U19 World Cup 2026 / ફાઈનલમાં ઈંગ્લેન્ડ સામે ટકરાશે ભારત, જાણી લો ટાઈટલ મુકાબલાની વિગતો
અંડર-19 વર્લ્ડ કપ તેના અંતિમ તબક્કામાં પહોંચી ગયો છે અને હવે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટાઈટલ મેચ રમાશે. બંન

અંડર-19 વર્લ્ડ કપ તેના અંતિમ તબક્કામાં પહોંચી ગયો છે અને હવે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટાઈટલ મેચ રમાશે. બંને ટીમો સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન ઉત્તમ ફોર્મમાં રહી છે અને એક પણ મેચ હાર્યા વિના ફાઈનલમાં પહોંચી છે. ક્રિકેટ ફેન્સ વધુ એક રોમાંચક સ્પર્ધા જોવાની અપેક્ષા રાખી રહ્યા છે.
ટીમ ઈન્ડિયા રેકોર્ડબ્રેક પ્રદર્શન સાથે ફાઇનલમાં પહોંચી
ભારતીય અંડર-19 ટીમે સેમીફાઈનલમાં અફઘાનિસ્તાનને હરાવીને રેકોર્ડ દસમી વખત વર્લ્ડ કપ ફાઈનલમાં પ્રવેશ કર્યો છે. ભારત સતત છઠ્ઠી વખત ટાઇટલ મેચ રમશે, જે એક મહત્વપૂર્ણ સિદ્ધિ છે. અગાઉ ઓસ્ટ્રેલિયા છ વખત ફાઈનલમાં પહોંચી ચૂક્યું છે, પરંતુ ભારત આ સંદર્ભમાં આગળ છે.
ઈંગ્લેન્ડ પણ ઉત્તમ ફોર્મમાં
બીજી બાજુ ઈંગ્લેન્ડે સેમીફાઈનલમાં ડિફેન્ડીંગ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાને હરાવીને ફઈનલમાં સ્થાન મેળવ્યું છે. ઈંગ્લેન્ડની ટીમ પણ સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન એક પણ મેચ નથી હારી. તેની બેટિંગ લાઈન-અપ અને બોલિંગ યુનિટે સતત સારું પ્રદર્શન કર્યું છે. આવી સ્થિતિમાં ઈંગ્લેન્ડ ફાઈનલમાં ભારત સામે કઠિન પડકાર ઉભો કરી શકે છે.
હેડ-ટુ-હેડ રેકોર્ડ
જો આપણે અંડર-19 યુથ ODIમાં બંને ટીમો વચ્ચેની મેચો પર નજર કરીએ તો, ભારતનું પલડું ભારે હોય તેવું લાગે છે. ભારત અને ઈંગ્લેન્ડ અત્યાર સુધીમાં 55 વખત એકબીજા સામે આવી ચૂક્યા છે, જેમાં ભારતે 41 મેચમાં જીત મેળવી છે. જ્યારે ઈંગ્લેન્ડે માત્ર 13 મેચ જીતી છે, જ્યારે એક મેચ ડ્રો રહી છે. આંકડા ભારતની તરફેણમાં હોઈ શકે છે, પરંતુ ફાઈનલમાં દબાણ હેઠળ કંઈપણ થઈ શકે છે.
ફાઇનલ ક્યારે અને ક્યાં રમાશે?
અંડર-19 વર્લ્ડ કપ 2026ની ફાઇનલ 6 ફેબ્રુઆરી, શુક્રવારના રોજ રમાશે. આ મેચ ઝિમ્બાબ્વેના હરારે સ્પોર્ટ્સ ક્લબ ખાતે રમાશે. આ મેચ સ્થાનિક સમય મુજબ સવારે 9:30 વાગ્યે શરૂ થશે, જ્યારે ભારતીય સમય મુજબ પહેલો બોલ બપોરે 1:00 વાગ્યે ફેંકાશે અને ટોસ બપોરે 12:30 વાગ્યે ઉછાળવામાં આવશે.
લાઈવ ટેલિકાસ્ટ અને સ્ટ્રીમિંગ ક્યાં જોવું
ભારતમાં આ મોટી મેચનું લાઈવ ટેલિકાસ્ટ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર કરવામાં આવશે. ફેન્સ JioHotstar એપ અને તેની વેબસાઈટ દ્વારા મોબાઇલ અને ઓનલાઈન પ્લેટફોર્મ પર પણ મેચનું લાઈવ સ્ટ્રીમિંગ જોઈ શકશે.
ફાઇનલ માટે બંને ટીમો
ભારત: આયુષ મ્હાત્રે (કેપ્ટન), આર.એસ. અંબરીશ, કનિષ્ક ચૌહાણ, દીપેશ દેવેન્દ્રન, મોહમ્મદ અનાન, એરોન જ્યોર્જ, અભિજ્ઞાન કુંડુ, કિશન કુમાર સિંહ, વિહાન મલ્હોત્રા, ઉદય મોહન, હેમિલ પટેલ, ખિલન એ. પટેલ, હર્ષવર્ધન સિંહ, વૈભવ સૂર્યવંશી, વેદાંત ત્રિવેદી.
ઇંગ્લેન્ડ: થોમસ રેવ (કેપ્ટન), ફરહાન અહમદ, રોકી એલર્ટ, બિલ વિસન, બેન ડોકિન્સ, કાલેબ ફોલ્કનર, અલી ફારૂક, એલેક્સ ફ્રેન્ચ, એલેક્સ ગ્રીન, લ્યુક હેન્ડરસન, મેની લાર્ડન, બેન મેયર, જેમ્સ મીટો, જો મૂર્સ, સેબેસ્ટિયન મોર્ગન.








