ગુજરાતમાં જન્મ્યો, ન્યુઝીલેન્ડ માટે રમ્યો ક્રિકેટ; હવે 38 વર્ષની ઉંમરે નિવૃત્તિની જાહેરાત કરી

ન્યુઝીલેન્ડના ભૂતપૂર્વ ઓપનર અને ભારતીય મૂળના ક્રિકેટર જીત રાવલે 2026-27ની સ્થાનિક સિઝન પહેલા તમામ પ્રકારના વ્યાવસાયિક ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. સપ્ટેમ્બરમાં 38 વર્ષના થયેલા ડાબા હાથના બેટ્સમેને 2016થી 2020 દરમિયાન ન્યુઝીલેન્ડની નેશનલ ટીમ માટે 24 ટેસ્ટ મેચ રમી હતી. મેદાનમાંથી નિવૃત્તિ લીધા પછી, રાવલ હવે સંપૂર્ણપણે પોતાની બીજી ઈનિંગ પર ધ્યાન કેન્દ્રિત કરશે. તે એક ઓડિટિંગ ફર્મમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (CA) તરીકે કામ કરે છે, જે હવે તેની ફૂલ ટાઈમ જોબ હશે.
જીત રાવલે નિવૃત્તિની જાહેરાત કરી
ગુજરાતમાં જન્મેલા, જીત રાવલે એક રસપ્રદ ક્રિકેટ સફર કરી છે. રાવલે અમદાવાદની વિદ્યાનગર સ્કૂલમાં ભૂતપૂર્વ ભારતીય વિકેટકીપર-બેટ્સમેન પાર્થિવ પટેલ સાથે અભ્યાસ કર્યો હતો. શાળાના દિવસોમાં તે પાર્થિવ પટેલનો ઓપનિંગ પાર્ટનર હતો. ત્યારબાદ તેનો પરિવાર ગુજરાત છોડીને ઓકલેન્ડમાં સ્થાયી થયો. ત્યાં, તેણે ન્યૂઝીલેન્ડની અંડર-19 ટીમ સાથે પોતાની છાપ છોડી અને ડિસેમ્બર 2008માં ઓકલેન્ડ માટે વેસ્ટ ઈન્ડિઝ સામે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ડેબ્યુ કર્યું. જીત રાવલે 2016માં ક્રાઇસ્ટચર્ચમાં પાકિસ્તાન સામે ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યુ કર્યું હતું. તેણે 24 ટેસ્ટ મેચમાં એક સદી અને સાત અડધી સદી ફટકારી હતી. તે 2021માં ભારતને હરાવીને પ્રથમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) નો ખિતાબ જીતનાર ન્યુઝીલેન્ડ ટીમનો સભ્ય હતો.
નિવૃત્તિની જાહેરાત કરતા રાવલે કહ્યું, "આ નિર્ણય લેવો મારા માટે ખૂબ જ સન્માન અને ગર્વની વાત છે. હું સંપૂર્ણપણે સંતુષ્ટ અને શાંતિ અનુભવું છું. બ્લેક કેપ્સ માટે રમવું એ બાળપણનું સ્વપ્ન હતું અને આજે પાછળ જોતા મને ગર્વ થાય છે. તે માત્ર મારું જ નહીં, પરંતુ મારા પિતાનું પણ સ્વપ્ન હતું. તેમણે એક તક જોઈ અને આખા પરિવારને ન્યુઝીલેન્ડ લાવ્યા જેથી હું આ સ્વપ્નને જીવી શકું."
10,000 ફર્સ્ટ-ક્લાસ રન બનાવ્યા
રાવલને ન્યુઝીલેન્ડના સ્થાનિક ક્રિકેટમાં સૌથી વિશ્વસનીય અને મહાન ઓપનિંગ બેટ્સમેનોમાંથી એક માનવામાં આવે છે. તેણે તેની 292 ફર્સ્ટ-ક્લાસ ઇનિંગ્સમાં 285 વખત ઓપનિંગ બેટિંગ કરી અને 37.36ની એવરેજથી 10,127 રન બનાવ્યા, જેમાં 23 સદીનો સમાવેશ થાય છે. ડિસેમ્બર 2025માં તે ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં 10,000 રન બનાવનાર 30મો ન્યુઝીલેન્ડનો બેટ્સમેન બન્યો. તેણે ન્યુઝીલેન્ડની ફર્સ્ટ-ક્લાસ ટુર્નામેન્ટ, પ્લંકેટ શીલ્ડમાં 8662 રન બનાવ્યા. ટુર્નામેન્ટના સમગ્ર ઈતિહાસમાં ફક્ત માઈકલ પેપ્સ, મેથ્યુ સિંકલેર અને પીટર ફુલ્ટને જ તેના કરતા વધુ રન બનાવ્યા છે. કેપ્ટન તરીકે, તેણે 2024-25 સિઝનમાં એક દાયકા કરતાં વધુ સમયમાં નોર્ધન ડિસ્ટ્રિક્ટ્સને તેનો પ્રથમ પ્લંકેટ શીલ્ડ ખિતાબ અપાવ્યો.

