ઓલિમ્પિક મેડલ વિજેતા અમન સેહરાવત પર લાગ્યો એક વર્ષનો પ્રતિબંધ, જાણો WFI એ કેમ લીધો આ નિર્ણય

રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI) એ એક મોટો નિર્ણય લેતા પેરિસ ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીતનાર રેસલર અમન સેહરાવતને એક વર્ષ માટે બેન કરી દીધો છે. આ પ્રતિબંધ સાથે, અમન આગામી એક વર્ષ સુધી રેસલિંગ સંબંધિત કોઈપણ પ્રવૃત્તિઓમાં ભાગ લઈ નહીં શકે. ગયા વર્ષે પેરિસ ઓલિમ્પિકમાં જ્યારે અમને બ્રોન્ઝ મેડલ જીત્યો, ત્યારે તે ઓલિમ્પિક મેડલ જીતનાર સૌથી નાની ઉંમરનો ભારતીય એથ્લેટ બન્યો હતો. અમને માત્ર 21 વર્ષ અને 24 દિવસની ઉંમરે ઓલિમ્પિક મેડલ જીત્યો હતો.
WFI એ આ કારણે ભર્યું આવું પગલું
WFI દ્વારા સિનિયર વર્લ્ડ ચેમ્પિયનશિપમાંથી સ્પર્ધા કર્યા વિના બહાર થઈ ગયા બાદ અમન સેહરાવત પર એક વર્ષ માટે બેન મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેણે મેન્સ ફ્રીસ્ટાઇલ 57 કિગ્રા વજન કેટેગરીમાં ભાગ લેવાનો હતો. ઈવેન્ટના એક દિવસ પહેલા તેનું વજન નિર્ધારિત વજન મર્યાદા કરતાં 1.7 કિલો વધુ હોવાનું જાણવા મળતાં તેને સ્પર્ધામાંથી ગેરલાયક ઠેરવવામાં આવ્યો હતો. સમાચાર એજન્સી PTI અનુસાર, WFI એ અમનને બેન કરવાની સાથે તેને પત્ર પણ મોકલ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે, "કારણ બતાવો નોટિસની તારીખથી એક વર્ષ માટે તમને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે રેસલિંગ સંબંધિત તમામ પ્રવૃત્તિઓમાંથી બેન કરવામાં આવે છે. આ નિર્ણય અંતિમ છે. બેનના સમયગાળા દરમિયાન, તમને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે WFI દ્વારા આયોજિત અથવા મંજૂર કરાયેલ કોઈપણ પ્રવૃત્તિઓમાં ભાગ લેવા અથવા તેમાં જોડાવાથી પ્રતિબંધિત કરવામાં આવ્યા છે."
અમન સેહરાવત પાસેથી ખુલાસો માંગવામાં આવ્યો
રેસલિંગમાંથી એક વર્ષ માટે પ્રતિબંધિત કરાયેલા અમન સેહરાવતને 23 સપ્ટેમ્બર, 2025ના રોજ WFI દ્વારા કારણ બતાવો નોટિસ જારી કરવામાં આવી હતી, જેમાં ખુલાસો માંગવામાં આવ્યો હતો. ફેડરેશને હવે જણાવ્યું છે કે અમનના જવાબને શિસ્ત સમિતિ દ્વારા અસંતોષકારક જણાવવામાં આવ્ય હતો, જેમાં 29 સપ્ટેમ્બરના રોજ આપેલા તેમના જવાબની યોગ્ય સમીક્ષા કરી હતી. વધુમાં, મુખ્ય કોચ અને સહાયક કોચિંગ સ્ટાફ પાસેથી સ્પષ્ટતા માંગવામાં આવી હતી, જેના પગલે કડક શિસ્તબદ્ધ કાર્યવાહી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. તમને જણાવી દઈએ કે અમન હવે 2026માં યોજાનારી એશિયન ગેમ્સમાં ભાગ લઈ નહીં શકે, કારણ કે તે 19 સપ્ટેમ્બરથી 4 ઓક્ટોબર દરમિયાન યોજાવાની છે. અમનનો પ્રતિબંધ ત્યાં સુધી સમાપ્ત નહીં થાય.

