મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

IND vs AUS / વિરાટ કોહલીએ પર્થમાં બનાવ્યા અનેક રેકોર્ડ્સ, સચિન અને ડોન બ્રેડમેનને પાછળ છોડ્યા

6 વર્ષ બાદ ટેસ્ટ ક્રિકેટ રમવા પર્થ પરત ફરેલા વિરાટ કોહલીએ આ શહેર પ્રત્યેનો પોતાનો પ્રેમ

IND vs AUS /  વિરાટ કોહલીએ પર્થમાં બનાવ્યા અનેક રેકોર્ડ્સ, સચિન અને ડોન બ્રેડમેનને પાછળ છોડ્યા

6 વર્ષ બાદ ટેસ્ટ ક્રિકેટ રમવા પર્થ પરત ફરેલા વિરાટ કોહલીએ આ શહેર પ્રત્યેનો પોતાનો પ્રેમ જાળવી રાખ્યો છે. લાંબા સમયથી મોટી ઈનિંગ્સ રમવામાં નિષ્ફળ રહેલા વિરાટે પર્થમાં પોતાનો જલવો દેખાડ્યો હતો. ઓપ્ટસ સ્ટેડિયમમાં રમાઈ રહેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની પ્રથમ મેચના ત્રીજા દિવસે વિરાટ કોહલીએ શાનદાર સદી ફટકારી હતી. બીજી ઈનિંગમાં, યશસ્વી જયસ્વાલ અને કેએલ રાહુલની શાનદાર શરૂઆત બાદ, વિરાટે ચાર્જ સંભાળ્યો અને તેની ટેસ્ટ કારકિર્દીની 30મી સદી ફટકારી. આ સદી સાથે વિરાટે સચિન તેંડુલકર અને ડોન બ્રેડમેન જેવા મહાન બેટ્સમેનોને પણ પાછળ છોડી દીધા છે.

આ પણ વાંચો: IND vs AUS / ત્રીજા દિવસની રમત સમાપ્ત, ઓસ્ટ્રેલિયા બીજા ઈનીંગમાં 12/3, જીતથી 7 વિકેટ દૂર ભારત

ઘણા સમયથી વિરાટ કોહલી મોટી ઈનિંગની રાહ જોઈ રહ્યો હતો અને તેના પર સવાલો ઉઠી રહ્યા હતા. આવી સ્થિતિમાં, એવી અપેક્ષા રાખવામાં આવી રહી હતી કે તે ઓસ્ટ્રેલિયામાં આ રાહનો અંત લાવશે કારણ કે તેનું બેટ હંમેશા ઓસ્ટ્રેલિયાની ધરતી પર ચાલ્યું છે. પ્રથમ ઈનિંગમાં માત્ર 5 રન બનાવીને આઉટ થયેલા કોહલીએ બીજી ઈનિંગમાં કમબેક કર્યું અને 491 દિવસ બાદ ટેસ્ટ ક્રિકેટમાં સદીના દુષ્કાળનો અંત આણ્યો. વિરાટે આ ઈનિંગ સાથે કેટલાક શાનદાર રેકોર્ડ પણ બનાવ્યા છે. વિરાટના ઈન્ટરનેશનલ કરિયરની આ 81મી સદી છે અને તેણે માત્ર 603 ઈનિંગ્સમાં આ સિદ્ધિ મેળવી છે.

પર્થમાં વિરાટએ બનાવ્યા આટલા રેકોર્ડ્સ

વિરાટ કોહલીએ પોતાના ટેસ્ટ કરિયરની 30મી સદી ફટકારી છે. આ સાથે તે ટેસ્ટમાં 30 કે તેથી વધુ સદી ફટકારનાર ચોથો ભારતીય બની ગયો છે. તેના પહેલા સચિન તેંડુલકર (51), રાહુલ દ્રવિડ (36) અને સુનીલ ગાવસ્કર (34) આ કારનામું કરી ચૂક્યા છે.

આ સદી સાથે વિરાટ કોહલીએ મહાન બેટ્સમેન સર ડોન બ્રેડમેનને પાછળ છોડી દીધા છે. બ્રેડમેને 29 સદી ફટકારી હતી. રસપ્રદ વાત એ છે કે વિરાટે ઓસ્ટ્રેલિયામાં જ બ્રેડમેનને પાછળ છોડી દીધા છે.

ઓસ્ટ્રેલિયાની ધરતી પર વિરાટ કોહલીની આ 7મી ટેસ્ટ સદી છે, જે કોઈપણ ભારતીય બેટ્સમેન દ્વારા સૌથી વધુ છે. તેણે સચિન (6) નો રેકોર્ડ તોડ્યો હતો.

ઓસ્ટ્રેલિયાની ધરતી પર સૌથી વધુ સદી ફટકારનાર વિદેશી ખેલાડીઓમાં વિરાટ કોહલી બીજા નંબર પર આવી ગયો છે. તેણે ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ દિગ્ગજ ખેલાડી વોલી હેમન્ડ (7) ની બરાબરી કરી છે. તેનાથી આગળ ઈંગ્લેન્ડના મહાન બેટ્સમેન જેક હોબ્સ (11) છે.

વિરાટ કોહલીએ ઓસ્ટ્રેલિયા સામે પોતાની ટેસ્ટ કારકિર્દીની 9મી સદી ફટકારી હતી. સચિન તેંડુલકર (11) બાદ તે ઓસ્ટ્રેલિયા સામે સૌથી વધુ સદી ફટકારનાર બીજો ભારતીય બન્યો.

આ સાથે જ તેણે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીના ઈતિહાસમાં સૌથી વધુ સદી ફટકારવાના મામલે સચિનના રેકોર્ડની બરાબરી કરી લીધી છે. બંનેના નામે હવે 9-9 સદી છે.

વિરાટ કોહલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં 2000 રન પૂરા કરનાર પાંચમો ભારતીય બેટ્સમેન બન્યો છે. તેના પહેલા સચિન તેંડુલકર, રાહુલ દ્રવિડ, વીવીએસ લક્ષ્મણ અને ચેતેશ્વર પુજારા આ કામ કરી ચૂક્યા છે.

આ સમાચાર શેર કરો