VIDEO: સતત ત્રણ મેચ હારેલી CSK માટે આવ્યા સારા સમાચાર, આ મુકાબલાથી વાપસી કરી શકે છે ધોની અને બ્રેવિસ
IPL 2026માં ચેન્નાઈ સુપર કિંગ્સની સફર અત્યાર સુધી અત્યંત નિરાશાજનક રહી છે. ટીમને સતત ત્રણ હારનો સામનો કરવો પડ્યો છે. તેનો આગામી મુકાબલો શનિવારે (11 અપ્રિલ) દિલ્હી કેપિટલ્સ સામે છે. જોકે, તે પહેલા ટીમને મોટી રાહત મળી શકે છે. ઈજાગ્રસ્ત એમએસ ધોની અને ડેવાલ્ડ બ્રેવિસ બંને આગામી મેચમાં રમશે તેવી અપેક્ષા છે.
એક અહેવાલ મુજબ, ચેન્નાઈ સુપર કિંગ્સને પાંચ IPL ટાઈટલ અપાવનાર ભૂતપૂર્વ કેપ્ટન એમએસ ધોનીની આગામી થોડા દિવસોમાં ફિટનેસ ટેસ્ટ થવાની અપેક્ષા છે. જો તે આ ટેસ્ટ પાસ કરે છે, તો તે શનિવારે ચેપોક ખાતે દિલ્હી કેપિટલ્સ સામે મેદાનમાં ઉતરી શકે છે.
IPL પહેલા ધોની ઈજાગ્રસ્ત થયો હતો
ધોનીને પ્રી-સિઝન કેમ્પ દરમિયાન પગની એડીમાં ઈજા થઈ હતી, જેના કારણે તે IPL 2026માં અત્યાર સુધી એક પણ મેચ નથી રમી શક્યો. 44 વર્ષીય ધોની ટીમ સાથે બહારની મેચો માટે મુસાફરી નથી કરી રહ્યો અને ગયા શુક્રવારે પંજાબ કિંગ્સ સામેની ઘરેલુ મેચ માટે ચેપોકમાં હાજર નહતો. જોકે તે ટીમ સાથે નિયમિતપણે ટ્રેનિંગ સેશનમાં ભાગ લઈ રહ્યો છે, પરંતુ પ્રોટોકોલને કારણે મેચના દિવસે તે સ્ટેડિયમ નહતો જઈ શક્યો.
ધોની સખત પ્રેક્ટિસ કરી રહ્યો છે
પંજાબ કિંગ્સ સામેની મેચ પહેલા ધોનીએ MAC B ગ્રાઉન્ડ પર બેટિંગ પ્રેક્ટિસ કરી હતી. તેણે મેચના આગલા દિવસે મુખ્ય સ્ટેડિયમમાં પ્રેક્ટિસ પિચ પર કોઈપણ સમસ્યા વિના બેટિંગ કરી હતી. આમ છતાં, ફ્રેન્ચાઈઝી તેને મેદાનમાં ઉતારવાની ઉતાવળ કરવાને બદલે સંપૂર્ણપણે સ્વસ્થ થવા માટે સમય આપવા માંગે છે. તેથી, શનિવારની મેચમાં ધોનીની રમવાની શક્યતાઓ ખૂબ મજબૂત માનવામાં આવે છે.
બ્રેવિસને લઈને સારા સમાચાર
આ ઉપરાંત ડેવાલ્ડ બ્રેવિસને લઈને પણ સારા સમાચાર છે. આ મિડલ-ઓર્ડર બેટ્સમેનની ગેરહાજરી ચેન્નાઈ સુપર કિંગ્સ દ્વારા પ્રથમ ત્રણ મેચમાં સ્પષ્ટપણે અનુભવાઈ છે. પ્રિ-સિઝન કેમ્પ દરમિયાન બ્રેવિસને પણ સાઈડ સ્ટ્રેનની સમસ્યા થઈ હતી, જેના કારણે તે આ સિઝનમાં અત્યાર સુધી એક પણ મેચ નથી રમી શક્યો.
જોકે તે ટીમ સાથે ગુવાહાટી અને પછી બેંગલુરુ ગયો હતો, પરંતુ મેચ ફિટનેસના અભાવે તેનો અંતિમ 11 ખેલાડીઓમાં સમાવેશ નહતો કરવામાં આવ્યો. રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામેની હાર બાદ, હેડ કોચ સ્ટીફન ફ્લેમિંગે જણાવ્યું હતું કે બ્રેવિસ વાપસીની નજીક છે. બ્રેવિસની વાપસી ચેન્નાઈ સુપર કિંગ્સ માટે મોટી રાહત સાબિત થઈ શકે છે, કારણ કે તેની ગેરહાજરીમાં ટીમનો મિડલ ઓર્ડર ઘણો નબળો દેખાઈ રહ્યો છે.

