવાર ટોસ જીત્યો હતો. તે અગાઉની છ ટેસ્ટ મેચમાં ટોસ હારી ગયો હતો.
આ મેચના પહેલા દિવસે, રોસ્ટન ચેઝની આગેવાની હેઠળ વેસ્ટ ઈન્ડિઝની ટીમ કાળી પટ્ટી બાંધીને ફિલ્ડિંગ કરવા ઉતરી હતી. મુલાકાતી ટીમે બર્નાર્ડ જુલિયનની યાદમાં આવું કર્યું હતું. જુલિયનનું 4 ઓક્ટોબરના રોજ ત્રિનિદાદ અને ટોબેગોના વોલ્સલમાં અવસાન થયું. તેઓ 75 વર્ષના હતા.
બર્નાર્ડ જુલિયને 1973-77 દરમિયાન વેસ્ટ ઈન્ડિઝ માટે 24 ટેસ્ટ અને 12 ODI મેચ રમી હતી. ટેસ્ટ ક્રિકેટમાં, જુલિયને 30.92ની એવરેજથી 866 રન બનાવ્યા હતા, જેમાં 2 સદી અને 3 અડધી સદીનો સમાવેશ થાય છે. જુલિયને ટેસ્ટ મેચોમાં 37.36ની સરેરાશથી 50 વિકેટ પણ લીધી હતી.
વર્લ્ડ કપ વિજેતા ટીમનો પણ ભાગ
બર્નાર્ડ જુલિયને 12 ODI મેચમાં 14.33ની એવરેજથી 86 રન બનાવ્યા હતા. ડાબા હાથના ઓલરાઉન્ડર, જુલિયને ODIમાં 25.72ની એવરેજથી 18 વિકેટ લીધી હતી. જુલિયન 1975માં ODI વર્લ્ડ કપ જીતનાર વેસ્ટ ઈન્ડિઝ ટીમના ભાગ રહ્યા હતા, તે ODI વર્લ્ડ કપની પ્રથમ એડિશન હતી.
બીજી ટેસ્ટ માટે બંને ટીમોની પ્લેઈંગ ઈલેવન
નોંધનીય છે કે વેસ્ટ ઈન્ડિઝે દિલ્હી ટેસ્ટ મેચ માટે તેની ટીમમાં બે ફેરફાર કર્યા હતા. બ્રાન્ડન કિંગ અને જોહાન લિનને બહાર કરવામાં આવ્યા હતા. તેના સ્થાને, વિકેટકીપર ટેવિન ઈમલાચ અને ફાસ્ટ બોલર એન્ડરસન ફિલિપને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવ્યા હતા. દરમિયાન, ભારતીય ટીમની પ્લેઈંગ ઈલેવનમાં કોઈ ફેરફાર નથી કરવામાં આવ્યો.
ભારત: યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, સાઈ સુદર્શન, શુભમન ગિલ (કેપ્ટન), ધ્રુવ જુરેલ (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદર, નીતિશ કુમાર રેડ્ડી, કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ
વેસ્ટ ઈન્ડિઝ: તેગનારાયણ ચંદ્રપોલ, જોન કેમ્પબેલ, એલિક એથાનાઝ, શે હોપ (વિકેટકીપર), રોસ્ટન ચેઝ (કેપ્ટન), ટેવિન ઈમલાચ, જસ્ટિન ગ્રીવ્સ, જોમેલ વોરિકન, ખારી પિયર, એન્ડરસન ફિલિપ, જેડેન સીલ્સ.

