વિરાટ કોહલીએ 13 વર્ષ પહેલા આજના દિવસે કર્યો હતો ટેસ્ટ ક્રિકેટમાં પ્રવેશ, ત્યારબાદ બન્યો ભારતનો સૌથી સફળ કેપ્ટન
ટીમ ઈન્ડિયા પાસે વિરાટ કોહલીના રૂપમાં અનોખો હીરો મળ્યો છે. કોહલી માત્ર ભારતના જ નહીં પરંતુ ક્રિકેટ જગતના

ટીમ ઈન્ડિયા પાસે વિરાટ કોહલીના રૂપમાં અનોખો હીરો મળ્યો છે. કોહલી માત્ર ભારતના જ નહીં પરંતુ ક્રિકેટ જગતના શ્રેષ્ઠ બેટ્સમેનોમાંનો એક છે. તેણે 13 વર્ષ પહેલા 2011માં આજના દિવસે એટલે કે 20મી જૂને ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. કોહલી ભારતીય ટેસ્ટ ક્રિકેટ ટીમના સૌથી સફળ કેપ્ટન તરીકે ઉભરી આવ્યો. તેણે ટેસ્ટ કેપ્ટનશિપમાં એમએસ ધોની સહિત ઘણા દિગ્ગજ કેપ્ટનોને પાછળ છોડ્યા હતા.
એમએસ ધોની બાદ કિંગ કોહલીએ ભારતીય ટેસ્ટ ટીમની કમાન સંભાળી હતી. કોહલી કેપ્ટન બનતા પહેલા ધોની ટીમ ઈન્ડિયાનો સૌથી સફળ કેપ્ટન હતો. ધોનીની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયાએ 60માંથી 27 ટેસ્ટ જીતી હતી. ત્યારબાદ વિરાટ કોહલીની કેપ્ટન્સીમાં ભારતીય ટીમે 68માંથી 40 ટેસ્ટ મેચ જીતી હતી. કોહલીની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયાએ સૌથી વધુ ટેસ્ટ મેચ જીતી છે. તમને જણાવી દઈએ કે કોહલીએ વેસ્ટ ઈન્ડિઝ વિરૂદ્ધ ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું અને અત્યાર સુધીમાં તે 113 રેડ બોલ મેચ રમી ચૂક્યો છે. કોહલીની કેપ્ટન્સીમાં ભારતીય ટેસ્ટ ટીમમાં ઘણા ફેરફારો જોવા મળ્યા હતા.
ટેસ્ટમાં કોહલીનું પ્રદર્શન
કોહલીએ ટીમ ઈન્ડિયા માટે અત્યાર સુધીમાં 113 ટેસ્ટ રમી છે. આ મેચોની 191 ઈનિંગ્સમાં તેણે 49.15ની એવરેજથી 8848 રન બનાવ્યા હતા. આ સમયગાળા દરમિયાન, તેણે 7 બેવડી સદી સહિત 29 સદી અને 30 અડધી સદી ફટકારી છે. ટેસ્ટ ક્રિકેટમાં કોહલીનો સર્વોચ્ચ સ્કોર 254* રન હતો. અત્યાર સુધી તેણે ટેસ્ટમાં 26 સિક્સ અને 991 ફોર ફટકારી છે.
ટેસ્ટ ક્રિકેટમાં કોહલીના નામે ઘણા રેકોર્ડ છે. કોહલી ક્રિકેટ જગતનો છઠ્ઠો ખેલાડી છે જેણે ટેસ્ટ કેપ્ટન તરીકે સૌથી વધુ મેચ રમી છે. કોહલીએ કેપ્ટન તરીકે 68 ટેસ્ટ રમી હતી. આ યાદીમાં સાઉથ આફ્રિકાનો ગ્રીમ સ્મિથ ટોચના સ્થાને છે, જેણે ટેસ્ટ કેપ્ટન તરીકે 109 મેચ રમી હતી.






