ટીમ ઈન્ડિયામાં જગ્યા ન મળવા પર મોહમ્મદ શમીએ તોડ્યું મૌન, કહ્યું- 'મારી ફિટનેસમાં કોઈ સમસ્યા...'

ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને તાજેતરમાં ફરી એક વાર નેશનલ ટીમમાં સ્થાન નથી મળ્યું. શમીને 19 ઓક્ટોબરથી શરૂ થઈ રહેલા ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ટીમમાં સામેલ નથી કરવામાં આવ્યો. 35 વર્ષીય શમી છેલ્લે ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ટીમ ઈન્ડિયા માટે રમ્યો હતો. તે ફિટનેસની સમસ્યાનો સામનો કરી રહ્યો છે. જોકે, તે IPL અને બંગાળના ઘરેલુ ક્રિકેટમાં એક્ટિવ છે.
ટીમમાં સ્થાન ન મળતા મોહમ્મદ શમીનું દર્દ છલકાયું
હવે ટીમ ઈન્ડિયામાં સિલેક્શન ન થવા પર શમીએ પોતાની યુટ્યુબ ચેનલ પર એક વીડિયોમાં પોતાનું મૌન તોડ્યું અને સ્પષ્ટતા આપી છે. તેણે કહ્યું કે, "ઓસ્ટ્રેલિયા સિરીઝ માટે મારું સિલેક્શન ન થવા અંગે લોકો મારો અભિપ્રાય જાણવા માંગે છે. હું માત્ર એટલું જ કહેવા માગુ છું કે, કે સિલેક્શનનો નિર્ણય મારા હાથમાં નથી, તે સિલેકશન કમિટી, કોચ અને કેપ્ટનની જવાબદારી છે. જો તેમને લાગે કે, મારે ટીમમાં હોવું જોઈએ, તો તેઓ મને પસંદ કરશે, અથવા જો તેમને લાગે કે મને વધુ સમયની જરૂર છે, તો તે તેમનો નિર્ણય છે. હું તૈયાર છું અને પ્રેક્ટિસ કરી રહ્યો છું."
વાસ્તવમાં થોડા દિવસ પહેલા ઇન્સ્ટાગ્રામ પર મોહમ્મદ શમીએ ફેન્સને સવાલ પૂછવા માટે અપીલ કરી હતી. જેમાં ફેન્સે તેને ઘણા મજેદાર અને રસપ્રદ સવાલ પૂછ્યા હતા. ત્યારબાદ જ શમીએ પોતાની YouTube ચેનલ પર ખુલીને પોતાનો અભિપ્રાય આપ્યો.
શમીએ આગળ કહ્યું કે, "મારી ફિટનેસ સારી છે અને હું વધુ સુધારો કરવાનો પ્રયાસ કરીશ કારણ કે જ્યારે તમે મેદાનથી દૂર હોવ છો, ત્યારે તમારે મોટિવેટ રહેવું પડે છે. હું દુલીપ ટ્રોફીમાં રમ્યો, મને ખૂબ જ આરામદાયક લાગ્યું, મારી લય સારી હતી, અને મેં લગભગ 35 ઓવર બોલિંગ કરી. મારી ફિટનેસમાં કોઈ સમસ્યા નથી."
હવે શમીનો આગળનો ટાર્ગેટ શું છે?
શમીએ આ દરમિયાન એક ફેનના સવાલનો જવાબ પણ આપ્યો, જેમાં તેને પૂછવામાં આવ્યું હતું કે, 'તમારો આગળનો ટાર્ગેટ શું છે.' શમીએ કહ્યું કે, "કારણ કે હું ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર નથી જઈ રહ્યો, તેથી મારું સંપૂર્ણ ફોકસ હવે ડોમેસ્ટિક ક્રિકેટ રમવા પર રહેશે. હું હમણાં જ દુલીપ ટ્રોફી રમીને પાછો ફર્યો છું, ત્યાં 35 ઓવર બોલિંગ કરી અને મને કોઈ સમસ્યા ન થઈ. હવે હું આગામી ડોમેસ્ટિક સિઝન માટે તૈયાર છું."
શમીનું સિલેક્શન, મુકેશ કુમાર બહાર
બીજી તરફ આગામી રણજી ટ્રોફી સીઝન માટે બંગાળની ટીમનું એલાન થઈ ગયું છે. અભિમન્યુ ઈશ્વરનને ફરી એકવાર ટીમની કમાન સોંપવામાં આવી છે. 2022-23 સીઝન દરમિયાન ખરાબ ફોર્મ અને ઈન્ડિયા-Aના કમીટમેન્ટને કારણે તેને બંગાળના કેપ્ટન પદ પરથી હટાવી દેવામાં આવ્યો હતો. ટોપ-ઓર્ડર બેટ્સમેન તરીકે તે છેલ્લા ત્રણ વર્ષથી ભારતીય ટેસ્ટ ટીમનો રિઝર્વ ખેલાડી રહ્યો છે, પરંતુ તેણે હજુ સુધી ડેબ્યુ નથી કર્યું.
શમી અને ઈશ્વરન ઉપરાંત બંગાળની ટીમમાં પ્રતિભાશાળી વિકેટકીપર-બેટ્સમેન અભિષેક પોરેલ પણ સામેલ છે. આકાશ દીપ અને ઈશાન પોરેલ પણ ટીમમાં છે. જોકે, મુકેશ કુમારને ટીમમાં સ્થાન નથી મળ્યું.
બંગાળ પોતાની રણજી ટ્રોફીની શરૂઆત 15 ઓક્ટોબરે ઈડન ગાર્ડન્સમાં ઉત્તરાખંડ સામે કરશે, ત્યારબાદ તે 25 ઓક્ટોબરે ગુજરાત સામે પોતાની બીજી મેચ રમશે.
રણજી ટ્રોફી માટે બંગાળની ટીમ
અભિમન્યુ ઈશ્વરન (કેપ્ટન), અભિષેક પોરેલ (વાઈસ-કેપ્ટન/વિકેટકીપર), સુદીપ કુમાર ઘરામી, અનુસ્તુપ મજુમદાર, સુદીપ ચેટર્જી, સુમંત ગુપ્તા, સૌરભ કે.આર. સિંહ, વિશાલ ભાટી, મોહમ્મદ શમી, આકાશ દીપ, સૂરજ સિંધુ જયસ્વાલ, શાકિર હબીબ ગાંધી (વિકેટકીપર), ઈશાન પોરેલ, કાઝી જુનેદ સૈફી, રાહુલ પ્રસાદ, સુમિત મોહંતા, વિકાસ સિંહ.

