Asia Cup 2025 માટે જાહેર કરાઈ અફઘાનિસ્તાનની પ્રારંભિક ટીમ, રાશિદ ખાન બનશે કેપ્ટન

આગામી મહિને શરૂ થનારા એશિયા કપ માટે અફઘાનિસ્તાને તેની પ્રારંભિક ટીમની જાહેરાત કરી છે. આ ઉપરાંત, અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ (ACB) એ આગામી બે મહિનામાં પાકિસ્તાન અને UAE સામેની ટ્રાઈ-નેશન સિરીઝ માટે 22 ખેલાડીઓની પ્રારંભિક ટીમની પણ જાહેરાત કરી છે. આ ટીમમાં અનુભવી ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, તો ઘણા યુવા ચહેરાઓને પણ તક મળી છે.
રાશિદ ખાન કેપ્ટન બનશે
અફઘાનિસ્તાન ટીમની કમાન ફરી એકવાર સ્ટાર લેગ સ્પિનર રાશિદ ખાનને સોંપવામાં આવી છે. ઉપરાંત, ટીમમાં રહેમાનુલ્લાહ ગુરબાઝ, અઝમતુલ્લાહ ઉમરઝઈ, ફઝલહક ફારૂકી અને મોહમ્મદ નબી જેવા અનુભવી ખેલાડીઓ અને વર્લ્ડ કપના પ્રદર્શનમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવનારા ખેલાડીઓ પણ છે.
યુવાન ચહેરાઓને તક મળી
ટીમમાં ત્રણ નવા યુવા ખેલાડીઓ, વફીઉલ્લાહ તારાખિલ, અબ્દુલ્લાહ અહમદઝઈ અને બશીર અહેમદનો સમાવેશ કરવામાં આવ્યો છે. જો આ ખેલાડીઓ અંતિમ ટીમમાં સ્થાન મેળવે છે, તો તેઓ તેમની આંતરરાષ્ટ્રીય કારકિર્દી શરૂ કરી શકે છે.
બે સપ્તાહનો ટ્રેનિંગ કેમ્પ
ટ્રાઈ-નેશન સિરીઝ પહેલા અફઘાન ટીમ શારજાહમાં બે સપ્તાહનો ટ્રેનિંગ કેમ્પ યોજશે. ટીમની પ્રથમ મેચ 29 ઓગસ્ટે પાકિસ્તાન સામે રમાશે.
અફઘાનિસ્તાનની પ્રારંભિક ટીમ
રાશિદ ખાન (કેપ્ટન), રહેમાનુલ્લા ગુરબાઝ (વિકેટકીપર), સેદીકુલ્લાહ અતલ, વફીઉલ્લાહ તારાખિલ, ઈબ્રાહીમ ઝદરાન, દરવેશ રસુલી, મોહમ્મદ ઈશાક, મોહમ્મદ નબી, નંગયાલ ખારોટી, શરાફુદ્દીન અશરફ, કરીમ જનત, અઝમતુલ્લા ઉમરઝઈ, ગુલબદ્દીન નાયબ, મુજીબ ઝદરાન, એએમ ગઝનફર, નૂર અહેમદ, ફઝલહક ફારૂકી, નવીન-ઉલ-હક, ફરીદ મલિક, સલીમ સાફી, અબ્દુલ્લા અહમદઝઈ, બશીર અહેમદ.
એશિયા કપ 2025માં અફઘાનિસ્તાનનું શેડ્યૂલ
- 9 સપ્ટેમ્બર- હોંગકોંગ વિરુદ્ધ અફઘાનિસ્તાન
- 16 સપ્ટેમ્બર- બાંગ્લાદેશ વિરુદ્ધ અફઘાનિસ્તાન
- 18 સપ્ટેમ્બર- શ્રીલંકા વિરુદ્ધ અફઘાનિસ્તાન

