IND vs NZ / બીજી ટેસ્ટમાંથી પણ બહાર થઈ શકે છે મોહમ્મદ સિરાજ, બોલિંગ કોચે સ્ટાર ખેલાડીના ડેબ્યુના સંકેત આપ્યા

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની બીજી ટેસ્ટ ક્રાઇસ્ટચર્ચમાં રમાશે. આ મેચ 27 નવેમ્બરથી શરૂ થવાની છે. વેલિંગ્ટનમાં બંને ટીમો વચ્ચેની પહેલી ટેસ્ટ ડ્રો રહી હતી. મોહમ્મદ સિરાજને આ મેચમાં રમવાની તક નહતી મળી. ટીમ મેનેજમેન્ટના આ નિર્ણયની ફેન્સ દ્વારા ભારે ટીકા કરવામાં આવી હતી. એવું લાગતું હતું કે સિરાજને બીજી ટેસ્ટમાં ચોક્કસપણે તક મળશે. જોકે, સ્ટાર ફાસ્ટ બોલરને ફરી એકવાર બહાર રાખવામાં આવી શકે છે. 26 વર્ષીય ફાસ્ટ બોલર ગુરનુર બરારને તેની જગ્યાએ રમવાની તક મળી શકે છે. બોલિંગ કોચે પ્રેસ કોન્ફરન્સમાં ગુરનુરના ડેબ્યુનો સંકેત આપ્યો હતો.
ગુરનુર બરારને તક મળી શકે છે
બીજી ટેસ્ટ પહેલા ક્રાઇસ્ટચર્ચમાં એક પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. ભારતના બોલિંગ કોચ મોર્ને મોર્કલે આવીને વિવિધ પાસાઓ પર ચર્ચા કરી હતી. તેણે ગુરનુરની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે તે તૈયાર છે. મોર્નેએ કહ્યું, "ગુરનુર બરાર પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મેળવવા માટે દરવાજો ખટખટાવી રહ્યો છે. તે યોગ્ય કામ કરી રહ્યો છે. તેની પાસે ગતિ અને ઉછાળ છે, જે આ પરિસ્થિતિઓ માટે સૌથી યોગ્ય છે. કોચ તરીકે મારું કામ તેને તક મળે ત્યારે તૈયાર રાખવાનું છે."
અહેવાલો અનુસાર, ગુરનુર બરારે નેટમાં ઘણી મહેનત કરી. તેણે લાંબા સમય સુધી બોલિંગ કરી અને બાદમાં મેનેજમેન્ટ દ્વારા તેને બેટિંગ કરવાનું કહેવામાં આવ્યું. એવું લાગે છે કે ગુરનુરને તેના ડેબ્યુ માટે તૈયાર કરવામાં આવી રહ્યો છે. તે ભારતની ODI ટીમનો ભાગ છે અને તેને સતત તકો મળી રહી છે. તેણે અત્યાર સુધીમાં 13 ODI મેચોમાં 23 વિકેટ લીધી છે. બરાર હવે ક્રાઇસ્ટચર્ચમાં તેની ટેસ્ટ કેપ મેળવી શકે છે.
મોર્કેલે મોહમ્મદ સિરાજ વિશે શું કહ્યું?
મોર્કેલે મોહમ્મદ સિરાજ વિશે પણ વાત કરી. તેણે કહ્યું કે સિરાજ સારા ફોર્મમાં દેખાઈ રહ્યો છે. તેણે કહ્યું, "મોહમ્મદ સિરાજ સારી બોલિંગ કરી રહ્યો છે. તે એક ટોપ લેવલનો ખેલાડી છે. મારી હંમેશા વસ્તુઓ સુધારવાને લઈને વાત થાય છે. ટીમ ઈન્ડિયા બીજી ટેસ્ટ માટે બોલિંગ આક્રમણમાં ઘણા ફેરફારો કરે તેવી શક્યતા નથી. આવી સ્થિતિમાં, આકાશ દીપ અથવા પ્રસિદ્ધ કૃષ્ણાને બહાર રાખવામાં આવી શકે છે, અને ગુરનુર બરારને રમવાની તક મળી શકે છે.









