ભારતીય ટીમના સ્ટાર પ્લેયર રિંકુ સિંહને મળી અંડરવર્લ્ડની ધમકી, આ ગેંગે માંગ્યા 5 કરોડ રૂપિયા

ભારતીય ક્રિકેટ ટીમના ઉભરતા સ્ટાર રિંકુ સિંહને અંડરવર્લ્ડમાંથી 5 કરોડ રૂપિયાની ખંડણીની ધમકી મળી છે. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે ખુલાસો કર્યો છે કે, આ ધમકી તેને ડી કંપની અર્થાત મોસ્ટ વોન્ટેડ ગેંગસ્ટર દાઉદ ઈબ્રાહિમની ગેંગ તરફથી મળી છે. ફેબ્રુઆરીથી એપ્રિલ, 2025 દરમિયાન રિંકુની પ્રમોશનલ ટીમને ખંડણીની માંગ કરતા ત્રણ ધમકીભર્યા મેસેજ મળ્યા હતા.
જિશાન સિદ્દિકી પાસે પણ ખંડણીની માંગ
NCP નેતા બાબા સિદ્દિકીની હત્યા બાદ તેમના પુત્ર જિશાન સિદ્દિકી પાસે પણ આ ગેંગે 10 કરોડ રૂપિયાની ખંડણી માગી હતી. આ મામલે ત્રિનિદાદ અને ટોબેગોમાંથી આરોપી મોહમ્મદ દિલશાદ અને મોહમ્મદ નવીદની ધરપકડ કરવામાં આવી હતી. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે જણાવ્યું હતું કે, આ ધમકીભર્યા ખંડણીના મેસેજ રિંકુ સિંહની પ્રમોશનલ ટીમને મળ્યા હતા. જ્યારે જિશાનને 19-21 એપ્રિલ દરમિયાન ખંડણીના ધમકીભર્યા ઈમેઈલ મળ્યા હતા.
ક્રિકેટની દુનિયાનો ઉભરતો સ્ટાર
ઉત્તરપ્રદેશના નાનકડા શહેર અલીગઢનો રહેવાસી રિંકુ સામાન્ય પરિવારમાંથી આવે છે. તે પોતાની મહેનતના જોર પર ટીમ ઈન્ડિયાનો ઉભરતો સ્ટાર બન્યો છે. તેના પિતા ખાનચંદ સિંહ સિલિન્ડર ડિલિવરીનું કામ કરતા હતા. ક્રિકેટ રમવાના ચક્કરમાં રિંકુએ ઘણીવખત પિતાના હાથનો માર ખાધો હતો. પરંતુ તે પોતાની અથાગ મહેનત અને પરિશ્રમના જોર પર ક્રિકેટની દુનિયામાં નામ હાંસલ કરવા સફળ રહ્યો છે.
સાંસદ સાથે કરી સગાઈ
IPLમાં કોલકાતા નાઈટ રાઈડર્સ તરફથી રમનારા રિંકુ સિંહ એશિયા કપમાં ચોગ્ગો ફટકારી પાકિસ્તાન વિરૂદ્ધ ફાઈનલ મેચનો જીતનો હીરો બન્યો હતો. રિંકુએ જોનપુરના મછલીશહેરમાંથી સાંસદ પ્રિયા સરોજ સાથે સગાઈ કરી હતી. સમાજવાદી પાર્ટીની ટિકિટ પર સાંસદ પ્રિયાના પિતા અનેક વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે. તેમના લગ્ન લખનૌમાં થવાના છે. આ લગ્નમાં અનેક રાજનેતાઓ અને VIP હસ્તીઓ હાજર રહી શકે છે.

