રોહિત શર્મા-વિરાટ કોહલી ઓસ્ટ્રેલિયા સિરીઝ બાદ લઇ શકે છે સંન્યાસ, પૂર્વ ક્રિકેટરનો મોટો દાવો

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ બેટ્સમેન મનોજ તિવારીનું કહેવું છે કે રોહિત શર્મા અને વિરાટ કોહલી ઓસ્ટ્રેલિયા પ્રવાસ બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી રિટાયર્ડ થઇ જશે. તિવારીએ કહ્યું કે જે વ્યવહાર આ બન્ને ખેલાડી સાથે કરવામાં આવી રહ્યો છે તેને તે સહન નહીં કરી શકે.
રોહિત શર્માને ઓસ્ટ્રેલિયા સામે વન ડે કેપ્ટન પદેથી હટાવાયો
રોહિત શર્માને ઓસ્ટ્રેલિયા સિરીઝ પહેલા વન ડે કેપ્ટન પદેથી હટાવી દેવામાં આવ્યો છે. રોહિત શર્માની જગ્યાએ શુભમન ગિલને વન ડે ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. રોહિત શર્મા અને વિરાટ કોહલી શુભમન ગિલની કેપ્ટન્સીમાં વન ડે મેચ રમશે. બન્ને ખેલાડી 2027નો વર્લ્ડકપ રમવા માંગે છે પરંતુ વર્તમાન સ્થિતિને જોતા આ શક્ય લાગતું નથી.
BCCIના મુખ્ય પસંદગીકાર અજીત અગરકરે 4 ઓક્ટોબરે પત્રકાર પરિષદ યોજી રોહિત શર્માને વન ડે ટીમના કેપ્ટન પદેથી હટાવવાની જાહેરાત કરી હતી. અગરકરે શનિવારે શુભમન ગિલને વન ડે ટીમનો કેપ્ટન બનાવવાની જાહેરાત કરી હતી. અજીત અગરકરે જણાવ્યું કે રોહિત શર્મા અને વિરાટ કોહલીનું 2027ના વર્લ્ડકપમાં રમવાનું હજુ નક્કી નથી.
રોહિત-વિરાટ સાથે સારો વ્યવહાર કરવામાં આવતો નથી
મનોજ તિવારીએ કહ્યું, 'વિરાટ કોહલી અને રોહિત શર્માએ ભારતીય ક્રિકેટમાં જે રીતનું યોગદાન આપ્યું છે તે બાદ જો તેમની સાથે આવો વ્યવહાર કરવામાં આવે છે તો આ ઘણુ અપમાનજનક છે. મને એવું લાગે છે કે આ બન્ને જલદી સંન્યાસની જાહેરાત કરી શકે છે. ઓસ્ટ્રેલિયા સિરીઝ બાદ આ શક્ય બની શકે.
રોહિત શર્માની કેપ્ટન્સીમાં 7 મહિના પહેલા ભારતે જીત્યો હતો ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ
રોહિત શર્માએ સાત મહિના પહેલા પોતાની કેપ્ટન્સીમાં UAEમાં ભારતને ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીતાડ્યો હતો. વન ડેમાં કેપ્ટન તરીકે જીતની ટકાવારી સારી છે. વન ડેમાં કેપ્ટન તરીકે વિનિંગ પર્સન્ટેજ 75નો રહ્યો છે. હિટમેનના નામથી જાણીતા ખેલાડીએ વન ડેમાં 56 મેચમાં ભારતની કેપ્ટન્સી કરી છે જેમાંથી 42 મેચમાં જીત મળી છે.
આત્મસમ્માનને કારણે વિરાટ કોહલીએ ટેસ્ટમાંથી લીધો હતો સંન્યાસ
મનોજ તિવારીનું કહેવું છે કે વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટ એટલા માટે છોડી દીધુ કારણ કે તે વર્તમાન ટીમ મેનેજમેન્ટના વલણથી કંટાળી ગયો હતો અને તેની સાથે સારો વ્યવહાર પણ કરવામાં આવતો નહતો.વિરાટ કોહલીએ આત્મસમ્માનને કારણે આવું કર્યું. વિરાટ કોહલીની કેપ્ટન્સીમાં ભારતે 68 ટેસ્ટ મેચ રમી છે જેમાંથી 40 ટેસ્ટ મેચ જીતી હતી.

