IPL 2027ના ઓક્શન પહેલા ભારતીય ખેલાડીએ લીધી નિવૃત્તિ, જાન્યુઆરીમાં રમી હતી છેલ્લી મેચ

IPL 2027 મિની ઓક્શન 16 ડિસેમ્બરે ગોવામાં યોજાવાનું છે. IPL ઓક્શન પહેલા 32 વર્ષીય ભારતીય ક્રિકેટરે નિવૃત્તિની જાહેરાત કરી છે. તમિલનાડુના ક્રિકેટર બાબા અપરાજિતે ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટને અલવિદા કહી દીધું છે. તેણે બુધવારે ઇન્સ્ટાગ્રામ પર આ જાહેરાત કરી હતી.
બાબા અપરાજિતે આ વર્ષની શરૂઆતમાં તેની છેલ્લી ફર્સ્ટ-ક્લાસ મેચ રમી હતી. તેણે IPLમાં ચેન્નાઈ સુપર કિંગ્સ તેમજ ભારતની અંડર-19 અને ઈન્ડિયા A ટીમોનું પણ પ્રતિનિધિત્વ કર્યું છે.
ઇન્સ્ટાગ્રામ પર ઈમોશનલ પોસ્ટ શેર કરી
બાબા અપરાજિતે ઇન્સ્ટાગ્રામ પર નિવૃત્તિની જાહેરાત કરતા લખ્યું, "મેં મારી છેલ્લી ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટ મેચ 24 જાન્યુઆરી, 2026ના રોજ રમી હતી અને આ સાથે મારી ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટ કારકિર્દીનો સત્તાવાર રીતે અંત આવે છે." તેણે આગળ લખ્યું, "પાછળ વળીને જોતાં તે એક અદ્ભુત સફર રહી છે, જે અનુભવો, પડકારો, શીખ, મિત્રતા અને યાદોથી ભરેલી છે જેને હું જીવનભર સાચવીશ."
તેણે લખ્યું, "તામિલનાડુ, ઈન્ડિયા અંડર-19, ઈન્ડિયા A, કેરળ, ચેન્નાઈ સુપર કિંગ્સ, રાઈઝિંગ પુણે સુપરજાયન્ટ, TNPL ફ્રેન્ચાઈઝી અને મારી ક્લબ ટીમોનું પ્રતિનિધિત્વ કરવાનો મને ખૂબ જ લહાવો મળ્યો છે. હું ઘણી ટીમો અને ડ્રેસિંગ રૂમનો ભાગ રહ્યો છું જેમણે મારી સફરને આકાર આપ્યો છે, દરેક અનુભવે મને ક્રિકેટર અને વ્યક્તિ બંને તરીકે ઘડવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. હું મારી કારકિર્દી દરમિયાન મળેલી તકો અને સમર્થન માટે BCCI, TNCA અને KCAનો હૃદયપૂર્વક આભાર માનું છું."
તેણે વધુમાં લખ્યું, "હું ખાસ કરીને મારી પત્ની, માતા-પિતા, ભાઈ, સમગ્ર પરિવાર અને મારા બધા મિત્રો અને શુભેચ્છકોનો આ સફર દરમિયાન તેમના બિનશરતી સમર્થન, બલિદાન અને મારામાં સતત વિશ્વાસ માટે આભાર માનું છું. હું મારા કોચ, સપોર્ટ સ્ટાફ અને ટીમના સાથીઓનો પણ આભારી છું જેઓ આ સફરનો અભિન્ન ભાગ રહ્યા છે. રમત સાથે મારો સંબંધ પહેલાની જેમ મજબૂત રહે છે. હું વર્ષોથી મેળવેલા જ્ઞાન, અનુભવો અને શિક્ષણને આગળ લઈ જવા માંગુ છું. હું આવનારા વર્ષોમાં શીખવાનું, યોગદાન આપવાનું અને રમત પર અર્થપૂર્ણ અસર કરવાનું ચાલુ રાખવાની આશા રાખું છું."
બાબા અપરાજિતનું ક્રિકેટ કરિયર
બાબા અપરાજિતે 2011માં તમિલનાડુ માટે ઘરેલુ ક્રિકેટમાં ડેબ્યુ કર્યું હતું. તેણે જાન્યુઆરી 2026માં કેરળ સામે છેલ્લી ફર્સ્ટ-ક્લાસ મેચ રમી હતી. તેણે 102 ફર્સ્ટ-ક્લાસ, 114 લિસ્ટ A અને 63 T20 મેચ રમી છે. તેણે 102 ફર્સ્ટ-ક્લાસ મેચમાં 5199 રન બનાવ્યા છે. તેણે ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં 12 સદી અને 27 અડધી સદી ફટકારી છે. તેણે ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં 75 વિકેટ પણ લીધી છે. બાબા અપરાજિત IPLમાં રાઈઝિંગ પુણે સુપરજાયન્ટ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સમાં સામેલ હતો. જોકે તેને IPLમાં ડેબ્યુ કરવાની તક નહતી મળી, તે 2012માં અંડર-19 વર્લ્ડ કપ જીતનારી ભારતીય ટીમનો મુખ્ય સભ્ય હતો.









