WTC / ભારત ક્યારે અને કોની સામે રમશે આગામી ટેસ્ટ મેચ? જાણો 2027 સુધીનું સંપૂર્ણ શેડ્યૂલ

ઈંગ્લેન્ડ સામેની પાંચ મેચની રોમાંચક ટેસ્ટ સિરીઝ 2-2 થી ડ્રો કર્યા પછી, ભારતીય ટેસ્ટ ટીમ હવે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) 2025-27 ના આગામી તબક્કા માટે તૈયાર છે. ભારતે આ સિરીઝમાંથી 60માંથી 28 પોઈન્ટ મેળવ્યા છે અને હાલમાં પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને છે, હવે ભારતીય ક્રિકેટ ફેન્સના મનમાં પ્રશ્ન એ છે કે ભારત આગામી ટેસ્ટ મેચ કોની સામે રમશે અને WTC 2025-27માં તે કઈ ટીમોનો સામનો કરશે?
ભારતની આગામી ટેસ્ટ મેચ ક્યારે અને કોની સામે છે?
ટીમ ઈન્ડિયા વેસ્ટ ઈન્ડિઝ સામે તેની આગામી ટેસ્ટ મેચ રમશે. આ બે મેચની હોમ સિરીઝ 2 ઓક્ટોબર, 2025થી અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે શરૂ થશે. બીજી ટેસ્ટ 10 ઓક્ટોબરથી દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે યોજાશે. રોસ્ટન ચેઝની આગેવાની હેઠળની વિન્ડીઝ ટીમ ભારતને પડકાર ફેંકશે.
નવેમ્બરમાં સાઉથ આફ્રિકા સાથે ટક્કર
WTC 2025-27માં ટીમ ઈન્ડિયાની ત્રીજી સિરીઝમાં, સાઉથ આફ્રિકા નવેમ્બર 2025માં ભારતનો પ્રવાસ કરશે. બંને ટીમો વચ્ચે બે મેચની ટેસ્ટ સિરીઝ રમાશે. જેની પહેલી મેચ 14 નવેમ્બરે કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે અને બીજી મેચ 22 નવેમ્બરથી ગુવાહાટીના બારસાપારા ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાશે.
ભારત 2026માં બે વિદેશી પ્રવાસ પર જશે
જુલાઈ 2026: ભારત શ્રીલંકા સામે બે મેચની અવે ટેસ્ટ સિરીઝ રમશે. છેલ્લી વખત 2022માં, ભારતે રોહિત શર્માની કેપ્ટનશિપમાં શ્રીલંકાને 2-0થી હરાવ્યું હતું.
નવેમ્બર 2026: ભારત નવેમ્બરમાં ન્યુઝીલેન્ડ પ્રવાસ પર બે ટેસ્ટ મેચ રમશે. છેલ્લી હોમ સિરીઝમાં, ભારતને ન્યુઝીલેન્ડ સામે 0-3થી શરમજનક હારનો સામનો કરવો પડ્યો હતો. વિરાટ કોહલીની કેપ્ટનશિપ હેઠળ, ભારતે 2020માં ન્યુઝીલેન્ડ પ્રવાસ પર બે ટેસ્ટ હારી હતી.
2027ની શરૂઆતમાં ઓસ્ટ્રેલિયાનો મુકાબલો
WTCની આ સાયકલના અંતે, ભારત 2027ના પહેલા ક્વાર્ટરમાં ઓસ્ટ્રેલિયા સામે પાંચ મેચની હોમ ટેસ્ટ સિરીઝ રમશે. છેલ્લી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં, ભારતીય ટીમ 1-3થી હારી ગઈ હતી, પરંતુ તે પહેલા ભારતે ઓસ્ટ્રેલિયા સામે હોમ સિરીઝ 2-1થી જીતી હતી.
WTC 2025-27માં ભારતની કુલ ટેસ્ટ સિરીઝ
- ભારત vs ઈંગ્લેન્ડ - ઓગસ્ટમાં પૂર્ણ (2-2થી ડ્રો)
- ભારત vs વેસ્ટ ઈન્ડીઝ - ઓક્ટોબર 2025 (ભારતમાં)
- ભારત vs સાઉથ આફ્રિકા - નવેમ્બર 2025 (ભારતમાં)
- ભારત vs શ્રીલંકા - જુલાઈ 2026 (શ્રીલંકામાં)
- ભારત vs ન્યુઝીલેન્ડ - નવેમ્બર 2026 (ન્યુઝીલેન્ડમાં)
- ભારત vs ઓસ્ટ્રેલિયા - ફેબ્રુઆરી-માર્ચ 2027 (ભારતમાં)

