ICC Rankings / સિરાજ-કૃષ્ણાને ફાયદો, શુભમન ગિલને થયું નુકસાન; ટોપ 5માં પહોંચ્યો યશસ્વી જયસ્વાલ

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ સિરીઝ 2-2થી ડ્રો રહી અને આ સિરીઝ પછી, ICC એ ફરીથી લેટેસ્ટ રેન્કિંગ અપડેટ જાહેર કર્યું. આ વખતે ICC રેન્કિંગમાં મોટો ફેરફાર થયો છે. ટીમનો યુવા ઓપનર યશસ્વી જયસ્વાલ ફરીથી મેન્સ ટેસ્ટ બેટ્સમેન રેન્કિંગમાં ટોપ-5માં પહોંચ્યો છે, જ્યારે ભારતીય ટેસ્ટ કેપ્ટન શુભમન ગિલને મોટું નુકસાન થયું છે. મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ કૃષ્ણાને ઈગ્લેન્ડ પ્રવાસ પર તેમના ઉત્તમ પ્રદર્શનનો બમ્પર ફાયદો મળ્યો છે. બંનેએ તેમના કરિયરના બેસ્ટ રેટિંગ પોઈન્ટ પ્રાપ્ત કર્યા છે.
મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ કૃષ્ણાને ICC રેન્કિંગમાં મોટો ફાયદો
ઓવલ ટેસ્ટમાં ઈંગ્લેન્ડ સામે 6 રનની જીત બાદ, ભારતીય ખેલાડીઓને ICC રેન્કિંગમાં મોટો ફાયદો થયો છે. ઓવલ ટેસ્ટ મેચમાં 9 વિકેટ લીધા બાદ પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ મેળવનાર ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ ICC મેન્સ ટેસ્ટ બોલર્સ રેન્કિંગમાં 12 સ્થાન ઉપર આવીને 15મા સ્થાને પહોંચી ગયો છે.
તેનો સાથી ખેલાડી પ્રસિદ્ધ કૃષ્ણા 25 સ્થાન ઉપર આવીને 59મા સ્થાને પહોંચી ગયો છે. તેણે ઓવલ ટેસ્ટમાં કુલ 8 વિકેટ લીધી અને ભારતની જીતમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી. આ પહેલીવાર હતું જ્યારે સિરાજ અને કૃષ્ણા બંનેએ ટેસ્ટમાં પોતાનું બેસ્ટ રેન્કિંગ હાંસલ કર્યું.
ઈંગ્લેન્ડના ઝડપી બોલર ગસ એટકિન્સન અને જોશ ટંગે પણ તેમના કરિયરના બેસ્ટ સ્થાન હાંસલ કર્યા. બંનેએ ઓવલ ખાતે ભારત સામે 8-8 વિકેટ લીધી. એટકિન્સન 2 સ્થાન ઉપર આવીને 10મા સ્થાને પહોંચ્યો, જ્યારે ટંગ 14 સ્થાન ઉપર આવીને 46મા સ્થાને પહોંચી ગયો છે.
યશસ્વી જયસ્વાલને ફાયદો થયો
ઓવલ ખાતે સદી ફટકારનાર યશસ્વી જયસ્વાલ 3 સ્થાનના ફાયદા સાથે મેન્સ બેટ્સમેન રેન્કિંગના ટોપ-5માં ફરી પ્રવેશ કર્યો છે. તે 792 રેટિંગ પોઈન્ટ સાથે 5મા સ્થાને છે. તેના સિવાય, જો રૂટ અને સદી ફટકારનાર હેરી બ્રુક, ICC મેન્સ બેટ્સમેન રેન્કિંગમાં અનુક્રમે પ્રથમ અને બીજા સ્થાને છે.
કેપ્ટન ગિલને નુકસાન થયું
શુભમન ગિલ ICC મેન્સ બેટ્સમેન રેન્કિંગમાં 13મા સ્થાને સરકી ગયો છે. તેને 4 સ્થાનનું નુકસાન થયું છે, જ્યારે ન્યુઝીલેન્ડનો ડેરિલ મિચેલ 4 સ્થાનનો ફાયદો મેળવીને 9મા સ્થાને પહોંચી ગયો છે. ભારતીય ટીમના વિકેટકીપર-બેટ્સમેન રિષભ પંતે પણ એક સ્થાનનું નુકસાન થયું છે અને હાલમાં તે 8મા સ્થાને છે.

