IND-W vs SA-W / આ ઓવરમાં જીતેલી મેચ હારી ભારતીય ટીમ, નદિન ડી ક્લાર્કે પલટી બાજી

હાલમાં વિમેન્સ ODI વર્લ્ડ કપ 2025 ચાલી રહ્યો છે. જેમાં 9 ઓક્ટોબરે રમાયેલી મેચમાં, સાઉથ આફ્રિકાની વિમેન્સ ટીમે ભારતને 3 વિકેટથી હરાવ્યું હતું. એક સમયે ભારતની પકડમાં રહેલી મેચ અંતિમ ઓવર્સમાં સરકી ગઈ. નદિન ડી ક્લાર્કની વિસ્ફોટક બેટિંગે સાઉથ આફ્રિકા માટે મેચ પલટી નાખી. આ જીત સાથે, સાઉથ આફ્રિકાએ ટુર્નામેન્ટની પોતાની બીજી મેચ જીતી લીધી, જ્યારે ભારતને ટુર્નામેન્ટની પહેલી બંને મેચમાં જીત મળ્યા બાદ ત્રીજી મેચમાં હારનો સામનો કરવો પડ્યો.
ભારત તરફથી મળેલા 252 રનનો ટાર્ગેટ ચેઝ કરતા સાઉથ આફ્રિકાની ટીમે 48.5 ઓવરમાં 3 વિકેટથી જીત મેળવી. કેપ્ટન લૌરા વોલ્વાર્ડે 70 રનની શાનદાર ઈનિંગ રમી, જ્યારે ક્લો ટ્રાયોને 49 રન બનાવ્યા. જોકે, જીતની સાચી હીરો નદિન ડી ક્લાર્ક હતી, જેણે માત્ર 54 બોલમાં અણનમ 84 રન બનાવ્યા, જેમાં 8 ચોગ્ગા અને 5 છગ્ગાનો સમાવેશ થાય છે.
47મી ઓવરમાં પલટી ગઈ મેચ
જ્યારે સાઉથ આફ્રિકાને 24 બોલમાં 41 રનની જરૂર હતી, ત્યારે એવું લાગતું હતું કે મેચ ભારતમાં પક્ષમાં છે. જોકે, 47મી ઓવરમાં, નદિને ભારતીય બોલર ક્રાંતિ ગૌડની બોલ પર 2 છગ્ગા અને 1 ચોગ્ગા ફટકારીને 18 રન બનાવ્યા, જેનાથી પરિસ્થિતિ પલટાઈ ગઈ. તેની સંયમિત બેટિંગે સાઉથ આફ્રિકાને સાત બોલ બાકી રહેતા જીત અપાવી.
નદિન ડી ક્લાર્કે માત્ર બેટથી જ નહીં પરંતુ બોલથી પણ યોગદાન આપ્યું. તેણે ભારતની ઈનિંગમાં બે વિકેટ લીધી અને બાદમાં બેટથી મેચ ફિનિશરની ભૂમિકા ભજવી. તેને તેના ઉત્તમ ઓલરાઉન્ડ પ્રદર્શન માટે પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવી હતી.
રિચા ઘોષની શાનદાર ઈનિંગ વ્યર્થ ગઈ
અગાઉ, પ્રથમ બેટિંગ કરતા, ભારતે 49.5 ઓવરમાં 251 રન બનાવ્યા હતા. વિકેટકીપર-બેટ્સમેન રિચા ઘોષે 94 રનની શાનદાર ઈનિંગ રમી હતી. મંધાના (43) અને પ્રતિકા રાવલ વચ્ચેની પાર્ટનરશિપથી ભારતે સારી શરૂઆત કરી હતી, પરંતુ વચ્ચેની ઓવર્સમાં વિકેટ ગુમાવવાની શરૂ કરી. એક સમયે, ટીમ 6 વિકેટે 102 રન પર હતી.
આ પછી રિચાએ અમનજોત કૌર અને પછી સ્નેહ રાણા સાથે મળીને ભારતની ઈનિંગને સ્થિર કતી. સ્નેહ સાથે, તેણે 88 રનની પાર્ટનરશિપ કરીને ભારતને 250 રન સુધી પહોંચાડ્યું, પરંતુ તે સદીથી માત્ર 6 રન દૂર રહી. રિચા 77 બોલમાં 94 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. આ ઈનિંગમાં તેણે 11 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા હતા.
ક્લો ટ્રાયોને ત્રણ વિકેટ લીધી
ક્લો ટ્રાયોન સાઉથ આફ્રિકા માટે સૌથી સફળ બોલર હતી. તેણે 10 ઓવરમાં માત્ર 32 રન આપીને 3 વિકેટ લીધી હતી. આયાલા અને નદિનીએ 2-2 વિકેટ લીધી હતી.

