'સૂરજ પોતાના સમય ઉપર જ.... ' સરફરાઝના શતક પર વોર્નરે આપ્યું હિન્દીમાં રિએક્શન
ભારત વિરુદ્ધ ન્યૂઝીલેન્ડની પ્રથમ ટેસ્ટમાં સરફરાઝ ખાને શનિવારે શાનદાર સદી ફટકારી હતી. તેણે ચોથા દિવસે બેંગલુરુના

ભારત વિરુદ્ધ ન્યૂઝીલેન્ડની પ્રથમ ટેસ્ટમાં સરફરાઝ ખાને શનિવારે શાનદાર સદી ફટકારી હતી. તેણે ચોથા દિવસે બેંગલુરુના મેદાન પર 110 બોલમાં પોતાની પ્રથમ આંતરરાષ્ટ્રીય સદી પૂરી કરી. મિડલ ઓર્ડર બેટ્સમેન સરફરાઝે ફરી સાબિત કર્યું કે તેનામાં મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કરવાની હિંમત છે. સખત સંઘર્ષ બાદ ભારતીય ટીમમાં સ્થાન મેળવનાર સરફરાઝના ખૂબ વખાણ થઈ રહ્યા છે. ઓસ્ટ્રેલિયાના પૂર્વ ઓપનર ડેવિડ વોર્નરે પણ તેની સદી પર પ્રતિક્રિયા આપી છે.
વોર્નરે 26 વર્ષીય સરફરાઝની મહેનતની પ્રશંસા કરતા હૃદયસ્પર્શી વાત કરી. તેણે ઈન્સ્ટોરી પર લખ્યું, “સરફરાઝ શાબાશ. અત્યંત મહેનત કરી છે. આ (સદી) જોઈને બહુ જ સારું લાગ્યું.'' વોર્નરે સરફરાઝની તસવીરોના કોલાજ પર હિન્દીમાં લખેલું છે, રાતને સમય પસાર થવા દો, સૂરજ પોતાના સમય પર જ ઉગશે.
જણાવી દઈએ કે, સરફરાઝે ફેબ્રુઆરી 2024માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. તેણે કારકિર્દીની ચોથી ટેસ્ટમાં સદી ફટકારવાની સિદ્ધિ હાંસલ કરી છે. તેણે ત્રણ અડધી સદીની ઇનિંગ્સ રમી છે. સ્થાનિક ક્રિકેટમાં ધમાલ મચાવ્યા બાદ તેને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કરવાની તક મળી. તેણે 51 ફર્સ્ટ ક્લાસ મેચોમાં 69.09ની શાનદાર એવરેજથી 4422 રન બનાવ્યા. સરફરાઝે આ દરમિયાન 15 સદી અને 14 અડધી સદી ફટકારી હતી. તેમને ભારતીય સ્થાનિક ક્રિકેટના 'ડોન બ્રેડમેન' પણ કહેવામાં આવે છે.
સરફરાઝની સદી પર વોર્નરની પોસ્ટ
શનિવારે પ્રથમ સેશનમાં સરફરાઝની સદી અને રિષભ પંતની અડધી સદી બાદ વરસાદના કારણે રમત રોકાઈ હતી. રમત રોકવામાં આવી ત્યારે બીજા દાવમાં ભારતનો સ્કોર ત્રણ વિકેટે 344 રન હતો. સરફરાઝ 125 રન અને પંત 53 રન બનાવીને અણનમ છે. સરફરાઝે ત્રીજા દિવસે ત્રીજી વિકેટ માટે વિરાટ કોહલી (70) સાથે 136 રનની ભાગીદારી કરી હતી. ભારતનો પ્રથમ દાવ માત્ર 46 રન પર જ સમેટાઈ ગયો હતો જેના જવાબમાં ન્યૂઝીલેન્ડે 402 રન બનાવ્યા હતા.






