VIDEO: નામના હીરો, પરફોર્મન્સમાં ઝીરો! IPL 2026ના પહેલા અઠવાડિયામાં ફ્લોપ રહ્યા આ ખેલાડીઓ
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની 19મી સિઝનનું પહેલું અઠવાડિયું ઉત્સાહ, નજીકની મેચો અને કેટલાક આશ્ચર્યજનક પર


ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની 19મી સિઝનનું પહેલું અઠવાડિયું ઉત્સાહ, નજીકની મેચો અને કેટલાક આશ્ચર્યજનક પરિણામોથી ભરેલું હતું. જ્યારે કેટલાક નવા અને અજાણ્યા ખેલાડીઓએ તેમના શાનદાર પ્રદર્શનથી પ્રભાવિત કર્યા, ત્યારે કેટલાક એવા પણ હતા જે અપેક્ષાઓ પર ખરા ઉતરવામાં નિષ્ફળ ગયા.
જોકે IPL 2026 હજુ તેના પ્રારંભિક તબક્કામાં છે, પરંતુ સતત નબળા પ્રદર્શનને કારણે કેટલાક સ્ટાર ખેલાડીઓ શરૂઆતના અઠવાડિયાના 'ફ્લોપ ખેલાડીઓ' ની યાદીમાં જોડાયા છે. ચાલો 5 એવા સ્ટાર ખેલાડીઓ પર એક નજર કરીએ જેમની વર્તમાન સિઝનમાં શરૂઆત નિરાશાજનક રહી હતી.
અર્શદીપ સિંહ
પંજાબ કિંગ્સ (PBKS) નો ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ વર્તમાન સિઝનમાં અપેક્ષાઓ પર ખરો ઉતરવામાં નિષ્ફળ રહ્યો છે. તેણે ગુજરાત ટાઈટન્સ (GT) સામે 4 ઓવરમાં 42 રન આપ્યા અને કોઈ વિકેટ નહતી લીધી. ત્યારબાદ તે ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) સામે પણ મોંઘો સાબિત થયો અને 4 ઓવરમાં 41 રન આપીને એક પણ વિકેટ ન લીધી. ખાસ વાત એ છે કે, તેણે ગુજરાત ટાઈટન્સ સામે 11 બોલની ઓવર પણ ફેંકી હતી, જે IPL ઈતિહાસમાં સંયુક્ત રીતે સૌથી લાંબી ઓવર હતી.
સંજુ સેમસન
વિકેટકીપર-બેટ્સમેન સંજુ સેમસન અત્યાર સુધી CSK માટે સંઘર્ષ કરી રહ્યો છે. તેણે ત્રણ મેચમાં 6, 7 અને 9 રન બનાવ્યા છે, જેના કારણે તેના ફોર્મ પર સવાલ ઉભા થાય છે. સંજુ તાજેતરના ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026 માં ભારતીય ટીમ માટે મેચ વિજેતા સાબિત થયો હતો, પરંતુ તેનું ફોર્મ હવે CSK માટે માથાનો દુખાવો બની ગયું છે.
કેમેરોન ગ્રીન
કોલકાતા નાઈટ રાઇડર્સ (KKR) નો સૌથી મોંઘો વિદેશી ખેલાડી કેમેરોન ગ્રીન પણ તેની પ્રતિષ્ઠા પર ખરો નથી ઉતર્યો. તે ઈજાને કારણે બોલિંગ નથી કરી શક્યો અને બેટથી ખાસ યોગદાન નથી આપ્યું. ગ્રીને મુંબઈ ઈન્ડિયન્સ (MI) સામે 18 રન બનાવ્યા હતા. સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) સામેની મેચમાં તે 2 રનના વ્યક્તિગત સ્કોર પર રન આઉટ થયો હતો.
કેએલ રાહુલ
દિલ્હી કેપિટલ્સ (DC) ના અનુભવી બેટ્સમેન કેએલ રાહુલનું પ્રદર્શન પણ નિરાશાજનક રહ્યું છે. તે 2 ઈનિંગ્સમાં ફક્ત 1 રન બનાવી શક્યો છે, જ્યારે ટીમ તેની પાસેથી મોટા સ્કોરની અપેક્ષા રાખતી હતી. રાહુલ લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) સામે ખાતું ખોલવામાં નિષ્ફળ ગયો હતો. જ્યારે MI સામેની મેચમાં રાહુલે 1 રન બનાવ્યો હતો.
વરુણ ચક્રવર્તી
KKRનો મિસ્ટ્રી સ્પિનર વરુણ ચક્રવર્તી પણ પ્રથમ બે મેચમાં પ્રભાવ પાડવામાં નિષ્ફળ ગયો છે. તેણે મુંબઈ ઈન્ડિયન્સ સામે 4 ઓવરમાં 48 રન આપ્યા હતા, જ્યારે સનરાઈઝર્સ હૈદરાબાદ સામે તેણે 2 ઓવરમાં 31 રન આપ્યા હતા. તેની બોલિંગમાં સ્પષ્ટપણે સુસંગતતાનો અભાવ છે અને તેની લાઈન અને લેન્થ પણ અનિયમિત રહી છે.








