IND vs WI / ગિલની કેપ્ટનશિપ હેઠળ પહેલીવાર થયું આવું, 6 ટેસ્ટ પછી આવ્યો આ 'શુભ' દિવસ

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે બીજી ટેસ્ટ મેચ રમાઈ રહી છે. ભારતીય કેપ્ટન શુભમન ગિલે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો. ટેસ્ટ કેપ્ટન તરીકે આ તેણે પહેલો ટોસ જીત્યો છે. બીજી ટેસ્ટ માટે ભારતીય પ્લેઈંગ ઈલેવનમાં કોઈ ફેરફાર નથી કર્યો.
શુભમન ગિલે પોતાનો પહેલો ટેસ્ટ ટોસ જીત્યો
રોહિત શર્માએ ટેસ્ટ ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધા પછી શુભમન ગિલને નવા ટેસ્ટ કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યો હતો. ત્યારબાદ, તેણે ઈંગ્લેન્ડ પ્રવાસ પર 5 ટેસ્ટ મેચમાં કેપ્ટનશિપ કરી, જેમાં દરેક વખતે ટોસ હાર્યો. ત્યારબાદ તે વેસ્ટ ઈન્ડિઝ સામેની પહેલી ટેસ્ટમાં પણ ટોસ હારી ગયો હતો.પરંતુ હવે, તેની ટેસ્ટ કેપ્ટનશિપમાં આખરે તેના માટે શુભ દિવસ આવી ગયો છે, જ્યારે તે વેસ્ટ ઈન્ડિઝ સામેની બીજી ટેસ્ટમાં ટોસ જીત્યો છે.
ગિલે પ્રથમ ટોસ જીતતા પહેલા 6 મેચ રમી
શુભમન ગિલ ટોસ જીતતા પહેલા રમાયેલી સૌથી વધુ ટેસ્ટ મેચમાં સંયુક્ત રીતે બીજા ક્રમે છે. ગિલ અને ન્યુઝીલેન્ડના ટોમ લેથમે ટોસ જીત્યા પહેલા છ ટેસ્ટ મેચ રમી હતી. દરમિયાન, ન્યુઝીલેન્ડના બેવન કોંગડને ટેસ્ટમાં પહેલો ટોસ જીત્યા પહેલા 7 મેચ રમી હતી. જો ગિલ બીજી ટેસ્ટમાં ટોસ હારી ગયો હોત, તો તેણે બેવનના રેકોર્ડની બરાબરી કરી હોત.
શુભમન ગિલનો કેપ્ટનશિપ રેકોર્ડ
શુભમન ગિલે અત્યાર સુધી 6 ટેસ્ટ મેચમાં ભારતીય ટીમનું નેતૃત્વ કર્યું છે, જેમાં 3માં જીત અને 2માં હારનો સામનો કરવો પડ્યો છે, જ્યારે એક મેચ ડ્રો રહી છે. તે પોતાની સાતમી ટેસ્ટમાં ભારતીય ટીમનું નેતૃત્વ કરી રહ્યો છે.
બીજી ટેસ્ટ માટે ભારતીય ટીમની પ્લેઈંગ ઈલેવનમાં ત્રણ સ્પિનર્સ, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ અને વોશિંગ્ટન સુંદરને પસંદ કરવામાં આવ્યા છે. જસપ્રીત બુમરાહને ફાસ્ટ બોલિંગ એટેકનું નેતૃત્વ કરવાની જવાબદારી સોંપવામાં આવી છે, તેનો સાથ દેવા માટે મોહમ્મદ સિરાજનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, બેટિંગ ક્રમમાં, બધાની નજર સાઈ સુદર્શન અને યશસ્વી જયસ્વાલ પર રહેશે, જેઓ પ્રથમ ટેસ્ટમાં સારું પ્રદર્શન નહતા કરી શક્યા.

