કેન વિલિયમસનને મળી મોટી જવાબદારી, સુપર જાયન્ટ્સ ફ્રેન્ચાઈઝીનો બન્યો નવો હેડ કોચ

ન્યુઝીલેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન અને દિગ્ગજ બેટ્સમેન કેન વિલિયમસન નવી કારકિર્દી શરૂ કરી રહ્યો છે. સાઉથ આફ્રિકામાં રમાનારી SA20ની 2027 સિઝન માટે વિલિયમસનને ડર્બન સુપર જાયન્ટ્સ (DSG) ના નવા હેડ કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યો છે. જુલાઈ 2026માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેનારો વિલિયમસન IPLમાં લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) મેનેજમેન્ટ ટીમનો પણ ભાગ છે. તે પહેલીવાર કોઈ ટીમનો હેડ કોચ બન્યો છે. વિલિયમસન સાઉથ આફ્રિકાના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર લાન્સ ક્લુઝનરનું સ્થાન લેશે, જેણે 2023માં લીગની શરૂઆતની સિઝનથી હેડ કોચ તરીકે સેવા આપી હતી.
કેન વિલિયમસન ડર્બન સુપર જાયન્ટ્સના નવા હેડ કોચ તરીકે નિયુક્ત
સંજીવ ગોયેન્કાની માલિકીની SA20 ફ્રેન્ચાઈઝી ડર્બન સુપર જાયન્ટ્સે બુધવારે (25 નવેમ્બર) જાહેરાત કરી કે કેન વિલિયમસનને તેના નવા હેડ કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યો છે. ફ્રેન્ચાઈઝીએ એક સત્તાવાર નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે આ વિલિયમસન માટે એક નવી સફરની શરૂઆત છે, જે વિશ્વ ક્રિકેટના સૌથી આદરણીય ખેલાડીઓ અને લીડરમાંથી એક છે. ફ્રેન્ચાઈઝીએ વધુમાં જણાવ્યું હતું કે વિલિયમસન જે અગાઉ મેદાન પર ટીમનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યો છે, તે એક નવી ભૂમિકામાં ડર્બન પરત ફરી રહ્યો છે. તે પોતાની સાથે વ્યાપક આંતરરાષ્ટ્રીય ક્રિકેટ અનુભવ, રમતની મજબૂત સમજ અને ઉચ્ચતમ સ્તરે કેપ્ટનશિપનો અનુભવ લાવે છે.
હેડ કોચ તરીકે નિયુક્ત કર્યા પહેલા ફ્રેન્ચાઈઝીએ તેમને આગામી સિઝન માટે ખેલાડી તરીકે પણ રિટેન કર્યો હતો. વિલિયમસને 2025 અને 2026 SA20 સિઝનમાં ડર્બન સુપર જાયન્ટ્સ માટે 15 મેચમાં 343 રન બનાવ્યા હતા. જોકે, તે હવે ટીમ માટે નવી ભૂમિકામાં જોવા મળશે.
વિલિયમસન પહેલીવાર કોઈ ટીમને કોચ કરશે
આ પહેલીવાર હશે જ્યારે વિલિયમસન કોઈ ક્રિકેટ ટીમને કોચિંગ આપશે. ફ્રેન્ચાઈઝીને આશા છે કે તેનો અનુભવ અને નેતૃત્વ ક્ષમતા ટીમને તેના પ્રદર્શનને સુધારવામાં મદદ કરશે. તે ટીમના ક્રિકેટ ડિરેક્ટર ટોમ મૂડી, બેટિંગ કોચ રયાન કૂક, ફાસ્ટ બોલિંગ કોચ ભરત અરુણ, સ્પિન બોલિંગ કોચ કાર્લ ક્રો અને ફિલ્ડિંગ કોચ કુશેન કિશન સાથે નજીકથી કામ કરશે.
કેન વિલિયમસનની શાનદાર આંતરરાષ્ટ્રીય કારકિર્દી
કેન વિલિયમસને જુલાઈ 2026માં ઈંગ્લેન્ડ સામે ન્યુઝીલેન્ડની પ્રથમ ટેસ્ટ મેચ પછી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી. તેણે ન્યુઝીલેન્ડ માટે 110 ટેસ્ટ રમી, જેમાં 54.06ની એવરેજથી 9,515 રન બનાવ્યા. ODI ક્રિકેટમાં તેણે 175 મેચોમાં 7,256 રન બનાવ્યા છે. આ ઉપરાંત તેણે 93 T20I મેચોમાં 2,575 રન બનાવ્યા છે. તે ન્યુઝીલેન્ડનો ODIમાં ચોથો સૌથી વધુ રન બનાવનાર અને T20Iમાં બીજા ક્રમનો સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે. વિલિયમસનનો કેપ્ટન તરીકે પણ પ્રભાવશાળી રેકોર્ડ છે. તેના નેતૃત્વ હેઠળ, ન્યુઝીલેન્ડ 2019 ODI વર્લ્ડ કપની ફાઈનલમાં પહોંચ્યું, જ્યાં તે રનર-અપ રહ્યું હતું.
વિલિયમસનની કેપ્ટનશિપ હેઠળ ન્યુઝીલેન્ડે 2021માં સાઉથમ્પ્ટનમાં રમાયેલી પ્રથમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલમાં ભારત સામે ઐતિહાસિક વિજય મેળવ્યો હતો અને પ્રથમ WTC ચેમ્પિયન બન્યું હતું. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા પછી પણ વિલિયમસન ફ્રેન્ચાઈઝી ક્રિકેટમાં એક્ટિવ રહ્યો. તેણે જાન્યુઆરીમાં બાંગ્લાદેશ પ્રીમિયર લીગ (BPL) માં રાજશાહી વોરિયર્સ માટે તેની છેલ્લી T20 મેચ રમી હતી. હવે તે SA20 2027માં ડર્બન સુપર જાયન્ટ્સના હેડ કોચ તરીકે નવી ભૂમિકા નિભાવશે.









